કેજરીવાલે જ્યાં સભા કરી, તે પાર્ટી પ્લોટનું દબાણ હટાવવા પહોંચી પાલિકાની ટીમ

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોરદાર પ્રચાર શરૂ કરતા ભાજપના ગઢના પાયા હચમચી ગયા છે. 20 સપ્ટેમ્બરે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે સભા કરી હતી. તે પ્રિત પાર્ટી પ્લોટનું ગેરકાયદે દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા AAPના કાર્યકરો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. AAPના કાર્યકરો JCB સામે બેસી ગયા હતા.

બીજી તરફ પાર્ટી પ્લોટના માલિકે નોટિસ આપી ન હોવાનો પ્રશ્ન ઉઠાવતા પાલિકાએ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પ્રિત પાર્ટી પ્લોટમાં અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કારણે શહેર ભાજપમાં હડકંપ મચી ગયો હતો અને AAPના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ આપનાર નવનીતભાઇ પટેલના પ્રિત પાર્ટી પ્લોટની દીવાલ ગેરકાયદે હોવાના આક્ષેપ મૂકીને ભાજપ શાસિત પાલિકાની દબાણ શાખાની ટીમ સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દીવાલનું દબાણ દૂર કરવા માટે પ્રિત પાર્ટી પ્લોટ પહોંચી ગઇ હતી.

AAPના કાર્યકરોને આ બાબતની જાણ થતા મોટી સંખ્યામાં કાર્યકરો પાર્ટી પ્લોટ પર પહોંચી ગયા હતા અને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટે જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. સમયાંતરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ કરી રહ્યા છે. પરિણામે ગુજરાત ભાજપમાં ફફાડાટ મચી ગયો છે.હાલમાં જ તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અને વડોદરાના છાણી રોડ ઉપર આવેલા પ્રિત પાર્ટી પ્લોટમાં બુદ્ધજીવીઓ સાથે બેઠક કરી હતી અને ગુજરાતની ભાજપા સરકાર સામે આક્ષેપો કર્યાં હતા.

AAPના સ્થાનિક કાર્યકરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ માટે શહેરના 13 પાર્ટી પ્લોટ પર કાર્યક્રમની મંજૂરી મળી ન હતી. આખરે વડોદરામાં છાણી કેનાલ રોડ પર આવેલા પ્રિત પાર્ટી પ્લોટ તથા અન્ય મળીને બે જગ્યાઓ પર અરવિંદ કેજરીવાલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રિત પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ઉભી કરવામાં આવેલી દીવાલ તોડવા માટે પાલિકાનું તંત્ર બુલડોઝર લઇને પહોંચ્યું હતું.

સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. પાલિકાની ટીમ આવી પહોંચતા જ AAPના વિરેન રામી, સ્વેજલ વ્યાસ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો આવી પહોંચ્યા હતા. વિરેન રામી, સ્વેજલ વ્યાસ સહિતના કાર્યકરોએ આરોપ મુક્યો કે, કેજરીવાલના કાર્યક્રમ માટે સ્થળ આપવામાં આવતા કોર્પોરેશનની સત્તાધારી ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. AAP દ્વારા દીવાલ તોડવાની કામગીરીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.  પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ કાર્યવાહીના રાજકીય મોરચે સખત પ્રત્યાઘાત પડ્યા હતા.

તે સાથે વડોદરા શહેરમાં પણ પાલિકાની આ કામગિરી ચર્ચાનો વિષય બની હતી. પ્રિત પાર્ટી પ્લોટના માલિક નવનીત પટેલે જણાવ્યું હતું કે, કોઇ પણ જાતની નોટિસ આપ્યા વિના પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવામાં આવી છે. અમારા પાર્ટી પ્લોટમાં કોઇ ગેરકાયદે બાંધકામ નથી, પરંતુ AAPને કાર્યક્રમ માટે પ્લોટ આપતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાર્ટી પ્લોટના માલિકે નોટિસ બાબતે પ્રશ્ન ઉઠાવતા પાલિકા દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp