દાહોદમાં શોરૂમમાં ચોરી કર્યા બાદ ચોર નામ અને નંબર લખેલી ચિઠ્ઠી મુકી ગયા

PC: gujarati.news18.com

રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલા ઝાલોદમાં એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે. ઝાલોદમાં ચોરોએ પહેલા પોલીસ સ્ટેશનની સામે આવેલા એક ઓટો શો રૂમને નિશાનો બનાવ્યો અને CCTV ફુટેજના આધારે પકડાઈ ના જાય તે માટે ડીવીઆર પણ સાથે લઇ ગયા અને એક ચિઠ્ઠી છોડીને ચાલ્યા ગયા. ઝાલોદના એક ઓટો મોટર્સના શોરૂમમાં રસપ્રદ ચોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં ચોરોએ પહેલા ઘટનાને અંજામ આપ્યા બાદ નામની સાથે મોબાઇલ નંબર પણ છોડ્યો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ચિઠ્ઠી જોઈને દંગ રહી ગઈ છે. ચોરોએ ખુલ્લેઆમ પોલીસને પડકાર આપ્યો છે કે, પકડી શકો તો પકડી લો. દાહોદ જિલ્લામાં ચોરીની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પોલીસ અને પ્રશાસન હાલ શહેરમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવી રહી છે. ચોરો દ્વારા પોલીસને આપવામાં આવેલા પડકારનો આ મામલો હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

દાહોદમાં આવેલા રાજ મોટર્સમાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો અને શોરૂમમાં મુકેલી કેશ બાદ ટેબલેટ અને બીજો કિંમતી સામાન ચોરી કરી લીધો. ત્યારબાદ તમામ ચોર ફરાર થઈ ગયા. ચોર એટલા શાતિર હતા કે શોરૂમમાં લાગેલા CCTVના ડીવીઆરને પણ લઈ ગયા જેથી, પોલીસને કોઈ પુરાવા ના મળી શકે. શોરૂમમાંથી નીકળતી વખતે ચોરોએ ગેટ પર એક ચિઠ્ઠી ચોંટાડી દીધી. સૂચના મળવા પર પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો આ ચિઠ્ઠીને જોઈ દંગ રહી ગઈ છે. આ ચિઠ્ઠી પર લખ્યું હતું કે હું ચોર છું નાથુભાઈ નિનામા. નોટ પર એક મોબાઈલ નંબર પણ લખ્યો હતો. પોલીસે જ્યારે નંબરની તપાસ કરી તો જાણકારી મળી કે તે નંબર ખોટો છે.

ચોરોએ જે શોરૂમમાં ચોરી કરી તે દાહોદ પોલીસ સ્ટેશનની સામે જ આવેલો છે. એવામાં ચોરીની ઘટનાની સાથે પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે ચોરોએ ચિઠ્ઠી શા માટે છોડી? ચોરોએ પોલીસને પડકાર આપવા માટે આવુ કર્યું કે પછી પોલીસને ખોટાં રસ્તે દોરવાના ઇરાદા સાથે આ ચિઠ્ઠી મુકવામાં આવી છે. હાલ ઝાલોદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. શોરૂમના ડીવીઆરને લઇ જવાને કારણે બીજા CCTV કેમેરાના ફુટેજને ચેક કરવા પડી રહ્યા છે જેથી ચોરો અંગે કોઈ પૂરતા પુરાવા મેળવી શકાય અને તેની મદદથી ચોરોને પકડી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp