ઓમીક્રોનના ભય વચ્ચે રાજ્યમાં હજુ આટલા લોકોએ કોરોના વેક્સીન નથી લીધી

PC: bsmedia.com

રાજ્યમાં દિવાળી પછી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીની રજામાં મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારના સભ્યો સાથે અલગ-અલગ ફરવા લાયક સ્થળો પર ઉમટયા હતા અને આ સ્થળો પર સામાજિક અંતર અને માસ્કના નિયમના ભંગ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. તો બીજી તરફ ખરીદી માટે લોકો બજારોમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આના કારણે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં હવે વધી રહ્યું છે. પ્રતિદિન 40 કરતાં વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો ડૉક્ટરો પણ લોકોને તકેદારી રાખવાનું કહી રહ્યા છે.આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને કોરોના વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોકોને વારંવાર વેક્સીન લેવા માટે અપીલ કરી રહ્યું છે છતાં પણ કેટલાક લોકો બેદરકારીપૂર્વક વેક્સીનનો પહેલો જ પણ લઈ રહ્યા નથી.

ત્યારે આ બાબતે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હજુ પણ રાજ્યમાં 35 લાખ જેટલા લોકોએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો નથી. આ ઉપરાંત તેમને એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને ગાઈડલાઈનનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઇ ગઇ છે અને આ ઓમીક્રોન વેરિયન્ટને લઈને હવે મુખ્યમંત્રીથી લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચિંતીત બન્યા છે. સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવે અને આ બાબતે તમામ વ્યવસ્થા પૂરી કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જામનગરમાં આફ્રિકાના ઝીમ્બાબ્વેથી આવેલા એક વૃદ્ધમાં ઓમીક્રોન વેરિયન્ટ મળી આવ્યો છે. આ દર્દીનું સેમ્પલ 30 તારીખે લેવામાં આવ્યુ હતું અને પહેલી તારીખે તેને જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યુ હતું. ત્યારબાદ આ દર્દીમાં ઓમીક્રોન વેરિએન્ટ હોવાની પુષ્ટી કરવામાં આવી હતી.

એવી પણ માહિતી મળી રહી છે કે, આ વ્યક્તિના સંપર્કમાં 87 જેટલા લોકો આવ્યા હતા અને માહિતી ટ્રાવેલ જોતા સામે આવી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આ વ્યક્તિના પરિવારના સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તો બીજી તરફ જે 87 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે. જે દર્દી કોરોના પોઝિટિવ થયો છે તેને વેક્સીનના બે ડોઝ લીધા છે. છતાં પણ તે કોરોના સક્રમિત થયો છે. 

ડૉક્ટરો પણ કહી રહ્યા છે કે, કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોય તે પણ ઓમીક્રોનથી સંક્રમિત થઈ શકે છે. એટલે તકેદારી રાખવાની ખૂબ જ જરૂરી છે અને આ વાયરસ કેટલો ગંભીર છે તે આગામી બે અઠવાડિયાના સમયમાં ખબર પડશે. હાલ ગુજરાતમાં ચિંતાનો વિષય એ છે કે, રાજ્યના 35 લાખ જેટલા લોકોએ કોરોનાની વેક્સીન લીધી નથી અને આ લોકો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ વહેલી તકે લઇ લે એટલા માટે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp