દાહોદમાં ભજીયાને કારણે પત્નીએ દાતરડા-પથ્થરથી પતિની હત્યા કરી નાંખી

PC: twitter.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે પતિ-પત્નીના ઝઘડાના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દાહોદના તાલુકામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્નીએ બનાવેલા ભજીયામાં પતિએ વાંધો કાઢતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવતમાં રાત્રિના સમયે સુઈ રહેલા પતિ પર પત્નીએ દાતરડા વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ પથ્થર વડે પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેમને તાત્કાલિક પોલીસને આ બાબતે માહિતી આપી હતી, તેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી પત્નીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ અનુસાર દાહોદ તાલુકાના વડબારા ગામમાં આવેલા મિનામા ફળિયામાં ભાદુ મિનામા તેની પત્ની અને પરિવારના સભ્યોને સાથે રહેતા હતા. ગતરોજ ભાદુ મિનામાની પત્ની રમીલાએ જમવા માટે ભજીયા બનાવ્યા હતા. પત્નીએ ભજીયા બનાવ્યા હોવા છતાં પણ પતિએ ભજીયામાં વાંધો કાઢતા ભાદુ મિનામા અને રમીલા મિનામા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેમને બંને પતિ-પત્નીને સમજાવ્યા હતા અને ત્યારબાદ ઝઘડો શાંત થયો હતો પરંતુ પત્ની રમીલાએ પતિએ ભાજીયામાં કાઢેલા વાંધા બાબતે મનદુખ રાખી વહેલી સવારે 4 વાગ્યાના સમયે જ્યારે પતિ સૂતો હતો, તે સમયે પતિ પર દાતરડા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પતિને પત્નીએ કાનના ભાગે, માથાના ભાગે અને આંખની નીચેના ભાગે દાતરડાના ઘા ઝીંક્યા હતા અને ત્યારબાદ પથ્થર મારી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ભજીયાથી શરૂ થયેલા ઝઘડાનો અંત પતિની હત્યાથી આવતા પરિવારના સભ્યોમાં દુખનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ લોકોને થતા ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ગણતરીના સમયમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે મૃતક ભાદુ મિનામાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે રમીલા મિનામા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ સમગ્ર મામલે ભાદુ મિનામાના પિતા જોગડા મિનામાએ પુત્રવધુ રમીલા સામે પતિની હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp