ગુજરાતના અમદાવાદ સહિત 8 મહાનગરોના રસ્તા કૌભાંડ કેવા છે?

PC: lovattward5.ca

ફરી એક વખત બદનામ ચોમાસું આવી રહ્યું છે. જ્યારે જ્યારે ચોમાસુ આવે છે, ત્યારે-ત્યારે કાદવમાં કમળ ખીલે તેમ વિરોધ પક્ષ ખીલી ઊઠે છે. કારણ કે ચોમાસામાં જ નળ, ગટર, રસ્તા કૌભાંડ છાપરે ચઢીને પોકારે છે. અમદાવાદ સહિત 8 મહિનગરોમાં રોડ બનાવવાના કૌભાંડથી ભારતીય જનતા પક્ષની છબી કૌભાંડ કરતાં પક્ષ તરીકેની ઊભી થતાં તમામ 8 મહિનગરોના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ જાહેરમાં એવા નિવેદનો આપે કે માર્ગ બાંધકામ અને માર્ગોની જાળવણી અંગે તેઓ પૂરતું ધ્યાન આપશે. નવા નિયુક્ત કરેલાં તમામ મેયર દ્વારા આવા એક સમાન નિવેદનો કરાયા છે. ગયા વર્ષે ચોમાસા બાદ વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને માર્ગ કૌભાંડ નડી ગયું હતું અને ભાજપે જાહેર કરવું પડ્યું હતું કે 15 દિવસમાં માર્ગના ખાડા પૂરી દેવાશે. જે કારણ આજ સુધી મેયરો દ્વારા ન કરતાં ભાજપની ઈમેજને ભારે ધક્કો પહોંચ્યો છે. ભાજપ માર્ગ કૌભાંડથી કેમ આટલું બધું હચમચી ગયું છે કે તેમના નવા ચૂંટાયેલાં મેયરોને એક સરખી સૂચના આપવી પડી છે. કારણ કે આ કૌભાંડો લોકસભાની એક બે બેઠક ઓછી કરાવી શકે તે ભાજપને કોઈ રીતે પરવડે તેમ નથી.

10 વર્ષમાં રૂ.6000 કરોડ રોડ પાછળ ખર્ચાયા, તો કૌભાંડ કેટલું?

છેલ્લાં 10 વર્ષમાં 8 મહાનગરોમાં રૂ.6000 કરોડના માર્ગનું કામ થયું છે. માત્ર અમદાવાદમાં જ રોડ બનાવવા માટે ડામર ખરીદ કરવામાં આવે છે, એવા 10,000 બિલ કે વાઉચર છેલ્લાં 10 વર્ષમાં આઈ.ઓ.સી.માં રજૂ કરાયા છે. તે હિસાબે 8 મહાનગરોમાં આવા 30,000 બિલ-વાઉચર રજૂ થયા હોવાનો અંદાજ છે. અમદાવાદ ભાજપના પૂર્વ માર્ગ સમિતિના અધ્યક્ષે આ કૌભાંડ બહાર પાડીને ભાજપને ખૂલ્લો પાડી દીધો છે. જેમાં અધિકારીઓ અને રાજકીય નેતાઓ ખૂલ્લા પડી ગયા છે. 8 મહાનગરના મેયરો ભાજપના છે એક પણ શહેરમાં કોંગ્રેસના મેયર નથી. તેથી ભાજપ આ કૌભાંડો જે રીતે બહાર આવી રહ્યાં છે તેનાથી ડરી ગયો છે. વળી, ચોમાસુ શરૂ થવામાં છે અને ફરી એક વખત રસ્તા તૂટી જતાં કૌભાંડો બહાર આવશે. વિરોધ પક્ષ એવું માને છે કે, 8 મહાનગરોમાં રૂ.6 હજાર કરોડના રોડના કામમાં 14 ટકા કટકી તો લેવાતી જ હતી. હવે તેમાં બીજી બાબતો ભળી જતાં 50 ટકા નાણાં એટલે કે રૂ.3000 કરોડના કૌભાંડ થયા હોવાની શક્યતા છે. જે અમદાવાદના 10 હજાર બિલો આઈ.ઓ.સી.માં આપવામાં આવ્યા છે તેના પરથી અંદાજ પણ આવી શકે છે.

ડામર વગર જ પૈસા આપી દેવાનું કૌભાંડ

અમદાવાદ મહાનગરમાં છેલ્લાં એક વર્ષથી રસ્તા બનાવવાના કૌભાંડ સૌથી વધું ગાજ્યા છે. ભાજપ સંચાલિત અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બન્યો છે કે રૂ.450 કરોડના રસ્તા બનાવવા માટે કામ આપવામાં આવ્યા છે તેની ચકાસણી કરવા માટે કાળજી રાખવાનું કહેવામાં આવ્યું હોવા છતાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. તેથી ભાજપની ઈમેજ ખરાબ થઈ છે. વિપક્ષ કહે છે કે જો ઈવીએમ ન હોત તો શહેરોમાં ભાજપને આટલી બેઠકો મળી ન હોત અને સરકાર પણ રસ્તા કૌભાંડમાં ભાજપની બની ન હોત. ભાજપના જ અમદાવાદના એક નેતાએ રસ્તા બનાવવાનું અબજો રૂપિયાનું કૌભાંડ બહાર પાડીને ભાજપને ખૂલ્લો પાડી દીધો છે એવું અમદાવાદના વિરોધ પક્ષ દ્વારા જાહેરમાં કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દર વર્ષે રૂ.200 કરોડ રસ્તા બનાવવા પાછળ વપરાય છે. જેમાં મોટા ભાગે ભાજપના મળતીયા કોંટ્રાક્ટર હોય છે. કેટલાંક ભ્રષ્ટ ઈજનેરોને સાધીને રાજકીય લાભ મેળવવામાં આવે છે. જેના કારણે ભાજપની આબરૂ ખરડાઈ છે. કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ કરાવવામાં આવી રહ્યો છે.

રસ્તાના સમારકામ માટે અને નવા બનાવવા માટે ડામર અને બીજા મટીરિયલ વજન ચિઠ્ઠી નગર જ લાખો રૂપિયાના બિલ મંજૂર કરી દેવામાં આવી રહ્યાં છે. હમણાં જ 90 રોડ એવા શોધી કાઢવામાં આવ્યા હતા કે તેમાં ઓછું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. જેમાં ભાજપે દેખાવ ખાતર ત્રણ કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ માટે કાળી યાદીમાં મૂકી દીધા હતા. 26 ઈજનેરોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. પણ બાકીના 45 કોડ પૈકી 40 રસ્તા બનાવવામાં હલકી કક્ષાનો રોડ અને બીજો સામાન વાપરવામાં આવ્યો હતો તે પ્રયોગશાળાની ચકાસણીમાં પૂરવાર થયું છે. તેમ છતાં ભ્રષ્ટાચાર છાવરવા માટે ભાજપ તેમની સામે પગલાં લેવા તૈયાર નથી. કારણ કે આવા કોન્ટ્રાક્ટરો તો ભાજપના કાર્યકરોના જ મોટા ભાગે છે. ઈજનેર વિભાગમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે માલ સામાન વપરાય છે તે વજન ચિઠ્ઠી વગર ચૂકવી દેવાય છે. બિલમાં આપવામાં આવેલી વિગતો કે વજન પણ ચકાસવામાં આવતા નથી. જેના માટે ઝોનના એડિશનલ સિટી ઈજનેર જવાબદાર છે, જે મટીરિયલ ટેસ્ટ કરાવવાની શરતે વાપરવાની મંજૂરી આપે છે અને પછી ટેસ્ટ રિપોર્ટ મુજબ નાણાં ચૂકવાતા નથી. રસ્તા રિસરફેસ કરાવવા માટે એક સરખા કામ હોવા છતાં બધા કામના ભાવ અલગ હોય છે. ઊંચા ભાવે ટેન્ટર આપી દેવામાં આવે છે. દરેક કામની મેજરમેન્ટ ચોપડીને કમ્પ્યુટરાઈઝ્ડ કરીને ફાઈનાસ્લિયલ એકાઉન્ટ સિસ્ટમ સાથે ઈરાદાપૂર્વક લિંકઅપ કરાતી નથી. જેના કારણે કોન્ટ્રાક્ટરોને વાસ્તવિક રીતે ચૂકવાયેલાં નાણાંના હિસાબમાં ભારે ગોટાળા થાય છે. 

ઓન લાઈન હિસાબ થાય તો ભ્રષ્ટાચાર નાબૂદ થાય

8 મહાનગરોમાં સૌથી વધું ભ્રષ્ટાચાર મકાનોના પ્લાન મંજૂર કરવામાં અને ત્યાર બાદ થયેલાં ગેરકાયદે બાંધકામમાં થાય છે. ત્યાર પછી રસ્તા બનાવવામાં સૌથી વધું ભ્રષ્ટાચાર થાય છે. તેથી તેમાં જે કોઈ વાઉચર કે બિલ મંજૂર થાય અને તેના નાણાં આપવામાં આવે તો તેની તમામ વિગતો ઓન લાઈન કરી દેવામાં આવે અને કોઈ પણ નાગરિક તે જોઈ શકે તેવું કરવામાં આવે તો ભ્રષ્ટાચાર 90 ટકા ઘટાડી શકાય તેમ ભાજપના નેતાઓ જાણતાં હોવા છતાં તેનો અમલ કરતાં નથી. કારણ કે તેમ કરે તો તેમનો ભ્રષ્ટાચાર સદંતર બંધ થઈ જાય તેમ છે. વળી, વોર્ડમાં હયાત માર્ગ અને છેલ્લે તે ક્યારે બનેલો કે રિસરફેસ કરેલો તે દરેક રસ્તાની વિગતો ઓન લાઈન કરી દેવી જોઈએ. જેથી ખ્યાલ આવે કે તે કોને કામ આપવામાં આવ્યું અને કેટલા રૂપિયામાં આપવામાં આવ્યું હતું. તે માટે કયા ઈજનેર જવાબદાર છે તેની વિગતો ઓનલાઈન કરી દેવામાં આવે તો પ્રજાના નાણાં બચાવી શકાય તેમ છે. રોડની ડિફેક્ટ લાસબેલિટી સમય ક્યારે પૂરો થાય છે, કયા ઠેકેદાર પાસે કેટલી કિંમતમાં તે તૈયાર થયો હતો વગેરે મૂકવું જોઈએ. રાજ્યના તમામ રોડના નંબર આપી દેવા જોઈએ જેથી તે રોડના કામ તે નંબરના રોડના આધારે જ આપવામાં આવે અને તે રોડ માટે કયા ઈજનેર જવાબદાર છે તથા તે રસ્તો કયા ઠેકેદારે બનાવેલો છે તેનું એક બોર્ડ તે રસ્તા પર જ મૂકવું જોઈએ. તો ભ્રષ્ટાચાર થઈ શકશે નહીં. પણ રાજકીય પક્ષોના નેતાઓને ભ્રષ્ટાચાર કરવો હોય છે તેથી તેઓ આવું કરતાં નથી. 

IOCમાં નકલી બિલ રજૂ કરી કૌભાંડ થાય છે

25 ઓગસ્ટ 2017ના રોજ અમદાવાદમાં પ્રથમ વખત એવું શોધી કાઢવામાં આવ્યું હતું કે રસ્તા તૂટી જવાનું મુખ્ય કારણ ઠેકેદાર દ્વારા મોટા પ્રમાણમાં ડામરની ચોરી થાય છે તે છે. જ્યાં 100 ટન ડામર વાપરવો પડે તેમ હોય ત્યાં 60થી 75 ટન ડામર વાપરે છે. બાકીનો ડામર ન વાપરીને મટીરીયલની ચોરી કરે છે. પરંતુ તેના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન IOCના બિલ તો રજૂ કરવામાં આવે છે. જેમાં નિયમ એવો છે કે IOCનું બિલ રજૂ કરેલું હોય તો જ ઠેકેદારને નાણાં મળી શકે. ઠેકેદાર આવા બિલ રજૂ તો કરે છે. પણ તેમાં જેટલો ડામર ન વાપરેલો હોય એટલા બોગસ બિલ કે નકલી બિલ આપીને પૈસા મંજૂર કરાવી લે છે. આમ થતાં અમદાવાદમાં 10 વર્ષમાં બનેલાં રૂ.2000 કરોડના નાણાં માંથી રૂ.500થી 800 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. 2017માં આવા 1200 બિલો IOCમાં આપવામાં આવ્યા હતા જે હજુ ચકાસવાના જ બાકી છે. પ્રજા દ્વારા વેરો અને ફી મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવામાં આવે છે તે વેડફાઈ જાય છે અને ખરાબ, ખાડા-ખબડા વાળા રોડ પર વાહનો દોડાવવા પડે છે. પ્રજાને વ્યક્તિગત રીતે જે નુકસાન થાય છે, હવામાં તરતા સૂક્ષ્મ રજકણો વધે છે તેના કારણે મહાનગરોની 2 કરોડની જનતામાંથી 40 લાખ લોકો પ્રદુષણને કારણે બિમાર પડે છે. જેમાં હજારો લોકો મોતને ભેટતાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ છે. વાહનોને જાળવવા માટે બેહિસાબ નાણાં ખર્ચવા પડે છે. બિલ કૌભાંડ આ માટે જવાબદાર છે. જે નંબરનું બિલ રજૂ થયું હોય તે જ નંબરનું તેના જેવું જ નકલી બિલ ઠેકેદાર બનાવી લે છે અને તે રજૂ કરીને નાણાં મેળવી લે છે. IOC જેવો કાગળ વાપરે છે એવો જ કાગળ નકલી બિલ બનાવવામાં થઈ રહ્યો છે. ગયા 2016-17માં આવા 1200 બિલમાંથી 44 બિલ જ તપાસાયા છે.

ભાજપના જતીન પટેલની હિંમત

માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ ચેરમેન જતીન પટેલે આવા કેટલાંક બિલો પકડીને તેની ચકાસણી કરવા કમિશનર મુકેશકુમારને સોંપ્યા હતા. ભાજપના અધ્યક્ષે જે હિંમત બતાવી તેનાથી કૌભાંડ બહાર આવ્યું છે. જે ભાજપને ભારે પડી રહ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરીને ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી તેમ છે. આવું તમામ શહેરો ભાવનગર, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ગાંધીનનગ, જૂનાગઢ અને અમદાવાદમાં થઈ રહ્યું છે, આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવે કે ક્રાઈમ બ્રાન્ચને તેની તપાસ સોંપવામાં આવે તો ઘણાં મોટો કૌભાંડ બહાર લાવી શકાય તેમ છે. કદાચ રાજ્યનું સૌથી મોટું રસ્તા કૌભાંડ બહાર પાડી શકાય તેમ છે. જો તેમાં 400 જેટલાં નાના શહેરોને આવરી લેવામાં આવે તો શહેરના માર્ગોનું અતિ ભયાનક કૌભાંડ જાહેર થઈ શકે તેમ છે. પણ ભાજપની વિજય રૂપાણીની સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે માત્ર વાતો કરે છે. તેઓ ખરેખર ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતા હોય તો તેમણે છેલ્લાં 10 વર્ષમાં બનેલાં માર્ગોના બિલોની ચકાસણી માટે ખાસ ઓડિટ ટીમ બનાવીને ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ ઠેકેદારો અને ભ્રષ્ટ રાજનેતાઓને ખૂલ્લા પાડવા જોઈએ. આવું તેઓ નહીં કહે કારણ કે તેમ કરવા જતાં ભાજપના નેતાઓની જાંઘ ખૂલ્લી થઈ જાય તેમ છે. દરેક જિલ્લા મથકે લોક પાલ નિયુક્ત કરવાનો કાયદો ભાજપ સરકાર લાવી છે પણ ભ્રષ્ટાચાર દૂર કરી શકે એવી આ વ્યવસ્થાનો અમલ થતો નથી. 2001થી 2010 સુધીના 10 વર્ષમાં ભાજપ સરકારમાં એક લાખ કરોડ રૂપિયાના હિસાબી કૌભાંડ CAG દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. પણ તેમાં એક પણ કિસ્સામાં આજ સુધી તપાસ શુધ્ધા થઈ નથી. જે ભાજપની રૂપાણી સરકારની ખોરી દાનત દેખાઈ આવે છે. તેઓ ભ્રષ્ટાચાર દૂર કરવા માંગતા નથી એવું આ બધી બાબતો પરથી ફલિત થાય છે. 

નકલી બિલના રૂ.10,000

ડામર કૌભાંડ થયું છે તેમાં IOCનું નકલી બિલ બનાવવું હોય તો વચેટીયાઓને રૂ.8000 થી રૂ.10,000 સુધીની રકમ એક બિલ પર ચૂકવવી પડે છે. જેમાં ઈજનેરનો ભાવ પણ આવી જાય છે. ઈજનેરખાતુ આ બધું જાણે છે. તમામ રસ્તામાં આવા એકસરખા બિલ રજૂ થયા છે તે જ બતાવે છે કે, ચોક્કસ ગેંગ વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહી છે. IOCના ધ્યાને આ બોગસ બિલ કૌભાંડ ધ્યાનમાં આવ્યું કેમ નહીં એવો એક પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે. ઠેકેદારો, અધિકારીઓ, રાજકારણીઓ આ કૌભાંડમાં કંઈ જ કરવા માંગતા નથી. ઠેકેદારોની ખરીદ શક્તિ ઘણી ઊંચી છે. અમદાવાદના શાસકોએ વિજીલંસ અહેવાલ તૈયાર કર્યો છે. પણ તેનો ઝડપી અને પૂરો તપાસ અહેવાલ તો જાહેર કરાયો નથી. તે પણ ગુજરાતની વડી અદાલત દ્વારા શહેરી બાવાઓને આદેશ આપવામાં આવ્યો ત્યારે તેઓ તપાસ કરવા તૈયાર થયા હતા. આટલા નઠોર સત્તાધીશઓ અને અધિકારીઓ બની ગયા છે. અગાઉ ક્યારેય ન હતો એટલો વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભાજપનું મોવડી મંગળ ચૂપ બેસી રહ્યું છે. માત્ર મેયરોને સૂચના આપે છે કે રસ્તા પર ધ્યાન આપવાની જાહેરાત કરો. 29 ઓગસ્ટ 2017 પહેલાં ત્રણ વર્ષમાં રૂ.600થી 700 કરોડના રોડ બન્યા હતા જેમાં 150થી 200 કરોડનું કૌભાંડ થયું હતું. જેમાં કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી નથી એવું માનવાને કોઈ કારણ નથી. કાળા કરતૂત કરવનારા ત્રણ ઠેકેદારોને જ્યારે કાળી યાદીમાં મૂકવામાં આવ્યા ત્યારે તેઓએ જ્યાં રસ્તા તૂટી ગયા હતા ત્યાં રિસરફેશ કરવાનું શરૂ પણ કરી દીધું હતું. આમ ચમત્કાર વગર નમસ્કાર થતો નથી.

રાજ્યમાં 8 મહાનગરમાં 6 હજાર કિ.મી. માર્ગો

ગુજરાતના 8 મહાનગરોમાં 6 હજારથી વધારે કિ.મી.ના રસ્તા છે. અમદાવાદમાં 2200 કિ.મી.ના માર્ગો છે. જેમાં ગયા ચોમાસામાં મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા હતા. જેટલી લંબાઈના માર્ગો હોય તેમાં એક કિ.મી. દીઠ રૂ.10 લાખનું ખર્ચ થાય છે. જેમાં રિસરફેસ અને સમારકામ આવી જાય છે. કોઈ પણ પ્રજા માટે આ મોટો ખર્ચ છે. એક કિલોમીટર દીઠ આટલું મોટું ખર્ચ થતું હોય અને તેના માટે સત્તાધીશો બેકાળજી બતાવે તે ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો ગણવો જોઈએ. વરસાદ પડે એને રોડ ધોવાય જાય છે. ખાડા પડી જાય છે. વાહનોની ગતિ ઘટી જાય છે. કાદવ અને કીચડ થઈ જાય છે. વાહનોની જાળવણીનું ખર્ચ એકદમ વધી જાય છે. તેથી મતદાર વધારે ભોગ બની શકે છે. ચૂંટણી આવે છે ત્યારે રંગીન સપના બતાવાય છે. પછી બધું ભૂલીને ભ્રષ્ટાચાર કરવામાં લાગી જાય છે. 2017ના ચોમાસામાં ગાંધીનગર સિવાય રાજ્યની તમામ મહાનગરોમાં રસ્તા ધોવાય ગયા હતા. ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ હતી. શહેરોની 2 કરોડની પ્રજા પરેશાન બની ગઈ હતી.

આ વર્ષે શું થશે

દર વર્ષની જેમ ગયા વર્ષે જે કંઈ થયું તેમાં શહેરી સંચાલકોની પ્રતિષ્ઠાનું ધોવાણ થયું હતું. ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજી થઈ હતી. તેને કારણે રોડ ડિઝાઈન સેલની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. 2018-19ના નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ થયું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કમાકરે જાહેર કર્યું હતું કે. રસ્તા રિસરફેસ કરવામાં જે ખામી હશે તે દૂર કરવામાં આવશે. ઈજનેરો જેમાં હોય તેવી એક રસ્તા ડિઝાઈન સેલ બનાવવામાં આવેશે. પણ આજે આવું વાસ્તવમાં ક્યાંય જોવા મળતું નથી. અને સામે ચોમાસું આવી ગયું છે. રસ્તાઓનું વર્ષોથી કૌભાંડ ચાલતું આવ્યું છે. આ વર્ષે 200 કિ.મી. સાવ નવ રોડ બનાવવાનું અને સિમેન્ટના રોડ બનાવવાનું આયોજન જાહેર કર્યું છે. જેમાં થોડું કામ થયું છે. પણ ખરેખર સમગ્ર શહેરમાં 60 ફૂટ પહોળા રોડ પર સિમેન્ટ કોંક્રીટના રોડ જ બનાવવાની નીતિ રાજ્ય સરકારે બનાવવાની જરૂર છે. જે બનતી નથી અને પ્રજાના નાણાં ભ્રષ્ટાચારમાં ડૂબી રહ્યાં છે. સિમેન્ટના રોજ 60 વર્ષનું આયુષ્ય ધરાવે છે. તે 50 વર્ષ સુધી તૂટતા નથી. તેથી મેઈન્ટેન કરવા પડતાં નથી. પોરબંદર શહેર આ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાં સિમેન્ટના રોડ બન્યા બાદ 70 વર્ષે તે તુટ્યા હતા. જ્યાં નવા રોડ બનાવવાના હોય ત્યાં માત્ર સિમેન્ટ કોંક્રીટના જ રોડ બનાવવાની નીતિ જાહેર થઈ હોય તો પ્રજાના ઓછામાં ઓછા એક લાખ કરોડ 10 વર્ષમાં બચાવી શકાય તેમ છે.

રોડ પેઈન્ટીંગનું નવું કૌભાંડ 

રોડ પેઇન્ટિંગ નામનો નવો અખતરો શરૂ થયો છે. જેમાં ભ્રષ્ટાચાર વધારે સારી રીતે થઈ શકે છે. આમદાવાદમાં શરૂ થયેલો આ પ્રયોગ આવતાં વર્ષે તો ગુજરાતના તમામ શહેરોમાં ફેલાઈ જશે કારણ કે તેમાં ભ્રષ્ટાચાર કરવા અને ભ્રષ્ટાચારને ઢાંકવાની બેવડી ક્ષમતા છે. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્જીંનીયરીંગના અધિકારીઓએ શોધેલો શબ્દ છે. આનો અર્થ એવો થાય છે કે, કોઇપણ રોડ ઉપર નિયત સ્પેસીફિકેશનનું બિટયુમીન એટલે કે, ડામરને પાથરી દેવાય છે પછી તેની ઉપર કાળા કલરની રેતીનો છટકાવ કરાય છે જેથી રોડનું ઉપરનું પડ મજબુત થાય છે જેથી વરસાદનું પાણી રોડને ઓછુ નુકશાન કરે છે પણ અહીં પ્રશ્ન એ છે કે, જ્યારે રોડ રિસરફેસ કરીને તેની ઉપર ડામરનું પડ છાંટવામાં આવે છે. આ ડામર વળી બોગસ બિલોનો ડામર પણ હોઈ શકે છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં રોડ પેઇન્ટિંગનું નવું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. શહેરના નારણપુરા, નવાવાડજ, સાબરમતી, ચાંદખેડા, નવરંગપુરા વિસ્તારમાં એક જ વર્ષની અંદર રોડ રિસરફેસ થયા હોય છતાં તેની ઉપર મ્યુનિ.કોર્પોરેશન વધારાનો ખર્ચ કરી રોડ પેઇન્ટિંગ કરાવી રહી છે. રોડ રિસરફેસ કરવામાં આવ્યા હોય તો તેની ત્રણ વર્ષની ગેરંટી હોય છે પણ કોન્ટ્રાક્ટરને છાવરવા માટે ઇજનેર વિભાગ દ્વારા લાખો રૂપિયા રોડ પેઇન્ટિંગના નામે લૂંટાવામાં આવી રહ્યાં છે. ઉસ્માનપુરા ચાર રસ્તાથી યુનિવર્સિટી તરફ જતો રોડ એ મોડેલ માર્ગ ગયા ચોમાસા ધોવાઈ ગયો હતો. જેથી તેને માઇક્રો રિસરફેસ કર્યા પછી તેની ઉપર રોડ પેઇન્ટિંગ કરાયું હતું. આમ એક જ રોડ છથી આઠ મહિનાના ટૂંકાગાળામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવાયો છે.  આ પ્રકારે ચોમાસા પહેલાં જ નવાવાડજના ભીમજીપુરા ચાર રસ્તાથી ક્રાંતિ ફ્લેટ થઇ ડો.આંબેડકરની પ્રતિમા તરફ જતો રોડ 50 લાખથી વધુના ખર્ચે રિસરફેસ કરાયો હતો પછી તેની ઉપર માઇક્રો રિસરફેસીંગ કરવામાં આવ્યું હતું. દોઢ મહિના પહેલા આ રોડ ઉપર રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ પ્રકારે અંકુર ચાર રસ્તા તરફ જતાં રોડ ઉપર રોડ પેઇન્ટિંગ કરાયું છે. અખબાનગર સર્કલથી બીઆરટીએસ કોરિડોર તરફ જતાં રોડ ઉપર રોડ પેઇન્ટિંગ કરાયું છે. ગુજરાત વિદ્યાપીઠની બાજુમાંથી સીયુ શાહ કોલેજ તરફ જતાં રોડમાં પણ એક જ વર્ષમાં રોડ રિસરફેસ અને રોડ પેઇન્ટિંગ કરાવવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં એક વર્ષમાં કેટલા રોડ રિસરફેસ કરાયા અને તે પૈકીના કેટલાં રોડ ઉપ રોડ પેઇન્ટિંગ કરાવ્યું તેની માહિતી પણ છુપાવવામાં આવી રહી છે. 

ભ્રષ્ટાચારથી છટકવા નવો દાવ

શહેરમાં 2017ના ચોમાસામાં રસ્તા તુટવાનાં કૌભાંડ બાદ હવે અધિકારીઓએ જવાબદારીમાંથી છટકવાનો રસ્તો શોધી કાઢયો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં દર વર્ષે રૂ.250 કરોડના રોડ રિસરફેસની કામગીરીના ઇન્સપેક્શનમાંથી અધિકારીઓને મુક્ત કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. હવે રોડની ગુણવત્તાની ચકાસણી કન્સલટન્ટ કરશે જેના માટે પાંચ કન્સલટન્ટની પેનલ બનાવી દેવાઇ છે. જેની પાછળ કરોડોની ફી ચૂકવાશે. અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને રાજકારણીઓ છટકવા માટે સલાહકાર પર દોષનો ટોપલો આ ચોમાસામાં ઢોળી દેશે. સલાહકારની કામગીરીનું ઇન્સપેક્શન અધિકારીઓ કરશે. જેમાં મેટેસ્ટ એન્જી. ર્સિવસ નામના કન્સલટન્ટે પ્રોજેક્ટ કોસ્ટના 1.15 ટકા ફી લેખે સૌથી લોએસ્ટ ભાવ ભર્યો હતો જેથી મ્યુનિ.એ આ ભાવે અન્ય કન્સલટન્ટ પાસે સમંતિ પત્ર માગ્યા હતા જેમાં છ કન્સલટન્ટે સંમતિપત્ર આપ્યા હતા જેથી છ કન્સલટન્ટની પેનલ બનાવી તેને રોડના કામોનું ઇન્સપેક્શન આપવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મુકાઇ હતી જેમાં કમિટીએ દરખાસ્તમાં ફેરફાર કરી કન્સલટન્ટને ગુણવત્તાની ચકાસણી કરવાની તથા પેમેન્ટની જવાબદારી અધિકારીઓને સોંપી હતી. જ્યારે રોડ તૂટે તેવા કિસ્સામાં કન્સલટન્ટને ચૂકવાતી ફીની 10 ટકા પેનલ્ટી કરવાની જોગવાઇ પણ કરી હતી. એટલે કે આ વર્ષ રૂ.2 કરોડ ફી એવી સૂકવાશે કે જેમાં અધિકારીઓને છટકી જવા માટે માર્ગ મળશે.

ભાજપનો વિવાદ કેમ શરૂ થયો

ગયા ચોમાસામાં અમદાવાદાના રસ્તા તૂટી ગયા બાદ ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ અને વહીવટી પાંખ વચ્ચે એક વિવાદ અને ગજગ્રાહ સામે આવ્યો હતો. ભાજપ અને વહીવટી પાંખના વડા એવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આમને સામને આવી ગયા હતા. વિવાદ એટલી હદે વકર્યો છે કે, ભાજપના શાસકો દ્વારા ખુદ રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સમક્ષ મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક બદલી નાંખવા રજૂઆત પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર પ્રજાના સેવાકીય કામોમાં ધ્યાન આપતા નહી હોવાની રજૂઆત પણ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે અમદાવાદના વિકાસમાં આંખે ઉડીને વળગે એવી કોઇ કામગીરી કે કાર્યો કર્યા નથી. ઉલ્ટાનું તેમના શાસન દરમ્યાન રોડ કૌભાંડ, ટેક્સ કૌભાંડ સહિતના વિવાદીત કાંડો સામે આવતાં તેમની કામગીરી અને વહીવટી કુનેહ સામે પણ સવાલો ઊભા થયા હતા. ભાજપે રસ્તા કૌભાંડ કમિશનર પર ઢોળી દેવા માટે ભરપૂર પ્રયાસ કર્યો હતો. પણ ઠેકેદાર સામે પગલાં ભરવા માટે ભાજપના એક પણ શહેરી બાવાઓએ માંગણી કરી નથી. એ ઘણું સૂચક માનવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સહકારભર્યું વલણ દાખવવામાં આવતું નથી એવો આરોપ ઘણો સૂચક હતો. વિરોધ પક્ષ કોંગ્રેસ એવું માને છે કે આ વિવાદનું કારણ રસ્તા કૌભાંડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp