અમદાવાદમાં મેયર પદ માટે આ નામ છે ચર્ચામાં

PC: youtube.com

રાજ્યના છ મહાનગરમાં ભાજપની જીત બાદ હવે મેયર પદે કોણ આવશે એ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ માટે જુદી જુદી કોર્પોરેશનમાં અલગ અલગ નામ ચર્ચામાં છે. અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે એ અંગે ઘણા નામ ચર્ચાઈ રહ્યા છે. શહેરના પ્રથમ નાગરિક પદે આ વખતે SC અનામત હોવાથી ઠક્કરબાપા નગરના ચૂંટાયેલા કોર્પોરેટર કિરિટ પરમારની દાવેદારી વધુ મજબુત હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે હિમાંશુ વાળાનું નામ પણ ચર્ચામાં છે. ડે. મેયર પદે ઘાટલોડિયાના ચૂંટાયેલા ઉમેદવાર જતીન પટેલનું નામ સંભળાઈ રહ્યું છે. જ્યારે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પદે કોઈ સિનિયર કોર્પોરેટરને મૂકવામાં આવે એવી સંભાવનાઓ છે. આ વખતેની ચૂંટણીમાં 159 ઉમેદવારોએ જીત મેળવી છે. હવે બોર્ડ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિગ કમિટી ચેરમેન માટે અંદર ખાને લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. ભાજપ અને કોંગ્રેસને ચૂંટાયેલા કોર્પોરેટરોએ પોતાના કોર્પોરેટર તરીકેના પ્રમાણપત્રો કોર્પોરેશનની સેક્રેટરી ઓફિસમાં જમા કરાવવાના હોય છે. ભાજપ પક્ષના તમામ કોર્પોરેટરે એ જમા કરાવી દીધા છે. કોંગ્રેસના બાકી ઉમેદવારોના પ્રમાણપત્રો પણ થઈ જશે. અમદાવાદમાં કોંગ્રેસ ફરી એકવખત વિપક્ષની ભૂમિકામાં છે. વિપક્ષ નેતા તરીકે બહેરામપુરા વૉર્ડમાંથી કમળાબેન ચાવડાનું નામ ફાઈનલ થાય એવી શક્યતાઓ છે. જ્યારે સિનિયર કોર્પોરેટર તરીકે ઈકબાલ શેખ, રાજશ્રી કેસરી તથા શહેઝાદખાન પઠાણ છે. કોર્પોરેટર બોર્ડમાં સ્થાન લે એ પહેલા ઓફિસની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

કોંગ્રેસને ઘણા કોર્પોરેટરના પત્તા કપાયા છે. બીજી તરફ AIMIMના સાત કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે. હવે એમને અલગથી એક કચેરી આપવામાં આવશે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી લડી જીત મેળવનારા લાંભાના કાળુ ભરવાડની પણ અલગ ઓફિસ તૈયાર થશે.

જોકે, હજું સુધી કોઈ નામ ફિક્સ થયા નથી. જુદી જુદી ચર્ચા અનુસાર આ નામમાંથી કોઈ ફાઈનલ થાય એવુ અત્યારે લાગી રહ્યું છે. રાજકોટમાં મેયર પદ માટે ચાર નામ ચર્ચામાં છે. જેમાં હીરેન ખીમાણીયા, ડૉ. પ્રદીપ ડવ, બાબુ ઉધરેજા અને ડૉ. અલ્પેશ મોરઝરીયાનો સમાવેશ થાય છે. રાજકોટમાં મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે OBC અને બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત છે. રાજકોટમાં મેયર OBC અને ડે.મેયર પટેલ સમાજમાંથી હોય એવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp