અમદાવાદમાં મોબાઈલ સ્નેચરે ધક્કો મારતા નીચે પટકાયેલા આધેડના હાથ પર ટ્રક ફરી વળી

PC: youtube.com

રાજ્યમાં ચોર તસ્કરો અને મોબાઈલ સ્નેચરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સ્નેચિંગનો કાયદો કડક બનાવવામાં આવ્યો હોવા છતાં પણ સ્નેચરોને કાયદાનો ડર નથી અને તેઓ બેફામ બનીને મોબાઈલ અને સોનાની ચેનની સ્નેચિંગ કરે છે. અમદાવાદમાં તો મોબાઈલ સ્નેચરોના કારણે એક આધેડનો જીવ જોખમમાં મુકાયો હતો. મોબાઈલ સ્નેચરોનો પીછો કરતા આધેડને સ્નેચરે ધક્કો મારતા આધેડ રસ્તા પર પડી ગયા હતા અને પાછળથી આવી રહેલા મીની ટ્રકનું ટાયર આધેડના હાથ પરથી પસાર થઇ ગયુ હતું. આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, અમદાવાદના જશોદાનગરમાં રહેતા દશરથ પરમાર 30 નવેમ્બરને શનિવારના રોજ વટવા GIDC પાસેથી પસાર થતા હતા તે સમય પોતાના મોબાઈલ પર કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન અચાનક બાઈક પર આવેલા અજાણ્યા બે ઇસમો દશરથ પરમારનો મોબાઈલ આંચકીને ફરાર થઇ ગયા હતા. મોબાઈલનું સ્નેચિંગ થતા દશરથ પરમારે બૂમાબૂમ કરીને બંને મોબાઈલ સ્નેચરોનો પીછો કર્યો હતો. દશરથ પરમારને દૂર ખસેડવા માટે બાઈકની પાછળ બેઠેલા સ્નેચરે તેમને ધક્કો માર્યો હતો. જોરદાર ધક્કો લાગવાના કારણે દશરથ પરમાર જમીન પર પટકાયા હતા.

જે સમયે દશરથ પરમાર જમીન પર પટકાયા તે સમયે એક મીની ટ્રક પૂરપાટ ઝડપે પાછળથી આવી રહ્યો હતો અને ટ્રકની બ્રેક સમયસર ન લગતા ટ્રકનું ટાયર દશરથ પરમારના હાથ પરથી ફરી વળ્યું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દશરથ પરમારને 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા વટવા GIDC પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને મોબાઈલ સ્નેચરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp