અમદાવાદમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કહ્યુઃ પોલીસ દારૂ પીવા અને હપ્તા લેવા આવે છે

PC: dainikbhaskar.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ જ દારૂના અડ્ડાને બંધ કરાવવામાં નિષ્ફળ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, હવે જનતાને દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ફરજ પડી છે, જ્યારે જનતા દારૂના અડ્ડા પર રેડ કરે છે એ પછી પોલીસ આવીને દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને પકડીને લઇ જાય છે. હવે જનતા જ પોલીસનું કામ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં કેટલાક લોકોએ પોતાનાં ઘરની નજીક ચાલતા દેશી દારુના અડ્ડા પર રેડ કરીને દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું.

એક રિપોર્ટ અનુસાર, અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા મગનપુરા વિસ્તારમાં કેટલાક દેશી દારુના અડ્ડાઓ ધમધમતા હોવાના કારણે સ્થાનિક લોકોએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે. દારૂડીયાઓના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ એકઠાં થઇને દારુના અડ્ડા પર રેડ કરી હતી અને દેશી દારુના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ દારૂનો અડ્ડો દારુના દુષણને દૂર કરવાની વાત કરનારા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરની નજીક આવેલા મગનપુરામાં જ ધમધમતો હતો. સ્થાનિક લોકોએ દારુના અડ્ડા પર રેડ કરીને મોટી સંખ્યામાં દેશી દારુની પોટલીઓ લારીમાં ભરીને તેનું સરઘસ કાઢ્યું હતું. દારુના અડ્ડા પર જનતા રેડની માહિતી પોલીસને મળતા રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી કરી હતી.

સ્થાનિક મહિલાઓને આ બાબતે પોલીસ ફરિયાદ કરવા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસવાળા શું કરે, પોલીસ જ અહીં દારુ પીવા આવે છે અને હપ્તા લઇ જાય છે. એ બધા લોકોએ પોલીસવાળાના હપ્તા બાંધ્યા છે. મહિલાઓએ આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું હતું કે, દારુ પીવા આવતા લોકો અમારી બહેન-દીકરીઓ સામે અશ્લીલ હરકતો કરે છે અને અમે તેને આ બાબતે ઠપકો આપીએ ત્યારે એ લોકો એમ કહે છે કે, અહિયાં શું કરવા રહો છો. આ પરિસ્થિતિમાં અમારે અહિયાં રહેવું કેવી રીતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp