સાબરમતી વાળુ સી પ્લેન ક્યાં ગયું? તમને ખબર નથી? લાંબા વેકેશન પર માલદીવ્સ ગયું છે

PC: deshgujarat.com

કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ મોટી સંખ્યામાં ફરવા લાયક સ્થળો વિકસાવવામાં આવી રહ્યા છે. જેથી વધારેમાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા માટે જાય અને એટલા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી એટલે કે, 31 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સી-પ્લેન સેવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ અવાર નવાર સી-પ્લેન સર્વિસ માટે ઉપયોગમાં લેવામાં આવતું મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવતું હતું.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્લેન જેટલી વખત ઉડ્યું નથી તેટલી વખત તો તેને મેન્ટેનન્સ માટે માલદીવ ખાતે લઈ જવામાં આવ્યુ હતું. મહત્ત્વની વાત છે કે, છેલ્લે એક વર્ષ પહેલા આ પ્લેન મેન્ટેનન્સ માટે માલદીવ ગયું હતું પરંતુ હજુ સુધી તે પરત આવ્યું નથી. તેથી ફરીથી સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની માગણી ઉઠવા પામી છે. મહત્ત્વની વાત છે કે, સી-પ્લેન સર્વિસ માટે જે પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્લેન 50 વર્ષ જૂનું હતું. આ સી-પ્લેન સર્વિસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

31 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયેલી આ સેવા થોડા જ સમયમાં બંધ થઈ હતી અને નવેમ્બર 2021માં સી-પ્લેન સર્વિસ બાબતે રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ સેવા ફરીથી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. સી-પ્લેન સર્વિસને લઈ કેવડિયા ખાતે બનાવવામાં આવેલું વોટર એરોડ્રામ પણ રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ આ સેવા બંધ થતા એરોડ્રામ માટેનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ પ્રવાસીઓ પણ હવે રાહ જોઈ રહ્યા છે કે, ફરીથી સી-પ્લેન સર્વિસ ક્યારે શરૂ થાય. સી-પ્લેન સર્વિસ બંધ છે છતાં પણ કેવડિયા ખાતે બનાવવામાં આવેલા વોટર એરોડ્રામની બહાર 24 કલાક સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. બહારથી વોટર એરોડ્રામની સુરક્ષા કરવામાં આવી રહી છે પણ અંદર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સી-પ્લેન સર્વિસ ક્યારે શરૂ થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp