ગૌરવની વાત છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું: રાષ્ટ્રપતિ

PC: PIB

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે (24 ફેબ્રુઆરી 2021) અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ રમતગમત સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ 1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. તેમણે નોંધ્યું હતું કે, આ સ્ટેડિયમ માત્ર દુનિયામાં સૌથી મોટું સ્ટેડિયમ જ નથી પરંતુ તે વિવિધ પ્રકારની રમતોને લગતી પ્રવૃત્તિઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પણ પૂરી પાડે છે. તેમણે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને વર્તમાન સ્વરૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તમામ અધિકારીઓ, એજન્સીઓ અને ભાગીદારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ સ્ટેડિયમની વિશેષતાઓની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ અભિપ્રાય આપ્યો હતો કે, ગ્રીન-બિલ્ડિંગ પ્રમાણીકરણના ગોલ્ડ રેટિંગ સાથે, પર્યાવરણને અનુકૂળ વિકાસનું પણ આ ઉત્તમ દૃષ્ટાંત છે. આ સ્ટેડિયમ નવા ભારતની મહત્વાકાંક્ષાઓ અને ક્ષમતાઓ દર્શાવે છે જેણે વૈશ્વિક મંચ પર એક પ્રબળ ઓળખ અંકિત કરી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ક્રિકેટમાં ભારતે તે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે જે એ માન્યતને સુદૃઢ કરે છે કે, માત્ર અન્ય રમતો જ નહીં પરંતુ વિકાસના ક્ષેત્રોમાં પણ આપણો દેશ આખી દુનિયામાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારતને 'ક્રિકેટનું પાવરહાઉસ' અથવા 'ક્રિકેટનું હબ' કહેવામાં આવે છે. આથી, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ આપણા દેશમાં જ તૈયાર થઇ ગયું છે તે ખરેખર એકદમ યોગ્ય છે. તેમણે આ સ્ટેડિયમનું નિર્માણ કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા જેનો પ્રારંભ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયો હતો અને ત્યારબાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચેરમેન તરીકે આરૂઢ અમિત શાહના કાર્યદક્ષ ફોલોઅપ સાથે કામગીરીને આગળ ધપાવવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ અવલોકન કર્યું હતું કે, આપણા સંખ્યાબંધ યુવા ક્રિકેટરો, કે જેઓ ભારતના અંતરિયાળ પૃષ્ઠભૂમિ ધરાવતા નાના ગામડાંઓ અને શહેરોમાંથી આવે છે, તેઓ પોતાના સખત પરિશ્રમની તાકાત દ્વારા નોંધનીય સ્પોર્ટિંગ ટેલેન્ટ તરીકે ઉદિત થઇ રહ્યાં છે. આપણા યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય રમતોમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાબતને સાકાર બનાવવા માટે, આપણે જે પ્રકારે ક્રિકેટ માટે વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ પૂરી પાડી તેવી જ રીતે તેને પણ આવી સુવિધાઓ પૂરી પાડવાની છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, નોંધનીય છે કે, ગુજરાત સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પરિસંકુલમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત સંકુલનું નિર્માણ કરવા માટેની પહેલ હાથ ધરી છે. તેમણે નોંધ્યું હતું કે, આ રમતગમત સંકુલ મલ્ટી-સ્પોર્ટ્સ સ્થળ તરીકે કામ કરશે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ સુવિધાઓ પૂરી પાડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ રમતગમત સંકુલ અમદાવાદ શહેરને રમતગમત માળખકીય સુવિધાઓના સંદર્ભમાં એક નવી ઓળખ આપશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જ્યારે રમતગમતની સુવિધાઓનો વિકાસ મહત્ત્વપૂર્ણ હોય ત્યારે, એ પણ જરૂરી છે કે, મોટી સંખ્યામાં પ્રતિભાશાળી ખેલાડીઓ આ સુવિધાઓનો લાભ ઉઠાવે. આપણા રમતગમતના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ અને સુવિધાઓની પહોંચ આ બંને આવશ્યક છે. સંખ્યાબંધ આશાસ્પદ ખેલાડીઓ છેવાડાના વિસ્તારોમાં રહેતા હોય છે અને તેમને આર્થિક સમસ્યાઓ અથવા અન્ય અવરોધોના કારણે પોતાનું કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થતી નથી. આવા યુવા ખેલાડીઓને સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વધુ વ્યાપક સ્તરે આવા પ્રયાસો આગળ ધપાવવાથી આપણા દેશમાં છુપાયેલા રમતગમતના કૌશલ્યને પોષવાની તક પ્રાપ્ત થશે. આવા પ્રયાસો માત્ર પ્રતિભાશાળી ખેલાડીઓને પોષવા માટે જ નહીં પરંતુ એકંદરે આપના યુવાનોના વિકાસ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. દેશમાં વિકાસના સૂચકાંક ઉપરાંત, તેના કારણે ટીમ ભાવના કેળવાય છે, તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ બને છે અને રાષ્ટ્રીય લક્ષ્યો તેમજ વ્યક્તિગત લક્ષ્યોની ઓળખ પણ થાય છે. યુવા પેઢીના ચારિત્ર્ય નિર્માણ માટે પણ આ ખૂબ જ સુંદર છે અને તેનાથી સામાજિક તેમજ રાષ્ટ્રીય વિકાસને પ્રોત્સાહન મળે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાન રમતગમતને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રમતગમતની એક નવી સંસ્કૃતિનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 'ખેલો ઇન્ડિયા' અને 'ફિટ ઇન્ડિયા' જેવા અભિયાનો લોકોમાં સારી તંદુરસ્તી અને રમતોને પ્રોત્સાહન આપવાની દિશામાં વલણો તૈયાર કરી રહ્યાં છે. 'ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ' જેવા કાર્યક્રમોની મદદથી રમતગમતની દુનિયામાં ભારતની પ્રભાવશાળી હાજરી નોંધાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારત અને ઇંગ્લેન્ડની ટીમને નવા ઉદ્ઘાટન થયેલા આ સ્ટેડિયમમાં આજે રમાનારી ક્રિકેટ મેચ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp