45માંથી 25 દિવસ વેન્ટિલેટર પર રહી મહિલાએ કોરોનાને હરાવ્યો, ડૉ.ના મતે ચમત્કાર

PC: toiimg.com

એક 35 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલા 45 દિવસ સુધી કોરોના સામે જંગ લડતી રહી. આ 45 દિવસો દરમિયાન તે 25 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી. આખરે તેણે કોરોના સામેની જંગ જીતી અને પોતાની પાંચ વર્ષની દીકરીને મળી શકી. નાગપુરની હોમમેકર સ્વપ્ના રસિકનું જીવિત રહેવું ડૉક્ટરોની નજરમાં ચમત્કાર છે. તેમનું કહેવું છે કે 25 દિવસો સુધી વેન્ટિલેટર પર રહીને ફરી સાજા થવું મેડિકલ જગતને હેરાન કરનારો કિસ્સો છે.

સ્વપ્ના કહે છે, મારી દીકરી લોરિના વિશે હું વિચારતી રહેતી. તેના દ્વારા જ મને પ્રેરણા મળી અને આખરે હું જિંદગી સામેની જંગ જીતી ગઇ. સ્વપ્નાની સારવાર કરનારા ડૉક્ટરોએ જણાવ્યું કે જ્યારે પણ સ્વપ્નાને ભાન આવતું તો તે પોતાની દીકરી વિશે વાત કરતી અને તેની ભાળ મેળવતી.

બંને ફેફસામાં સંક્રમણ ફેલાઇ ગયું

સ્વપ્ના 19 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થઇ. 24 એપ્રિલના રોજ તેની સ્થિતિ ગંભીર થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેના બંને ફેફસામાં સંક્રમણ ફેલાઇ ગયું હતું. સ્પપ્નાનું SpO2 80થી ઓછું થઇ ગયું અને તે કાબૂમાં નહોતું આવી રહ્યું.

100 ટકા ક્ષમતાની સાથે વેન્ટિલેટર પર રહી

સ્વપ્નાની સારવાર કરનારા ડૉક્ટર પરિમલ દેશપાંડેએ કહ્યું કે, ઓક્સિજન થેરાપી છતાં તેમનાં SpO2માં સુધારો આવી રહ્યો નહોતો. માટે અમારી પાસે તેમને નોન ઈનવેસિવ વેન્ટિલેટર પર રાખવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. આ વેન્ટિલેટરનો ઉપયોગ 100 ટકા ક્ષમતાની સાથે 25 દિવસો સુધી કરવામાં આવ્યો.

ડૉક્ટરોએ કહ્યું કે, આ નિશ્ચિત પણે એક નોખો કેસ છે. કોઇપણ વ્યક્તિ માટે વેન્ટિલેટર પર 25 દિવસો સુધી રહ્યા બાદ સાજા થવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

હોસ્પિટલથી રજા મળ્યા બાદ 7 દિવસનું હોમ આઇસોલેશન

સારવાર કરનારી ટીમનું નેતૃત્વ કરનારા ડૉક્ટર અશોક અર્બતે કહ્યું કે, તેમનો એકમાત્ર હેતુ માતાને બચાવવાનો હતો. સ્વપ્નાના પતિ આશિષ જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી સ્વપ્નાને આવતા 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી. ત્યાર પછી તે પોતાની દીકરીને મળી શકી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેરે ખૂબ તબાહી મચાવી. અનેકોએ પોતાના સગાઓને ગુમાવ્યા તો સાથે જ આ વખતે સંક્રમણ ખૂબ ઝડપથી પણ ફેલાયું. એજ કારણ છે કે આ વખતે દેશ માટે કોરોનાની સેકન્ડ વેવ ઘાતક સાબિત થઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp