ગુજરાતમાં પ્રથમ તબક્કે 10080 મૃતકોના પરિવારને કોરોના સહાય ચૂકવાશે

PC: patrika.com

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અને ફટકાર પછી ગુજરાત સરકાર સફાળી થઇ છે અને હવે સરકારી ચોપડે નોંધાયેલા કોરોના મૃતકોના પરિવારજનોને મૃત્યુ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને યાદી મોકલી છે અને સહાય સીધી પરિવારજનના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

ગુજરાતમાં સરકારી ચોપડે 10080 જેટલા કોરોના દર્દીઓના મોત થયાં છે. સરકારે કોરોના સહાય માટે બનાવેલા પરિપત્રમાં વિસંગતતા હોવાથી તે રદ્દ કરીને નવો પરિપત્ર બનાવ્યો છે. હવે આરટી પીસીઆર ટેસ્ટને પણ માન્ય ગણવામાં આવશે. જૂના પરિપત્રના આધારે તમામ મૃતકોને સહાય મળી શકે તેમ નહીં હોવાથી સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના પ્રત્યેક પરિવારને સરકાર 50,000 રૂપિયાની સહાય કરશે. એટલે કે સરકારી ચોપડે નોંધાયેલા કોરોના મૃતક દર્દીઓ પાછળ સરકારને 50.04 કરોડનો રૂપિયાનો ખર્ચ થશે. આરોગ્ય વિભાગે એવું પણ નક્કી કર્યું છે કે સરકારી ચોપડે નોંધણી થઇ ન હોય તેઓ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પુરાવા રજૂ કરીને સહાયને પાત્ર બનશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય મામલે સોમવારે સુપ્રીમ કોર્ટે જલદી સહાય મળે તે માટે સુપ્રીમ કોર્ટે જિલ્લાવાર સમિતિ બનાવવાનો આદેશ કર્યો હતો. જોકેરાજ્ય સરકારે આ આદેશથી વિપરિત સ્ક્રુટિની સમિતિ બનાવતા સુપ્રીમ કોર્ટે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, સુનાવણીમાં રજૂ કરાયેલો સુધારેલો પરિપત્ર પણ સુપ્રીમના નિર્દેશ મુજબનો ન હોવાથી કોર્ટે ફરી સરકારને ચેતવી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે એવો નિર્ણય કર્યો હતો કે કોરોનાના કેસમાં મૃત્યુ થયું હોય તો જે તે વ્યક્તિના પરિવારજનોએ અરજી કરવી પડશે. આ અરજીઓની એક સ્ક્રુટિની કમિટી ચકાસણી કરશે. ચકાસણીમાં સાબિત થયા પછી જ સહાય ચૂકવવામાં આવશે. જોકે, સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા તાત્કાલિકપણે સરકારી ચોપડે નોંધાયેલા તમામ કોરોના મૃતકોને સહાય અપાશે. આ ઉપરાંત જે નવી અરજીઓ આવશે તેને પણ સહાય ચૂકવવાનું નક્કી કરાયું છે. કોરાના થયા પછી જો આપઘાત કર્યો હોય તે કિસ્સાને પણ કોરાના ડેથ જ ગણવામાં આવશે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp