વરસાદી પાણીના જળસંગ્રહને લઈને CM રૂપાણીએ આ જિલ્લાના કર્યા ભરપેટ વખાણ

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સરકારી શાળાના મકાનો, સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવી જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે ત્યારે આપણી પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવેના નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌએ સામૂહિક પ્રયાસો કરવા જોઇએ. મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જન સહયોગ દ્વારા જે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપાડયું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે 2018ના વર્ષથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે કોરોના સંક્રમણના પડકાર છતાં પણ સમગ્રતયા ત્રણ વર્ષમાં 40628 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા આપણે વધારી શકયા છીયે.

મુખ્યમંત્રીએ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર, સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા 10 જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને શુદ્ધ કરી રિટ્રીટ કરીને તેનો ઊદ્યોગો, ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની નક્કર કામગીરી ગુજરાતે કરીને દેશને નવો રાહ બતાવ્યો છે.

વિજય રૂપાણીએ ભાવિ વિકાસની નવી ચરમસિમા પાર કરવામાં પાણીને જ વિકાસનો આધાર ગણાવ્યો હતો. તેમણે આફતને અવસરમાં પલટવાના ગુજરાતના સંસ્કારને ઊજાગર કરવાની પ્રેરણા આપતાં કોરોના વચ્ચે-કોરોના સામે જંગ લડીને કોરોનાને હરાવવા પણ ‘જાન હૈ – જહાન હૈ’ સાકાર કરવાનું આહવાન આપ્યું હતું.

વડોદરા જિલ્લા વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1000 જેટલા ભવનોને તબક્કાવાર આવરી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેકટ માત્ર નવ માસના ટૂંકાગાળામાં પૂર્ણ કર્યો છે. સમગ્રતયા રૂ. 6 કરોડના ખર્ચે સાકાર થયેલા આ પ્રોજેકટમાં CSR એકટીવીટી અન્વયે જાહેર સાહસો અને જિલ્લા પ્રશાસનના વિવિધ સરકારી અનુદાનો, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડ વગેરેનો નાણાંકીય સહયોગ પ્રાપ્ત થયો છે.

વડોદરા જિલ્લાએ દેશભરમાં પ્રથમ પહેલ કરીને જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં હાથ ધરેલા આ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટને પરિણામે વર્ષે અંદાજે 10 કરોડ લીટર વરસાદી પાણી વ્યર્થ વહી જતું અટકશે અને તેનો સંગ્રહ થતાં સમુચિત ઉપયોગ થશે. મુખ્યમંત્રીએ જળસંચય – જળસંરક્ષણની આ અભિનવ પહેલ માટે વડોદરા જિલ્લાને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે ત્યારે તેના એક એક ટીપાંનો કરકસરયુકત સદુપયોગ કરવાનો અને ભાવિ પેઢી માટે જળ સુરક્ષાનો આ પ્રયોગ સૌને માટે પ્રેરણારૂપ બનશે.

મુખ્યમંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગના આ ઇ લોન્ચીંગ સાથે ડભોઇ જૂથ પાણી પૂરવઠા યોજના ફેઇસ-1 અંતર્ગત રૂ. 124.51 કરોડ રૂપિયાની યોજનાથી 118 ગામો અને 30 નર્મદા વસાહતો માટે સરફેસ સોર્સ-નર્મદા કેનાલ આધારિત પાણી યોજનાનું લોકાર્પણ અને આ જ યોજનાના ફેઇસ-3 ના રૂ. 43.94 કરોડના કામોના ખાતમૂર્હત વીડિયો કોન્ફરન્સથી કર્યા હતા. તેમણે વર્ષા જલનિધિ બૂકનું વિમોચન પણ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર આ અવસરે ગાંધીનગરથી તેમજ રાજ્યમંત્રી યોગેશ પટેલ અને વડોદરા શહેર-જિલ્લાના વિધાયકો, સાંસદઓ, પદાધિકારીઓ વડોદરાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ઇ લોન્ચીંગમાં સહભાગી થયા હતા. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સમગ્ર પ્રોજેકટની વિગતો આપી સૌને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp