કેમ ભાજપના રામસિંહ રાઠવા અને કોંગ્રેસના નારણ રાઠવા થયા એક?

PC: youtube.com

ભાજપના સાંસદ રામસિંહ રાઠવા અને કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અલગ અલગ પક્ષમાં હોવાના કારણે એકબીજા સેમ બાંયો ચડાવતા હોય છે, પરંતુ જ્યારે પોતાની જાતિનો મુદ્દો આવે છે ત્યારે બંને એક સ્ટેજ પર જોવા મળે છે. માત્ર આ બંને સાંસદો જ નહીં પણ જાતિના મુદ્દા પર તમામ ધારાસભ્યો પણ તમામ રાજકીય પક્ષનો બહિષ્કાર કરતા જોવા મળ્યા. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાઠવા સમાજ માટે રેવન્યૂ રૅકર્ડ પર કોળીનો શબ્દ છે જેના કારણે અનુસૂચિત જનજાતિના દાખલા, ખેતીના દસ્તાવેજોમાં ગૂંચવણ ઊભી થાય છે. રાઠવા સમાજની માગ છે જે રેવન્યૂ રૅકર્ડ પર માત્ર રાઠવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે. પોતાની જાતિની માગ સાથે બંને પક્ષના ધારાસભ્યો અને સાંસદોએ ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવના પોસ્ટર છોટાઉદેપુરમાં લગાડવામાં આવ્યા. આ જાહેર ઠરાવમાં રાઠવા સમાજના લોકો દ્વારા લખવામાં આવ્યું છે કે, ઠરાવમાં કરવામાં આવેલી માગણીનો જ્યાં સુધી અમલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષના જાહેર કાર્યક્રમ (મીટિંગ, જાહેરસભા, રેલી) અને રાજકીય પક્ષ સંબધિત કોઈ પણ વસ્તુ જેવી કે બેનરો, ટોપી અને ખેસ લગાડીશું નહીં અને લગાડવા દેશું નહીં.

આ બાબતે કોંગ્રેસના સાંસદ નારણ રાઠવાએ જણાવ્યું હતું કે, આ બાબતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ કરવાનું મુખ્ય કારણ હતું કે, છોટાઉદેપુરમાં વસતા તમામ રાઠવા, રાઠવા કોળી અને કોળી સમાજના જે આદિવાસીઓ અત્યારે કોઈ પણ પદ ઉપર છે અથવા તો સરકારી અધિકારી કે કર્મચારી છે. એ લોકોના દાખલા ખોટા હોવાના બહાના કાઢીને કાયમ માટે એ લોકોની હેરાનગતિ કરવામાં આવે છે. આ માટે તેનો એક ઠરાવ રાજ્ય સરકારને સંદેશો આપવા માટે અમે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર એ આદિવાસી જિલ્લો છે અને તેમાં સૌથી વધારે રાઠવા જાતિના લોકો વસવાટ કરે છે. છોટાઉદેપુરથી ભાજપના લોકસભાના સાંસદ રામસિંહ રાઠવા અને કોંગ્રેસના રાજ્ય સભાના સભ્ય નારણ રાઠવા છે એટલું જ નહીં પણ જિલ્લાની 3 વિધાનસભાની બેઠકો પૈકી બે બેઠકો પર રાઠવા સમાજના ધારાસભ્યો છે. રાજકારણ વચ્ચે જ્યારે વાત પોતાના સમાજની આવી ત્યારે બધા નેતાઓ રાજકીય પક્ષને એક તરફ મૂકીને પોતાના સમાજના હિત માટે એક થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp