અમદાવાદમાં બેસણામાં આવેલા લોકો પર આસપાસના લોકોએ કર્યો હુમલો, વાહનોમાં કરી તોડફોડ

PC: divyabhaskar.co.in

મહાનગર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ઘણી વખત એવી ઘટના બને છે કે, પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં પોલીસ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે એવી માગ પણ ઉઠે છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારની આસપાસ સક્રિય થયેલા અસામાજિક તત્ત્વો સામે પગલાં લેવા અનેકવાર માગ ઊઠી છે. કેટલાક અસામાજિક તત્ત્વોએ શહેરમાં ત્રાસ વર્તાવ્યો છે. કેટલાક શખ્સોએ બેસણામાં આવેલા લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પરિસ્થિતિ થાળે પાડી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર, અમરાઈ વાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી પાસે આ ઘટના બની હતી.

જોગેશ્વરી રહેણાંક એરિયામાં આવેલા એક ઘરમાં બેસણું રાખવામાં આવ્યું હતું. જ્યાં પરિવારના કેટલાક લોકો પણ આવ્યા હતા. પણ આસપાસના કેટલાક અસામાજિક તત્ત્વોએ ત્યાં પહોંચીને ગેરવર્તણૂંક શરૂ કરી દીધી હતી. એક તરફ પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થવાની પરિવાર દુઃખી હતો ત્યાં આસપાસ ઊભેલા લોકો મોટેથી હસી રહ્યા હતા. મજાક મસ્તી કરી રહ્યા હતા. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, આવું ન કરો. પણ સામે રહેલા લોકો ઉશ્કેરાયા અને મોતનો મલાજો જાળવવાના બદલે બેસણામાં આવેલા લોકો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. જ્યારે વાહનો સહિત ત્રણ મકાનમાં તોડફોડ કરવામાં આવી છે. અમરાઈવાડી પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પહેલા અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PSI સહિત કેટલાક બીજા પોલીસકર્મીએ બુટલેગર સાથે સાંઠગાંઠ કરી એને મુક્ત કરી દેતા ડીસીપી ઝોન 5એ એમને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા.

દારૂના અડ્ડા પર દરોડા પાડવા ગયેલા અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ગુનો નોંધવાના બદલે બુટલેગરને છોડી મુક્યો હતો. જેને લઈને પોલીસ કર્મચારીઓ પર ઈન્ક્વાયરી શરૂ થઈ હતી. જોકે, અમદાવાદ શહેરમાંથી દારૂ વેચાતા હોવાના વીડિયો સામે આવતા પોલીસે સઘન તપાસના આદેશ આપ્યા છે. જ્યારે બેસણામાં આવેલા લોકો પર હુમલાના કેસમાં પોલીસે શખ્સોને શોધવા તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp