ઇકોલોજી-ઇકોનોમી-ટેક્નોલોજી-હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરીઃ આયુષ મંત્રી

PC: Khabarchhe.com

ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં સ્થિત સ્ટેટ મોડલ ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદા સાયન્સિસ કેમ્પસની મુલાકાત દરમિયાન કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલે જણાવ્યું હતું કે, ઇકોલોજી- ઇકોનોમી અને ટેક્નોલોજી- હ્યુમેનોલોજી સાથે સાથે રાખવી ખૂબ જરૂરી છે. પ્રકૃ્તિનું જતન કરવું જોઇએ. તેમજ પ્રકૃતિના નિયમને ન તોડવો જોઇએ. કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલે વિધાર્થીઓ અને આયુર્વેદ કોલેજના ફેકલ્ટીઝ સાથે આયુર્વેદ વિષય પર સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં એક મજબૂત રાજ્ય છે. તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં ગુજરાત અગ્રેસર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી હતા, તે સમયે વિકાસ પંથ કંડારયો હતો.આજે જેની ફલશ્રૃતિ રૂપે ગુજરાત દેશમાં જ નહિ, વિશ્વ ફલક પર પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

આ આયુર્વેદ કોલેજનું નામ દેશમાં જ નહિ, વિશ્વમાં રોશન કરવાનું વિઘાર્થીઓને આહૂવાન કરીને કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, વ્યક્તિઓની પ્રકૃતિને ઓળખીને તેનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, પણ આજના ટેક્નોલોજી- વિજ્ઞાન યુગમાં લોકોમાં આયુર્વેદની જાગૃત્તિ લાવવી ખૂબ જરૂરી છે. તેમણે આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી આ હોસ્પિટલ અને કોલેજના વિકાસમાં જરૂરી સહયોગ આપવાની પણ ખાત્રી આપી હતી.

સર્વે ઉપસ્થિત વિધાર્થીઓને પોતાના સમયનો સદ ઉપયોગ કરવા જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, સમાજને તંદુરસ્ત રાખવાની જવાબદારી આપના શીરે છે. પ્રકૃતિ વચ્ચે જીવન જીવવાથી શું શું ફાયદા થાય છે, તે અંગેની લોકજાગૃત્તિ લાવવી પણ તેટલી જરૂરી છે. તેમણે ગ્લોબલ વાર્મિંગની વિસ્તૃત વાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલે આયુર્વેદ હોસ્પિટલના વિવિધ ચિકિત્સા વિભાગની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ આયુર્વેદ હોસપિટલની મુલાકાત દરમ્યાન તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp