કારમી હાર બાદ આવ્યું કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું નિવેદન

PC: facebook.com/arjunmodhwadia.official/

ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસના મહાનગરના કાર્યકર્તાઓને નિરાશ કરનારા છે. અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. દરેક ઘનઘોર રાત્રી બાદ સવાર જરૂર થાય છે. મહાનગરોની જનતાનો વિશ્વાસ પુનઃપ્રસ્થાપિત કરવા માટે વધુ પરિશ્રમ કરીશું.

CM રૂપાણીએ કહ્યું- ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે

ગુજરાતની તમામ 6 મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવી દીધો છે. તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મોટી લીડ મેળવી લીધી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.

તેમણે લખ્યું કે, આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં

21 તારીખે મતદાન બાદ તેમણે કહ્યું હતું કે, દિશાહીન અને નેતૃત્વવિહીન કોંગ્રેસ આ વખતે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં હરીફાઈમાં હતી જ નહીં. ગઈકાલે રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં થયેલા ઓછા મતદાનની ટકાવારી સ્પષ્ટ દર્શાવે છે કે, કોંગ્રેસના મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા જ નહીં. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના અનેક જનહિત કાર્યો અને પારદર્શી સુશાસનના પરિણામે ભાજપા પ્રત્યે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે તે આવતીકાલે મતગણતરીના પરિણામોથી આપોઆપ પૂરવાર થઈ જશે.

CM રૂપાણીએ વધુમાં કહ્યુ હતું, મને વિશ્વાસ છે કે, આ પરિણામોમાં ભાજપા તમામ મહાનગરોમાં અભૂતપૂર્વ ભવ્ય વિજય મેળવીને જનસેવાનો અવસર પુન: પ્રાપ્ત કરશે જ. અમારી વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસના મંત્રને જનતા જનાર્દને વધાવ્યો છે તે આવતી કાલે જાહેર થનારા પરિણામોથી સ્પષ્ટપણે સાબિત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp