જૈન ધર્મ અપનાવવા પરિણીતા પર સાસરીયાઓએ દબાણ કર્યું, પતિએ માગ્યા 10 લાખ થઈ ફરિયાદ

PC: loksatta.com

રાજ્યમાં સાસરીયાઓ દ્વારા પરિણીતા પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ સાસરીયાઓ સામે દહેજની માંગણી અને જૈન ધર્મનો સ્વીકાર કરવા માટેનું દબાણ કરવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં વિધિ નામની મહિલા રાજપથ કલબ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી અને આનંદનગર રોડ પર આવેલા ધનંજય ટાવર નજીક આવેલા કલાદીપ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. વિધિને નોકરી કરતા સમયે તેની સાથે કંપનીમાં કામ કરતા તાર્કિક શાહ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તેથી વિધિએ પરિવારના સભ્યોની મંજૂરીથી તાર્કિકની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી પણ સાસરીયાઓ દ્વારા વિધિને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી.

લગ્નના 15 દિવસ પછી જ તાર્કિક શાહ વિધિને મૂકીને જર્મની ચાલ્યો ગયો હતો. તાર્કિક શાહે વિધિને જર્મની લઇ જવાનો વાયદો કર્યો હતો પરંતુ તે વિધિને લેવા માટે આવ્યો ન હતો. જેથી વિધિ સાસુ-સસરા સાથે જ રહેતી હતી. લગ્ન બાદ વિધિને સાસરીયાઓ દ્વારા અવાર નવાર ઘરના કામ બાબતે પરેશાન કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત નણંદ દિશા દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. સાસરીયાઓ જૈન ધર્મ પાળતા હોવાના કારણે તેઓ વિધિને પણ જૈન ધર્મનો સ્વીકાર કરવા માટે દબાણ કરતા હતા.

કોરોનાની મહામારી વચ્ચે તાર્કિક જ્યારે જર્મનીથી પરત આવ્યો ત્યારે વિધિના સાસુ-સસરાએ દીકરાના કાન ભર્યા હતા અને વિધિ બાબતે ખરી-ખોટી કહી હતી. જર્મનીથી પરત આવ્યા પછી પણ તાર્કિક પણ બદલાઈ ગયો હતો અને તેને નવું મકાન ખરીદવું હોવાના કારણે વિધિને પિયરમાંથી પૈસા લઇ આવવા માટે દબાણ કર્યું હતું. તેથી વિધિએ પૈસા પિયરમાંથી લઇ આવવાની ના પાડતા તાર્કિક વિધિને કારમાં બેસાડીને તેના પિયરના ઘરના રસ્તા પર લઇ ગયો હતો અને ઘર પાસે ઉતારીને ચાલ્યો ગયો હતો. સાસરીયાઓ 10 લાખ રૂપિયાની માગણી કરતા હોવાના કારણે અને જૈન ધર્મ અપનાવવા માટે દબાણ કરતા હોવાથી વિધિએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને નણંદની સામે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp