ગુજરાતનાં ક્યા નેતા કઈ રીતે દિવાળી ઉજવશે? જાણો નેતાઓની દિવાળી વિશે

PC: khabarchhe.com

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે દિવાળીના દિવસે તેઓ બોર્ડરમાં જવાનો સાથે સમય ગાળતા હતા અને બેસતા વર્ષે તેઓ તેમના માતા હીરાબાને મળીને પછી જાહેર જનતાને નવા વર્ષની શુભેચ્છા આપલે કરતા હતા. હવે દિલ્હી ગયા પછી તેમનો સમય બદલાઇ ચૂક્યો છે. આ દિવાળી અને બેસતાવર્ષે તેઓ ગુજરાતમાં નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમની દિવાળી પરિવાર સાથે મનાવે છે. તેઓ આ વખતે પણ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે દિવાળી અને બેસતાવર્ષની શુભેચ્છાઓની આપલે કરશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ તેમના પરિવાર સાથે તેમજ પાર્ટીના સંગઠનના આગેવાનો તેમજ કાર્યકરો સાથે દિવાળીનો તહેવાર મનાવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે આ વર્ષે પણ દિવાળી ગત વર્ષ જેવી જ રહેશે. તેમણે કહ્યું કે ‘દિવાળીના દિવસે હું કોટેશ્વર-લખપત જઈશ અને BSFના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવીશ. આ એ લોકો છે જેમના કારણે આપણે ઘરે પરિવાર સાથે હર્ષોલ્લાસ પૂર્વક દિવાળી ઉજવી શકીએ છીએ.’ તેમણે વધુમાં કહ્યું કે, ત્યારબાદ સાંજે હું મારા ઘરે રાજકોટ જઈશ અહીં હું મારી દુકાનમાં ચોપડા પૂજન કરીશ. ત્યારબાદ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં જઈને રાજ્યની જનતાના કલ્યાણ માટે ભગવાનના આશિર્વાદ લઇશ. તેમજ પાર્ટીના કાર્યકર્યાઓ વચ્ચે પણ જઈશ.

આ વર્ષે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દિવાળીને લઇ ઉત્સાહિત છે. તેઓ કહે છે કે, ‘પાછલા 15 વર્ષથી દિવાળી સમયે હું ક્યાંકને ક્યાંક કાર્યક્રમો, ફંક્શન અને ચૂંટણી તૈયારીઓમાં બિઝી હોવ છું.’ પરંતુ આ વર્ષે આટલા વખતે હું ઘરે હોઇશ. મારા દીકરી-જમાઈ અને બીજા સંબંધીઓ ઘરે આવશે અને હું પણ કેટલાક સંબંધીઓના ઘરે જઈશ. જોકે આ ઉપરાંત હું પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે પણ જઇશ અને તેમને દિવાળીની શુભેચ્છા આપીશ.

પ્રદેશ ભાજપ પ્રમુખની જવાબદારી સાથે ચૂંટણી કાર્યોમાં સતત વ્યસ્ત રહેતા ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી માટે આ દિવાળી ઘરે જવાની તક લઇ આવી છે. તેમણે કહ્યું કે ‘આ દિવાળીએ હું ઘરે જઇશ ભાવનગરમાં આવેલા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની મુલાકાત લઇશ. હું તેમને કહેવા માગું છું કે તેઓ ક્યારેય એકલા નથી અમે તેમની સાથે જ છીએ.’ જીતુભાઈ ભલે ઘરે જાય પરંતુ રાજકીય મોરચે પણ તેઓ સતત વ્યસ્ત રહેશે. ‘અમે રાજ્યની 182 બેઠકોમાં ભાજપનું સ્નેહ સમ્મેલન યોજીશું.’

જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અબડાસા ગામના MLA શક્તિસિંહ ગોહિલ દિવાળી તેમના પરિવાર સાથે ભાવનગરના લીમડા ગામે ઉજવશે. તેઓ કહે છે કે સમગ્ર ગામ જ તેમનો પરિવાર છે. ‘મારા માટે આ એક પરંપરા છે કે નવાવર્ષની ઉજવણી મારા પરિવાર, મિત્રો અને સપોર્ટર્સ એવા ગામલોકો વચ્ચે રહીને કરવી.’ તેમણે કહ્યું કે દિવાળી અને નવવર્ષના બીજા દિવસથી હું રાજકીય કાર્યક્રમોમાં પાછો જોડાઈ જઇશ અને રાજકોટ, કચ્ચ અને બનાસકાંઠાની મુલાકાતે જઈશ.

‘ચૂંટણીનું ફાઇનસ સ્ટેજ શરુ થાય અને ગળાડૂબ કામમાં લાગી જવું પડે તે પહેલા પરિવાર સાથે કેટલોક સમય પસાર કરવા માગું છું.’ આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાના. તેઓ કહે છે કે, ‘કેટલાક વર્ષોથી મારા માટે પરંપરા રહી છે કે દુનિયાના ખૂણામાંથી દિવાળી આવે એટલે મારા ગામ પોરબંદર પહોંચી જવું અને પરિવાર સાથે આનંદની પળો પસાર કરવી.’ તેમજ નવવર્ષના દિવસે મારા માતા-પિતાના આશિર્વાદ લેવા પોરબંદર પાસે આવેલા મોઢવાડા નામના તેમના મૂળ વતનમાં જરુર જાય છે. આ ઉપરાંત પોરબંદરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપીશ

કોંગ્રેસમાંથી જુદા પડીને ચૂંટણી પહેલા જ ત્રીજો મોરચો રચનાર દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા માટે આ દિવાળી તેમની અન્ય દિવાળીઓ જેવી જ રહેશે. તેઓ તેમના મૂળગામ વાસણ ખાતે પોતાના પરિવાર અને સપોર્ટર્સ વચ્ચે રહેશે. ‘દેશમાં ગુજરાત માત્ર એક એવું રાજ્ય છે જ્યાં વિક્રમ સંવત મુજબ નવ વર્ષની ઉજવણી કરવામાં આવે છે. હું મારા વતન વાસણ ખાતે જઇશ અને ભગવાન શંકરના આશિર્વાદ મેળવીશ. તેમજ મારા સપોર્ટર્સ વચ્ચે ગામમાં રહીને નવા વર્ષની ઉજવણી કરીશ. જોકે અમે ફટાકડા નથી ફોડતા કેમ કે તે લોકોને ડિસ્ટર્બ કરે છે.’

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ દિવાળીના દિવસે પોતાના ગામ વિરમગામ જતા પહેલા ભાવનગર ખાતે પાટીદાર સમાજની રેલીને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે, ‘દિવાળીના દિવસે હું ભાવનગરમાં સભા સંબોધિત કરીશ પછી રાતે વિરમગામ જઈને ઘરે રોકાઇશ. ત્યારબાદ બીજા દિવસે મારા દાદા પાસે જઈ નવા વર્ષના આશિર્વાદ મેળવીશ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp