ગુજરાતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ પડખે ઉભી છેઃ શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 71 કરોડના બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતમાં થયેલા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી જે અભિનંદનને પાત્ર છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા કોરોનાની દૂરોગામી અસરોને ધ્યાનમાં રાખીને વીજળી, રોડ, ઉદ્યોગ નીતિ વગેરે ક્ષેત્રોમાં સુધારા કરી રૂ.20,000 કરોડનું પેકેજ દેશને આપ્યું હતું જેના પરિણામે આગામી ત્રણ મહિનામાં દેશ તેની પૂર્વ સ્થિતિ હાંસલ કરી રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્પષ્ટ પણે  જણાવ્યું કે ગુજરાતે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ રફતાર જાળવી રાખી છે. આજે રાજ્યમાં વીજ ખપત કોરોના પહેલાના સમય જેટલી થઈ ગઈ છે.

અમિત શાહે કહ્યું કે ગુજરાત સહિત દેશ આખો કોરોના સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કોરોનાની આ મહામારીની સ્થિતિની અસર દેશના અર્થતંત્ર પર ના પડે તે માટે આગવી દૂરદર્શિતા દાખવીને પોલિસી મેકીંગ કર માળખું ઇન્ડસ્ટ્રીયલ સેકટર સહિત અનેક ક્ષેત્રોમાં સુધારા રિફર્મ લાવી દેશને આગળ વધાર્યો છે. તેમણે ગરીબો માટે 20 લાખ કરોડનું પેકેજ પણ આપ્યું છે. ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બધાના પરિણામે આપણે એફડીઆઇ એફઆઇઆઇમાં અનેક ગણી સારી સ્થિતિમાં છીએ.

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ લાંબા ગાળાની અસરો ધ્યાને રાખી નીતિ વિષયક સુધારાઓ કર્યા છે તે પરિણામ કારી નીવડશે. સિંધુભવન ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સરખેજ- ચિલોડા- ગાંધીનગરના નવનિર્મિત છ માર્ગીય નવનિર્મિત રોડ અમદાવાદ અને ગાંધીનગરના સૌથી ઝડપથી વિકસતાં વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેવા ગાંધીનગર મતક્ષેત્રમાંથી 90% માર્ગ પસાર થાય છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાતને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ ગુજરાત સરકારની પડખે ઉભી છે તેમ જણાવી કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે તેની તેમણે પ્રશંસા કરી હતી.

આજે નિર્મિત અમદાવાદ -ગાંધીનગર -ચિલોડા છ માર્ગીય રોડ થી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોડાવાની સાથે રાજસ્થાન જેવા રાજ્ય પણ જોડાશે. આ છ માર્ગીય રોડ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારી ઓદ્યોગિક વિકાસ માટે પણ ઉપકારક સાબિત થશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ  અમિત શાહે સૌરાષ્ટ્ર -ગાંધીનગર તથા ગુજરાત- રાજસ્થાનને જોડતાં આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે આ ફ્લાય ઓવરની સાથે અન્ય ફ્લાયઓવર પણ બનશે જેનાથી રોકટોક વગરના 50 કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માળખાકીય વિકાસમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે તેમ જણાવી કહ્યું કે, મોટા રેલ્વે સ્ટેશન, સાગર કિનારાને દેશ સાથે જોડવા માટે ગુજરાતમાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વિકાસકાર્યોથી દેશમાં અગ્રેસર છે તે માટે રાજ્ય સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા.

ગુજરાતે આ વિકાસયાત્રામાં લીડ લીધી છે. આજે પ્રગટ થયેલા અખબારી અહેવાલો અનુસાર વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં 52 ટકાના રોકાણ સાથે સૌથી આગળ તે ગૌરવપ્રદ ઘટના છે તેમ તેમણે ઉમેર્યું હતું.  પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જણાવ્યું કે અમે રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાના મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ. નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે પણ સમારંભમાં સંબોધન કર્યું હતું. આ સમારંભમાં અમદાવાદના મેયર સુ બિજલબેન પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp