26th January selfie contest

‘હાર્દિક તારા અંગે લખાયેલી મારી સ્ટોરી ખોટી પડે તેવું મન કહેતું હતું’

PC: khabarchhe.com

દોસ્ત હાર્દિક 

થોડા સમય પહેલા મેં તારા અંગે એક સ્ટોરી લખી હતી, ત્યારે મારી પાસે જાણકારી આવી હતી કે તું શંકરસિંહ વાઘેલા સાથે હાથ મીલાવી નેશનલ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી રહ્યો છે. તારે કયા પક્ષમાં જવું તે સંપૂર્ણ તારો જ નિર્ણય હોય શકે તે અંગે મારે કઈ જ કહેવાનું હોય નહીં, પણ મને જે માહિતી મળી રહી હતી અને ગંધ આવી રહી હતી, તે પ્રમાણે તુ જાહેરમાં અમીત શાહ અને ભાજપ સામે લડે છે અને પાછલા બારણે તું તેમની સાથે હાથ મીલાવી રહ્યો છે, જેના કારણે મારી સ્ટોરી હતી કે હવે હાર્દિક ભાજપની બી ટીમ તરીકે કામ કરશે, કારણ ગુજરાતની તાસીર રહી છે જ્યારે ત્રીપાંખીયો જંગ થાય ત્યારે ફાયદો ભાજપને જ થાય છે.

મારી આ સ્ટોરી પ્રસિદ્ધ થઈ ત્યારે બાદ હાર્દિક તે મને એક પર્સનલ મેસેજ છોડ્યો હતો, તેમાં તે લખ્યું હતું સાહેબ તમે ખોટા પડશો. મેં તારા જવાબમાં ફરી એક સ્ટોરી લખી હતી જેમાં કહ્યું હાર્દિક પત્રકાર કાયમ પોતાની સ્ટોરી સાચી હોય છે, તેવુ માની લખતો હોય છે અને તેની સ્ટોરી સાચી પડે તેવી જ ઈચ્છા પણ હોય છે છતા તારા અંગે લખાયેલી સ્ટોરી ખોટી પડે તો સારું તેવું મન કહી રહ્યું હતું. તે કોંગ્રેસમાં જવાનો નિર્ણય કર્યો તે પણ તારો પોતાનો છે તે અંગે હું કઈ ટીકા ટીપ્પણી કરતો નથી, પણ જેવો તું કોંગ્રેસમાં જોડાયો તેની સાથે હવે તું સમાજ દ્રોહી થઈ ગયો છે, તેવું જ નિવેદન તારા પાટીદાર નેતા લાલજી પટેલે કર્યુ, પણ સાચું કહું તો મેં લાલજી પટેલને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની ચેમ્બર બહાર અનેક વખત જોયા છે તેઓ ત્યાં કેમ આવતા હતા તેની મને ખબર નથી, પણ માની લઈએ કે સમાજના હિતની જ વાત કરવા આવતા હશે.

પાટીદાર અનામતની માગણી સહિત તારી અનેક બાબતો સાથે હું ત્યારે પણ સંમત્ત નહોતો અને આજે પણ નથી, છતા કોઈ માણસ લડતો હોય તો મને તે ગમ્યો છે. લડનાર માણસના મુદ્દા સાચા છે કે ખોટા તે અંગે કાયમ વિવાદ રહેવાનો છે. પણ જે પણ લડે છે તે સરકાર સામે હોય તો જ લડી શકે છે. તેવું હું ચોક્કસ માનું છું, સોશિયલ મીડિયાના યુગમાં કોઈની પણ ટીકા અથવા ચારિત્રહનન કરવુ બહુ સહેલું છે. કોંગ્રેસમાં સામેલ થવાનો તારો નિર્ણય તારા, તારી લડાઈ અને તારા સમાજ માટે કેટલો ફાયદાકારક રહેશે. તેવું હમણાં નક્કી કરવું મુશ્કેલ છે. છતા જેમને કઈ ન્હાવા નીચવવાનું નથી તેવા લોકો સોશિયલ મીડિયા ઉપર તારા આ નિર્ણયની ખૂબ ચર્ચા કરી રહ્યા છે, સાચું પૂછો તો તારી ટીકા કરી તને કોંગ્રેસના એજન્ટ કહી રહ્યા છે. ખુદ ભાજપના નેતાઓ પણ તને કોંગ્રેસ રમકડુ કહી રહ્યા છે.

તારા અંગે હું ખુદ પણ સ્પષ્ટ નથી કારણ તે છેલ્લા ત્રણ વર્ષમાં તે ઘણી બધી બાબતો ખાનગી રાખવાનો પ્રયાસ કર્યો અને તારું મન તને અહિયાથી ત્યાં લઈ જઈ રહ્યુ છતાં માનુ છે કે તારો રાજકારણમાં જવાનો નિર્ણય સમયસરનો અને યોગ્ય છે, તેમાં બે બાબત છે. હમણાં તને તને જે ગાળો આપી રહ્યા છે અથવા સમાજદ્રોહી કહી રહ્યા છે તેમને પૂછવાનું મન થાય છે કે માની લો કે કોંગ્રેસમાં જવાને બદલે હાર્દિક ભાજપમાં જોડાઈ ગયો હોત તો તમે શું કહેત? ખરો વાંધો તો કંઇક જુદો છે, તે મને સમજાય છે. જેમની પાસે પણ ટોળા છે તેવા નેતાઓની તો દરેક પક્ષને જરૂર હોય છે. તે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હોત તો કદાચ અમીત શાહ તને કેસરી ખેસ પહેરાવવા માટે આવ્યા હોત. કોંગ્રેસને પણ તારી ઉપર કઈ ખાસ પ્રેમ નથી પણ કોંગ્રેસના કોઈ પણ નેતા કરતા વધુ ભીડ ભેગી કરવાની તાકાતને કારણે તને કોંગ્રેસમાં સામેલ કરવા કોંગ્રેસીઓ ઉતાવળીયા હતા. 

વ્યવસ્થાને ગાળ આપવી સહેલી છે. સામાન્ય રીતે મારા જેવા પત્રકારો જેવો નોકરીના ભાગ રૂપે અને બાકીના જેમની પાસે જીવનના કોઈ જ પ્રશ્ન નથી તેવા લોકો પોતાની નવરાશની પળોમાં PM નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ અને રાજનાથસિંહે આવુ કેમ ના કર્યુ તેની ચિંતા જાહેરમાં અને ફેસબુક ઉપર કરતા હોય છે. હું વ્યક્તિગત રીતે માનું છે કે વ્યવસ્થા ખાડે ગઈ છે તેવુ માનનારે વ્યવસ્થા કેવી રીતે બદલી શકાય તેનો નિર્ણય કરવા માટે વ્યવસ્થાનો ભાગ બનવું જોઈએ, કારણ માત્ર વ્યવસ્થાને ભાંડવાથી તે બદલાવવાની નથી, પણ મારા સહિત મોટા ભાગના લોકો વ્યવસ્થાનો હિસ્સો બનવાની હિંમત કરી શકતા નથી. જેઓ વ્યવસ્થામાં આવવા તૈયાર નથી તે બધા ડરપોક છે તેવુ પણ નથી, પણ પોતાની જવાબદારીઓ અને આર્થિક જવાબદારીઓ કદાચ તેમને રોકી રહી હોય તેવું પણ બને.

છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ આંદોલનને કારણે ગુજરાત અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી મળ્યા છે. બહુ પ્રમાણિક અને કડવો મત વ્યક્ત કરું તો અલ્પેશ પાસે મારી ખાસ અપેક્ષા નથી તેના મારા વ્યક્તિગત કારણો છે તેની ચર્ચા અહિયા કરતો નથી, જ્યારે જિગ્નેશ ઉપરની આશા મેં ગુમાવી નથી, પણ તે કોમનો નેતા થવાને બદલે વંચિત નેતા થાય તો જરૂર વધુ ગમશે. તું કોગ્રેસમાં જોડાયો, ત્યાં શુ થશે અને તું ક્યાં સુધી પહોંચીશ તેની મને ખબર નથી. ભુતકાળમાં તે અનેક ભૂલો કરી, તેનો તું જાહેરમાં એકરાર કરે તે પણ જરૂરી નથી કારણ તે તારી વ્યક્તિગત બાબત છે. આપણે ત્યાં તમામ રાવણો પત્ની તો સીતા સ્વરૂપ જ હોય તેવી અપેક્ષા રાખતા હોય છે. છતા તારે સાચવવું પડશે તારી ઉંમર તારી પાસે ખોટા નિર્ણયો કરાવે નહીં તેની કાળજી રાખજે, કોગ્રેસમાં જોડાઈ તે ઉત્તમ કામ કર્યુ છે તેવુ પણ નથી અને ભાજપવાળા નઠારા છે અને કોંગ્રેસવાળા દુધે ધોયેલા છે તેવુ પણ નથી.

બસ તુ રાજકારણમાં જોડાઈ વ્યવસ્થાનો હિસ્સો થયો તેનો જ આનંદ છે. હમણાં છે તેના કરતા ઉત્તમ માણસ અને દેશ અને દેશની પીડાને સમજી શકે તેવો રાજ નેતા થાય એટલી જ અપેક્ષા છે. બસ અહિયા જ વિરમુ છું.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp