વલસાડમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ ટેમ્પામાં ભરી પરીક્ષા આપવા લઈ જવાય છે

PC: youtube.com

મોટાભાગની શાળાના સંચાલકોને માત્ર પોતાની ફી સાથે જ લેવાદેવા હોય છે, તેમને વિદ્યાર્થીઓની કંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. આ વાત એટલા માટે કહેવી પડે છે કે, હાલ ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ છે. ત્યારે કેટલાક ગામડાના વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટરો દૂર શહેરની શાળાઓમાં આવે છે ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ભાડું લઇને શાળા પરથી પરીક્ષા સ્થળ સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. શાળા દ્વારા મોટાભાગે ખુલ્લા ટેમ્પાઓમાં ઘેટાં-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરીને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા એવા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે કે, વિદ્યાર્થીઓને કોઈ પણ ખુલ્લાં વાહનો, ટેમ્પાઓમાં મુસાફરી કરાવી શકાશે નહીં અને જો કોઈ શાળા દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

એક રીપોર્ટ અનુસાર, બારડોલી તાલુકાના મોતામાં આવેલી એકલવ્ય શાળામાં ભણતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવા માટે એક ખુલ્લા ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવે છે. શાળાના સંચાલકો ટેમ્પામાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ ભરીને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડે છે. ત્યારે આ ટેમ્પોમાં રહેલા વિદ્યાર્થીઓને કંઈ પણ થાય તો તેની જવાબદારી કોના સિરે આવશે.

થોડાં સમય પહેલા બારડોલીની આશ્રમ શાળાના સંચાલકો બાળકોને કીમના ગાંધી મેળામાં જતા હતા તે સમયે બાળકો ભરેલો ટેમ્પો પલટી માર્યો હતો પણ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ ન હતી. ત્યારે હવે એકલવ્ય શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બેદરકારીથી જ કોઈપણ સુરક્ષા વગર ખુલ્લા વાહનમાં પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે.

આ બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, હું અત્યારે મેટરનિટી લીવ પર છું, એટલા માટે મને આ વાતની ખબર નથી અને તેમને બીજા શિક્ષકોનો કોન્ટેક્ટ નંબર નહીં આપતા જણાવ્યું હતું કે, શાળામાં આજે રજા છે એટલે કોઈ પણ શિક્ષક સાથે કોન્ટેક્ટ થશે નહીં. હવે આ બાબતે જોવાનું એ રહે છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp