શહેરી વિકાસ વિભાગનું સૌથી મોટું કૌભાંડ કરનાર અધિકારીનું રાજીનામું કેમ લેવાયું?

PC: Khabarchhe.com

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ-તેલાવી ગામમાં આવેલાં ગોકુલધામ નામની ટાઉનશીપમાં વિકાસ પરવાનગી આપવામાં રૂ. 500 કરોડના કૌભાંડીને 4 વર્ષથી તંત્ર છાવરી રહ્યું હતું તે હવે નીલા મુનશીની હકાલપટ્ટીથી પૂરવાર થયું છે. FSI આપવાનું ગુજરાતનું આ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. છેલ્લાં સાત વર્ષ પહેલાં આ કૌભાંડ થયું છતાં તેમની સામે કોઈ પગલાં ભરાયા ન હતા. હવે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તેમને એક મહિનાનો નોટિસ પીરિયડ પણ આપવામાં આવ્યો નથી. માત્ર 15 દિવસ જ આપવામાં આવ્યા હતા અને ખાસ કિસ્સા તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમાં રસ દાખવ્યો હતો.

વિજય રૂપાણીએ શું કર્યું?

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીલા મુનશીની રીતસર હકાલપટ્ટી કરી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને કહ્યું હતું કે આ કેસમાં પગલાં લેવામાં આવે. તેમ છતાં શહેરી વિકાસ સચિવ દ્વારા તેમનો બચાવ એટલા માટે કરવામાં આવી રહ્યો હતો કે નીલા મુનશીને ભાજપના નેતાઓના સારા સંબંધો છે તેથી તેમને કઈ રીતે હોદ્દાપરથી દૂર કરી શકાય. પણ મુખ્યમંત્રીએ ફરીથી તે બાબતે પૃચ્છા કરી હતી કે નીલા મુનશી સામે પગલાં લેવા માટે શું કાર્યવાહી થઈ છે. તેમને સસ્પેન્ડ કરીને કે ખાતાકીય પગલાં લેવામાં આવે તો તેમણે રાજીનામું આપવાનું થાય તેવું હોવાથી તેમની પાસેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. એક મહિનાની નોટિસ પીરિયડ માટે ફરીથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ફાઈલ ગઈ ત્યારે તેમણે તે ફાઈલમાં તેમના હસ્તકના વિભાગમાં સ્પષ્ટ નોંધ મૂકાવી હતી કે એક મહિનો નહીં પણ ખાસ કિસ્સા તરીકે તેમને 15 દિવસમાં જ નોકરી પરથી છૂટા કરી દેવામાં આવે. નીલા મુનશી સામે હવે તપાસ ચાલશે. પણ તે પહેલાં તેઓ અમેરિકા જતાં રહે એવો સરકારને ડર છે. તેમ છતાં તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

શું છે રૂ. 500 કરોડનું કૌભાંડ?

વિકાસ પરવાનગી આપવામાં ઔડાના મુખ્ય કારોબારી અધિકારીની મંજૂરી વગર ભાજપ સરકારની કૃપાથી ઔડાના તત્કાલીન સીનીયર ટાઉન પ્લાનર નીલા મુન્શીએ રૂ. 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો તેમ છતાં આ અધિકારી સરકારમાં નિવૃત્ત થઈ ગયા હોવા છતાં તેમને ફરી ફરીને પુનઃ નિયુક્ત કરીને ભાજપ કઈ રીતે ભ્રષ્ટાચારીઓને છાવરતો હતો તે તેમને તાકીદે હકાલ પટ્ટી કરી છે તે પરથી જણાય છે. આ અધિકારીને નિવૃત્તિ પછી ત્રણ વખત કરાર આધારિત પુનઃ નિમણૂક આપી હતી. જેમાં એક પ્રધાન વધારે રસ લઈ રહ્યાં હતા. ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદારો પર અને શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારનું મુખ્ય કેન્દ્ર હોવાના પુરાવા સાથે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ 28/10/2017મા પણ જણાવ્યું હતું, આ ગંભીર આરોપો છતાં તેમને સાત મહિના સુધી તેમને કંઈ થવા દીધું ન હતું.
મળતીયા અધિકારીઓ મારફતે ખોટા કામોને કઈ રીતે મંજૂરી આપવામાં આવે છે અને આવા અધિકારીઓને નિવૃત્તિ પછી પુનઃનિમણૂક, એક્સ્ટેન્શન આપીને મનફાવે તેવા નિયમ વિરુદ્ધના કામો ભાજપ સરકારે કરીને ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ અધિકારીને નિવૃત્ત થવા દેવામાં આવ્યા છે તેમની સામે કોઈ ફરિયાદ પણ કરવાની હિમંત વિજય રૂપાણીની સરકારે બતાવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp