અમદાવાદમાં પ્રેમિકાને મોબાઈલ આપવા પ્રેમીએ એક યુવકની હત્યા કરી મોબાઈલ લૂંટી લીધો

PC: zeenews.com

રાજ્યમાં અનલોક બાદ ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતમાં હત્યા અને જીવલેણ હુમલા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમિકાએ તેના પ્રેમીની પાસે મોબાઈલની માંગણી કરી. પ્રેમિકાએ મોબાઈલ માંગતા પ્રેમીએ કોઈ પણ વિચાર કર્યા વગર તેના મિત્રોની સાથે મળી રસ્તા પર એક યુવકને પકડી યુવક પાસેથી મોબાઇલ છીનવી યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ યુવક પાસેથી છીનાવેલો મોબાઇલ પ્રેમીએ પ્રેમિકાને ગિફ્ટ કરી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે CCTV ફૂટેજના આધારે સગીરા અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા વિજય ફ્લેટમાં હરેશ દરજી તેના પરિવારની સાથે રહે છે. હરેશ દરજીનો પુત્ર ઉમંગ દરજી કોમ્પ્યુટર રીપેરીંગના કામ સાથે સંકડાયેલો છે. 10 જુલાઈ શુક્રવારના રોજ ઉમંગ તેના પિતાને થોડું કામ છે અને હમણાં ઘરે આવું તેવું કહી ઘરેથી નીકળી ગયો હતો. ઉમંગ ઘરેથી નીકળ્યા પછી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજ પાસે પોતાનું બાઈક સ્ટેન્ડ પર લગાવી તેના મોબાઇલમાંથી ગીત સાંભળી રહ્યો હતો. તે સમયે અચાનક ત્રણ યુવકો ઉમંગની પાસે આવ્યા અને ઉમંગ અને માર મારવા લાગ્યા ત્યારબાદ હુમલો કરનાર યુવકોએ ઉમંગ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ હુમલો કરનાર યુવકો ઉમંગનો મોબાઈલ લઈને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિક લોકોએ ઉમંગને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમંગનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર ઉમંગના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીક આવેલા CCTV કેમેરાના ફુટેજની તપાસ કરી તે સમયે પોલીસને સગીરા સહિત કેટલાક યુવકોની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. તેથી પોલીસે શંકાના આધારે ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજમાં દેખાઈ રહેલી સગીરા અને તેની સાથે રહેલા યુવકોને અટકાયત કરી હતી.

અટકાયત કરેલા લોકોની પોલીસની પૂછપરછ દરમિયાન યુવકોએ ઉમંગની હત્યા કરવાનું કારણ જણાવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે, સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે તેને પ્રેમી શ્યામની પાસેથી મોબાઇલની માગણી કરી હતી, એટલે પ્રેમીએ સામે ઉભેલા ઉમંગ પાસે મોબાઈલ જોયો હતો અને ત્યારબાદ ઉમંગને પાસે બોલાવ્યો હતો અને તેની પાસેથી ફોન માગ્યો હતો. ઉમંગે ફોન આપવાની ના પાડતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ શ્યામે અન્ય મિત્રો સાથે મળીને ઉમંગને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી હતી અને ત્યારબાદ ઉમંગનો ફોન લૂંટી લીધો હતો. શ્યામે ફોનની લૂંટ કર્યા પછી તે મોબાઈલ પ્રેમિકાને ગીફ્ટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp