વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ 2 મહિના ફરજ પર ન આવી છતાં પગાર શરૂ

PC: Youtube.com

વડોદરા પોલીસના ટ્રાફિક વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વિગતો બહાર આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ વિગતો બહાર આવી હોવાના કારણે પોલીસ દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલા હેડ કોન્સ્ટેબલ કે જે સતત બે મહિનાથી ટ્રાફિક પોઇન્ટ પર ગેરહાજર હતા છતાં પણ તેમનો પગાર ચૂકવવામાં આવ્યો હતો. આ માહિતી પોલીસ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ રજૂ થતાં સામે આવી છે અને હવે આ બાબતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જોકે ટ્રાફિક વિભાગે મહિલા પોલીસકર્મીને બે મહિના સુધી ગેરહાજર હોવા છતાં પગાર આપવા બાબતે સ્પષ્ટતા કરી હતી કે, મહિલા પોલીસકર્મી લાંબી માંદગીની રજા પર ઉતરી ગયા હતા. આ મામલો ટ્રાફિક શાખામાં મહિલા કોન્સ્ટેબલ સતત ગેરહાજર રહેતા હોવાની અરજી થતા બહાર આવ્યો હતો અને આ બાબતે મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન દ્વારા ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટ્રાફિક વિભાગના PI દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં પણ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે, કોન્સ્ટેબલ જયવિદ્યા પટેલ બે મહિના સુધી તેમને જે પોઇન્ટ પર ટ્રાફિકની કામગીરી સોંપાઈ હતી તે પોઇન્ટ પર તેઓ બે મહિના સુધી ફરજ બજાવતા ન હતા. 

પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ બાબતે ACPને પણ એક લેખિતમાં રિપોર્ટ આપવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે સવાલ એ થાય છે કે, મહિલા કોન્સ્ટેબલ જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા તે સતત બે મહિનાથી ગેરહાજર હતા છતાં પણ આ વાત કોઈ અધિકારીને ધ્યાન પર કેમ ન આવી. તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ટ્રાફિક વિભાગમાં જે તે કર્મચારીને મનગમતો પોઇન્ટ જોઈતો હોય અથવા તો રજા તેમજ બપોરની શિફ્ટ માટે પોલીસકર્મી પાસેથી મોટી રકમ પણ લેવામાં આવે છે અને આ જ કારણે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહત્ત્વની વાત છે કે, પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ ખાતાકીય તપાસ કરતા હોય છે. ACP વી.જી. પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, આ મામલે ખાતાકીય તપાસ અંતિમ તબક્કામાં છે અને હજુ તપાસ પૂર્ણ થઇ નથી એટલે આ બાબતે માહિતી આપી શકાય નહીં. 

તો બીજી તરફ ટ્રાફિક શાખા પૂર્વ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ જયવિદ્યા પટેલ બે મહિના ફરજ પર ગેરહાજર હોવા છતાં તેમની સામે કાર્યવાહી થઇ નથી અને પગાર પણ ચૂકવવામાં આવ્યો છે. આ બાબતેની અરજી મળી હતી. આ બાબતે આસપાસના સીસીટીવી અને ટ્રાફિક પોઇન્ટની તપાસ કરતાં તેમની હાજરી દેખાઈ ન હતી. તેથી આ બાબતેનો રિપોર્ટ ACPને લેખિતમાં કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મહિલા હેડ કોન્સ્ટેબલનો આક્ષેપ છે કે, દુશ્મન સમજીને મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજીમાં જે સમય દર્શાવવામાં આવ્યો છે તે સમયે મેં પાવતી ફાડી છે અને દંડ પણ વસુલ્યો છે. હાલ હું બીમાર છું અને મારી સારવાર ચાલી રહી છે. હેરાનગતિ બાબતે મેં પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp