ઓમીક્રોન બાળકો માટે ઘાતક, શાળા શરૂ કરવાના નિર્ણયમાં ફેર વિચારણા કરો: ડૉ. બળદેવ

PC: youtube.com

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. હાલ ઘણા દેશોમાં વેક્સીનેશન પણ શરૂ થઈ ગયું છે. છતાં પણ કોરોના સમયાંતરે તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. ત્યારે દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. આ નવા વેરિયન્ટનું નામ ઓમીક્રોન વેરિયન્ટ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનામાં વધુ ઘાતક છે અને તે વધારે લોકોને સંક્રમિત કરી શકે છે. ત્યારે ઓમીક્રોન વેરિન્ટનો પગપેસારો ગુજરાતમાં પણ થઇ ગયો છે. જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

દિવાળી પછી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5 સહિત તમામ ધોરણોનું શિક્ષણ ઓનલાઇન અને ઓફલાઇન શરૂ કર્યું છે. ઓફલાઈન શાળાઓ શરૂ થતાં બાળકો શાળાએ જઈ રહ્યા છે. ત્યારે નાના બાળકો પર ફરીથી કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલ ભારતમાં બાળકો માટે કોરોના વેક્સીન આવી નથી માત્ર 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓમીક્રોન વેરિયન્ટ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેવા લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. ત્યારે આ બાબતે બાળકોની ચિંતાને લઈને ગુજરાત પિડીયાટ્રીક્સ પ્રોટોકોલ કોવિડ કમિટીના મેમ્બરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ગુજરાત પિડીયાટ્રીક્સ પ્રોટોકોલ કોવિડ કમિટીના મેમ્બર ડૉક્ટર બળદેવ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ કેટલો ઘાતક છે તે જાણવું મુશ્કેલ છે. જો કે બાળકો માટે કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ ઘાતકી નીવડી શકે છે. એટલે બાળકોને બચાવવા માટે ત્વરિત પગલાં લેવા જોઈએ. સરકાર દ્વારા જે શાળા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં ફેરવિચારણા કરવાની જરૂર છે. તેમણે એવું પણ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક સાબિત થઈ છે તે આપણે ભૂલવું ન જોઈએ. બાળકો માટે સરકાર, શિક્ષકો, સંચાલકો અને વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

મહત્ત્વની વાત છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ કોરોનાના આ નવા વેરિયન્ટને લઇને એવી માહિતી આપવામાં આવી છે કે, આ ઓમીક્રોન વેરિયન્ટ અન્ય કરતાં વધારે ઘાતક છે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત થનારા દર્દીઓમાં વેક્સીનથી બનનારી ઈમ્યુનિટીની અસર નહીંવત જોવા મળી રહી છે. હવે ભારતમાં પણ આ વેરિયન્ટ ધીમે-ધીમે વધી રહ્યો છે. તો ડૉક્ટરો દ્વારા ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, લોકો કોરોનાની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરે છે. સામાજિક અંતર જાળવે અને માસ્કના નિયમોનું પાલન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp