સોખડા વિવાદને લઈ વિરક્ત સ્વામી બાદ વધુ 5થી 6 સંતો મંદિર છોડે તેવી ચર્ચા

PC: Dainikbhaskar.com

વડોદરા સોખડા હરિધામ મંદિરનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હરિધામ સોખડાના વિવાદ વચ્ચે વિરક્ત સ્વામી દ્વારા મંદિર છોડવામાં આવ્યું હતું અને હવે વિરક્ત સ્વામીના મંદિર છોડ્યા બાદ ચારથી પાંચ જેટલા સંતો પણ મંદિર છોડે તેવી શક્યતાઓ અને ચર્ચાઓ હરિભક્તોમાં ચાલી રહી છે. મહત્વની વાત છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરના ઉત્તરાધિકારીને લઈને સંતોના બે જૂથ પડી ગયા છે. એક જૂથ પ્રેમ સ્વરૂપ સ્વામીનું છે..તો બીજું જૂથ પ્રબોધ સ્વામીનું છે અને આ બંને જૂથના સંતો વચ્ચે અવાર નવાર તકરાર થઇ રહી છે અને તેને જ લઈને હરિધામ સોખડાનો વિવાદ વધુ વકર્યો છે. 

આ વિવાદ થયા બાદ પ્રબોધ સ્વામી જૂથના સંતો દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી છે અને પ્રબોધ સ્વામીની સાથે 200 જેટલા સંતો પોતાના અનુયાયીઓ સાથે સોખડા મંદિર છોડીને આણંદના બાકરોલ ખાતે રહેવા ચાલ્યા ગયા છે. આ ઘટના બાદ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ ગળેફાંસો ખાઇને જીવનનો ત્યાગ કર્યો હતો. તો બીજી તરફ ગુણાતીત સ્વામીના આપઘાતને લઈને એક ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી.

 

મંદિરના વિવાદ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા પર કામગીરી ચાલી રહી છે. તેવામાં સોખડા મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની ચાદરવિધિ પણ થઈ હતી અને મંદિરના ઉત્તરાધિકારી હવે પ્રેમ સ્વરૂપ સ્વામી જ છે તેવું આડકતરી રીતે દર્શાવવામાં આવ્યુ હતું. કારણ કે, મંદિરના ઉત્તરાધિકારીની જ ચાદર વિધિ કરવામાં આવી છે. મંદિરમાં ચાલતા વિવાદ વચ્ચે હરીપ્રસાદ સ્વામીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે હરીપ્રસાદ સ્વામીના હાથે જે સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી હતી તે વિરક્ત સ્વામી દ્વારા હરિધામ મંદિર છોડવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, મંદિરના જ કેટલાક સંતોના ત્રાસના કારણે વિરક્ત સ્વામી દ્વારા હરિધામ મંદિરને છોડવામાં આવ્યું છે અને હવે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, વધુ ચારથી પાંચ જેટલા સંતો વિરક્ત સ્વામી બાદ સોખડાનું મંદિર છોડી શકે છે. આ બાબતે જાહેરમાં કોઈ પણ તો બોલવા માટે તૈયાર નથી. 

તો બીજી તરફ 22 મેના રોજ લેપ્રસી મેદાન ખાતે હરીપ્રસાદ સ્વામીના પ્રાગટયમહોત્સવ નિમિત્તે ગુરુભક્તિ મહોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં 51 હજાર કરતાં વધુ હરિભક્તો ભેગા કરવાની યોજના પ્રબોધ સ્વામીના જૂથ દ્વારા કરવામાં આવી રહી છે એટલે હવે પ્રબોધ સ્વામીનું જૂથ પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp