ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ જાણો રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું

PC: news18.com

કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહીં તેના પર સૌની નજર છે. કારણ કે અખાત્રીજના દિવસથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી ન હતી અને ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથની અલગ-અલગ વિધિઓ પણ રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ હોવાના કારણે તેમને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા. ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા બાદ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બંધબારણે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રથયાત્રા અને રથયાત્રા પહેલાં યોજાતી જળ યાત્રાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી.

મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે ચર્ચા કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું હોવાના કારણે મંદિર ખુલ્લા મુકવામાં આવ્યા છે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ભક્તો ભગવાનના દર્શન કરી શકે છે. આ ઉપરાંત રથયાત્રા બાબતે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સાથે પણ વાત થઈ છે. રથયાત્રા બાબતે મુખ્યમંત્રીના નિવેદન મુજબ કોરોનાની સ્થિતિને જોઈને નિર્ણય કરીશું પરંતુ રથયાત્રા પહેલાં યોજાતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન અનુસાર જ થશે.

પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કર્યા બાદ મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા બાબતે નિર્ણય લેવામાં આવશે. મારી નહીં પરંતુ બધાની લાગણી છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ જળયાત્રામાં જોડાય છે પરંતુ ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે જળયાત્રાની તમામ વિધિ એકદમ સાદાઇથી કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ જ પ્રકારે જળયાત્રાની વિધિ સાદાઈથી કરાવામાં આવશે. જળયાત્રા દરમિયાન પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp