વડોદરામાં 48 કલાકમાં ડેન્ગ્યૂના કારણે 5 લોકોના મોત થયા

PC: youtube.com

ચોમાસા પછી રાજ્યમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા ડેન્ગ્યૂને કાબુમાં લેવા માટેના ઘણા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં ડેન્ગ્યૂની વધારે અસર જોવા મળી રહી છે. વડોદરામાં રોગચાળાએ માથું ઉંચકતા વિપક્ષના નેતાઓએ શાસક પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

વડોદરામાં વધતા જતા રોગચાળાની વાત કરવામાં આવે તો, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4500 જેટલા દર્દીઓના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 900 લોકોનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

ડેન્ગ્યૂના કારણે વડોદરામાં છેલ્લા 48 કલાકના સમયમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંકમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. ડેન્ગ્યૂના કારણે મૃત્યુ પામેલા પાંચ લોકોમાં ગોત્રી વિસ્તારમાં રહેતા કૌશલ પટેલ, રમેશ સોલંકી, તરસાલી વિસ્તારમાં રહેતા કૌશલ સેવક, શોભના પરમાર અને કરેલીબાગ વિસ્તારમાં રહેતા દીપેશ શાહનો સમાવેશ થાય છે.

વડોદરાની SSG હોસ્પિટલમાં જેટલા બેડ નથી તેના કરતા વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. જેથી દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓ સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તેમને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે પણ તેમને મળતી નહોતી. દર્દીઓના સંબંધીઓએ દર્દીઓની પથારી કરવી પડતી હતી. સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp