ખંભાત નગરપાલિકાનું કૌભાંડ, 40 લાખમાં ખરીદેલી 2 સીટી બસ રસ્તા પર દોડી જ નથી

PC: youtube.com

ખંભાત નગરપાલિકા વિવાદમાં આવી છે. વર્ષ 2019માં 40 લાખ રૂપિયાના ખર્ચે 2 સીટી બસની ખરીદી કરવામાં આવી હતી. પણ બે વર્ષમાં એક પણ વખત આ બસ લોકો માટે ખંભાતના રસ્તા પર આવી નથી. મહત્ત્વની વાત છે કે, બસ છેલ્લા બે વર્ષથી ધૂળ ખાઈ રહી હોવા છતા પણ નગરપાલિકા દ્વારા બે ડ્રાઈવર અને 3 કંડકટરની પણ ભરતી કરવામાં આવી છે. આ ભરતીમાં પણ ગેરરિતી સામે આવી છે. આ ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી શહેરી વિકાસ કમિશનરની મંજૂરી વગર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બંને બસો છેલ્લા બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે પણ ડ્રાઈવર અને કંડક્ટરના પગાર શરૂ કરી દેવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા બસ સેવાને લઇને 5 કર્મચારીઓને 8 લાખ રૂપિયાનો પગાર ચુકવવામા આવ્યો છે. બસ બંધ હોવાથી કર્મચારીઓને કામ કર્યા વગર પગાર આપવામાં આવ્યો હોવાને લઇને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ખંભાત નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી RTIમાં આ ચોંકાવનારી માહિતીનો ખુલાસો થયો છે.

આ બાબતે ખંભાત નગરપાલિકાના પ્રમુખ હિરેન ગાંધીએ જણાવ્યું હતું કે, આ બંને સીટી બસ કોરોનાના કારણે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બસને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પણ પબ્લિકનો રિસ્પોન્સ ન મળ્યો એટલે બસ બંધ કરવામાં આવી છે. કર્મચારીઓને પગાર ચુકવવામાં આવે છે. અમારે બસના ડ્રાઈવર અને કંડક્ટરને નગરપાલિકાના કર્મચારી તરીકે પગાર આપવો પડેને. અમે એવું વિચારી રહ્યા છીએ કે, બસ સર્વિસમાં લોકોનો સહકાર ન મળે તો પછી અમે ખંભાતમાં આઉટ શોર્સિંગથી કોઈ પ્લાનિંગ કરીએ. જો તેવું નહીં થાય તો બસને પબ્લિકમાં ફેરવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અમે બે મહિના જેટલો સમય બસ ચલાવી પણ રોજનો જે ખર્ચ થતો હતો તેના 10% પણ અમને આવક નહતી. કારણ કે કોરોનાના કારણે અહીં લોકલ શાળા અને કોલેજ બંધ હતી એટલે અમને રિસ્પોન્સ ન મળ્યો. બસ અમે રાહતદરે જ ચલાવતા હતા.

આ બાબતે RTI કરનાર હનીફ શેખ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બસ ખરીદવામાં આવી તે સમયે કોરોનાનો સમય નહોતો. આ ઉપરાંત મિસમેનેજમેન્ટના કારણે પબ્લિકનો રિસ્પોન્સ મળ્યો નથી. જે રાહતદરે ટિકિટ આપવાની હોય છે જનતાને તે નહીં કરવાથી બસને રિસ્પોન્સ મળ્યો નથી. હવે કોલેજ અને શાળાઓ શરૂ થઇ ગઈ છે એટલે તમારું નક્કર આયોજન શું છે તે તમે જનતા સમક્ષ રજૂ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp