ભરુચમાં ઘરમાં નમાજ પઢવા માટે એકઠા થયેલા 13 લોકોની પોલીસે ધરપકડ કરી

PC: patrika.com

ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતા પોઝિટિવ કેસને લઇને આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે, ત્યારે તંત્ર દ્વારા અનાજ કરીયાણાની દુકાન પર લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે અને બીજી તરફ કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની સુચના આપવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો તંત્રના નિયમોનો ભંગ કરીને ઘરની બહાર નીકળી રહ્યા છે. ધાર્મિક જગ્યાઓ પર પણ લોકો એકઠા ન થાય તે માટે તમામ ધાર્મિક સ્થળોના કાર્યક્રમોને રદ્દ કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, છતાં પણ મુસ્લિમ લોકો એકઠા થઈને નમાજ પઢતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ભરૂચમાં પોલીસે એકઠા થઈને નમાજ પઢતા 13 જેટલા લોકોની અટકાયત કરી હતી.

રિપોર્ટ અનુસાર દેશમાં લોકડાઉન હોવાના કારણે ભરૂચ જિલ્લામાં પણ લોકડાઉન અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. 144ની કલમ હોવાથી ચાર લોકો એકઠા નથી થઈ શકતા, આ ઉપરાંત લોકો સભા કે, સરઘસ કાઢી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પોલીસને બાતમી મળી હતી કે જંબુસરના શનિયાનો વડ નવીનગરી ખાતે આવેલા સોકત રહીમ મલેકના મકાનમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો નમાજ પઢવા માટે એકઠા થઈ રહ્યા છે. આ માહિતીના આધારે જંબુસર પોલીસે તાત્કાલિક બાતમી વાળી જગ્યા પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન સોકત રહીમ મલેકના મકાનમાંથી 13 જેટલા લોકો નમાજ પઢતા મળી આવ્યા હતા. તેથી પોલીસે તમામની સામે જાહેરનામા ભંગનો અને મહામારી અધિનિયમની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા ભરુચમાં મસ્જિદમાં નમાજ પઢવા માટે એકઠા થયેલા આઠ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ આહવા પોલીસના ફરજ બજાવતા CPI અને PSI ફરજ દરમિયાન કેટલાક લોકોની સાથે નમાજ પઢવા જતાં પોલીસ દ્વારા બંનેને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે નમાજ પઢવા માટે ગયેલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp