વડોદરામાં કોરોનાના દર્દીને આપવામાં આવતા ભોજનમાંથી નિકળ્યું જીવડું

PC: youtube.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ, સુરત અને વડોદરામાં સામે આવી રહ્યા છે. કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલીક વાર કોરોનાના દર્દીની સારવાર દરિમયાન હોસ્પિટલની કેટલીક બેદરકારી સામે આવી હોવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે વડોદરામાં આવેલી ગોત્રી હોસ્પિટલમાં પણ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા બાતે આવેલા દર્દીને બપોરના સમયે આપવામાં આવે ફૂડ પેકેટમાંથી જીવડું નીકળવાનો આક્ષેપ દર્દી દ્વારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓ માટે બેડ ફાળવવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ભોજનમાં બેદરકારી હોવાનો આક્ષેપ એક દર્દી દ્વારા કરવામાં આવ્યો છે. પાદરાના ભાવિન નામના દર્દીને કોરોનાના રિપોર્ટ માટે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ભાવિનને જ્યારે હોસ્પિટલ દ્વારા બપોરનું ભોજન આપવામાં આવ્યું ત્યારે તેના ફૂડ પેકેટમાં આવેલા દાળ-ભાતમાં જીવડું જોવા મળ્યું હતું. જેથી ભાવિને આ બાબતે હોસ્પિટલમ સત્તાધીશોને ફરિયાદ કરી હતી અને કેટલાક અધિકારીઓને ફોન કરીને પણ ભોજનમાંથી જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એવી પણ માહિતી મળી રહી છે કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે બે ટાઈમના ભોજનની વ્યવસ્થા માટે એક કોટ્રકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

ભાવિને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું સેવાનું કામ કરતો હોવાના કારણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું જેના કારણે હું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માટે આવ્યો છું. ગોત્રી હોસ્પિટલમાં આવ્યા પછી એક કલાક સુધી મને પાણી નથી મળ્યું. જમવાનું આવ્યું તેમાં પણ કીડા નીકળ્યા છે. જમવા માટે ચમચીની સુવિધા પણ આપવામાં આવતી નથી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીને આપવામાં આવેલા ભોજનમાં બેદરકારી બાબતે અગાઉ પણ કેટલાક દર્દીઓ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ચૂક્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ભાવિન નામના દર્દીની ફરિયાદના આધારે તંત્ર દ્વારા ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર સામે ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp