ગર્ભવતી મહિલાઓને કોરોના થતા બાળકોને શું અસર થઇ, સ્ટડીમાં થયો ખુલાસો

PC: wionews.com

કોરોના સંક્રમણને લઈને જેમ-જેમ નવુ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અમેરિકાના ફ્લોરિડાની યુનિવર્સિટી ઓફ મિયામીએ ગર્ભવતી મહિલાઓ પર કોરોનાના પ્રભાવને લઇને એક સ્ટડી કરી છે, જેને જર્નલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત કરવામાં આવી છે. મિયામી યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યું, એવા બે કન્ફર્મ કેસ સામે આવ્યા છે, જેમા કોરોના વાયરસે મહિલાના પ્લેસેન્ટાને પાર કરી ગર્ભમાં વિકસી રહેલા બાળકોના મગજને ડેમેજ કર્યું છે.

શું હોય છે પ્લેસેન્ટા?

પ્લેસેન્ટા એક અંગ હોય છે, જે મહિલાઓની પ્રેગ્નેન્સી દરમિયાન ગર્ભાશયમાં ડેવલપ થાય છે. ભ્રૂણ સુધી ઓક્સિજન અને પોષક તત્વ પહોંચાડવાનું કામ પ્લેસેન્ટા જ કરે છે. તેનું મુખ્ય કામ માતાના શરીરમાંથી રક્તનું પોષણ ભ્રૂણના શરીર સુધી પહોંચાડવાનું હોય છે, જેના કારણે ભ્રૂણ સતત વિકસિત થતુ રહે.

પહેલા ડૉક્ટર્સની પાસે એ વાતનું કોઈ પ્રમાણ નહોતું કે કોવિડ-19 વાયરસ ગર્ભમાં વિકસી રહેલા બાળક અથવા નવજાતના મસ્તિષ્કને પણ નુકસાન પહોંચાડે છે. પરંતુ, નવી સ્ટડી બાદ એ વાત કન્ફર્મ થઈ ગઈ છે. જે બે બાળકો પર રિસર્ચ કરવામાં આવ્યું છે, તેમની માતાઓ ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિકમાં કોવિડ સંક્રમિત થઈ ગઈ હતી. આ નવજાતોને પેદા થવાના પહેલા દિવસથી જ ખેંચ આવતી હતી. જોકે, ઝીકા વાયરસની જેમ જ આ બાળકો નાના માથા (માઇક્રોસેફલી) સાથે જન્મ્યા નહોતા. બંને નવજાતોમાં ડેવલપમેન્ટ સંબંધી કોઈ મુશ્કેલી નહોતી. તેમાંથી એક બાળકનું મોત 13 મહિનામાં થઈ ગયુ. જ્યારે, બીજા બાળકને વિશેષ દેખરેખની વચ્ચે રાખવામાં આવ્યું.

મિયામી યુનિવર્સિટીમાં બાળ ચિકિત્સાના સહાયક પ્રોફેસર ડૉ. મર્લિન બેનીએ જણાવ્યું કે, બાળકોના કોરોના ટેસ્ટ કરવા પર તેમનો રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ ના આવ્યો. પરંતુ, તેમના લોહીમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડીની માત્રા ઘણી વધુ મળી. તપાસમાં જાણવા મળ્યું કે, વાયરસ માતાના પ્લેસેન્ટાને પાર કરી બાળક સુધી પહોંચી ગયો. તપાસમાં બંને માતાઓના ગર્ભનાળમાં વાયરસનું પ્રમાણ મળ્યું. 13 મહિના બાદ મૃત બાળકના શવની એટોપ્સી કરવા પર જાણવા મળ્યું કે, બાળકના મગજમાં વાયરસની હાજરી હતી. બંને મહિલાઓની તપાસ કરવા પર તેમનામાં કોરોનાની પુષ્ટિ થઈ. જોકે, તેમનામાંથી એકને કોરોનાના હળવા લક્ષણો હતો અને તેણે 9 મહિનાની ગર્ભાવસ્થા પૂરી થયા બાદ બાળકને જન્મ આપ્યો. જ્યારે બીજી મહિલા એટલી વધુ બીમાર થઈ ગઈ કે 32 અઠવાડિયામાં જ તેણે બાળકને જન્મ આપવો પડ્યો.

મિયામી યુનિવર્સિટીમાં પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. શહનાઝ દુઆરાએ જણાવ્યું કે, આ કેસ દુર્લભ હતો. તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ-19થી સંક્રમિત થનારી મહિલાઓને અપીલ કરી છે કે જો તેમના બાળકના ડેવલપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો હોય તો તેમણે બાળ રોગ વિશેષજ્ઞને જાણ કરવી જોઈએ. જોકે, તેમણે કહ્યું કે 7-8 વર્ષની ઉંમર સુધી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે, જ્યાં સુધી બાળક સ્કૂલે જવા ના માંડે. તેમણે આગળ કહ્યું કે જે મહિલાઓ પ્રેગ્નેન્સી વિશે પ્લાનિંગ કરી રહી છે, તેમણે તાત્કાલિક કોવિડ-19 વેક્સીન લઈ લેવી જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ વેક્સીનેશન પર વિચાર કરવો જોઈએ.

જોકે, કોવિડ-19 એકમાત્ર વાયરસ નથી જે ગર્ભવતી મહિલાના પ્લેસેન્ટાની અંદર જઈને ભ્રૂણના મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, સાઇટોમેગાલોવાયરસ, રુબેલા, HIV અને ઝીકા વાયરસ પણ પ્લેસેન્ટાની અંદર પહોંચીને ભ્રૂણને નુકસાન પહોંચડવામાં સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp