જસદણ ચૂંટણી જંગઃ મત માંગવા નહીં આવવાના આ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર

PC: mijaaj.com

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવોર અને કાર્યકરો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આટકોટના મતદારોએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મત માંગવા નહીં આવવાના પોસ્ટર લગાવ્યા છે.

કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા જસદણની બેઠક ખાલી પડી હતી. કુંવરજી કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો છે. ચૂંટણી પંચે થોડા દિવસો પહેલા જ જસદણ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક ઉપરથી તા. 20મી ડિસેમ્બરે મતદાન થશે.

ભાજપમાંથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી કોળી આગેવાન અવસર નાકિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ બન્ને ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસે આ બેઠક જાળવી રાખવા માટે સિનિયર નેતાઓ અને કાર્યકરો મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ ભાજપાએ પણ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા માટે 15 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કુંવરજી સામે મોરચો ખોલ્યો છે. તેમજ ગામે-ગામ લોકડાયરા યોજીને કુંવરજીને મત નહીં આપવા અપીલ કરી રહ્યાં છે. તેમજ કુંવરજીને તેમણે ભ્રષ્ટ રાજકીય નેતા ગણાવ્યા હતા.

દરમિયાન મતવિસ્તારમાં આવતા આટકોટની પ્રજાએ ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રાજકીય નેતાઓને મત માંગવા નહીં આવવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આટકોટના મતદારોમાં ફેલાયેલા રોષને દૂર કરવા માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp