સાસરીયાઓના ત્રાસને કારણે મહિલા ASIએ પોલીસમાં કરી ફરિયાદ

PC: hercampus.com

એક તરફ ગુજરાતમાં નારી સશક્તિકરણની વાતો થાય છે અને બીજી બાજુ સાસરીયાઓ અને પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. ત્યારે હવે તો અમદાવાદ પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતી મહિલા જ સાસરીયાના ત્રાસથી પીડિત છે. મહિલા પોલીસ પર સાસરીયાનો ત્રાસ વધવાના કારણે તેણીએ પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ દાખલ કરાવવી પડી હતી.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા ASIએ વર્ષ 2014માં રાજેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. મહિલા ASIના સાસરીયાઓ દહેજના લાલચી નીકળ્યા અને લગ્ન પછી મહિલા ASIને દહેજની માગણી સાથે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. મહિલા ASI પરણીને સાસરીયે આવી ત્યારે તેની પાસેથી સાસરીયાવાળાઓને 20 લાખ રૂપિયાના દહેજની માગણી કરી હતી. મહિલા ASIના પિતા પાસે દહેજમાં માગેલા 20 લાખ રૂપિયાની સુવિધા ન થવાના કારણે તેમણે દહેજ આપવાની ના પડતા સાસરીયાઓનો ત્રાસ વધી ગયો હતો.

એટલું જ નહીં, દહેજ ન આપવાના કારણે મહિલા ASIના પતિએ અરવલ્લીની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો. પૈસાની માગણી સાથે પતિ પણ મહિલા ASI સાથે મારઝુડ કરતો હતો. આટલું જ નહીં, તેનો પતિ પ્રેમિકા પાસે મહિલા ASIને ફોન કરાવીને માનસિક ત્રાસ આપતો હતો. જે સમયે મહિલા ASI જુનાગઢ ટ્રેનિંગ માટે ગઈ હતી. ત્યારે પતિ રાજેશ તેની પ્રેમિકાને ઘરે લઈને આવ્યો હતો અને પ્રેમિકા પાસે મહિલા ASIને ફોન કરાવીને કહેડાવતો હતો કે, રાજેશ હવે તેનો થઈ ગયો છે.

પતિ અને સાસરીયાના આ પ્રકારના ત્રાસથી કંટાળીને મહિલા ASIએ સાસરીયા અને પતિ સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માગવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલા ASIની ફરિયાદના આધારે વટવા પોલીસે સાસરીયા અને પતિ સહિત સાત લોકો સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp