ચૂંટણી પછી તરત જ સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના કેસ વધવા લાગ્યા

PC: youtube.com

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો. પણ છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે, જ્યાં સુધી મહાનગરપાલિકામાં ચૂંટણીનો માહોલ હતો ત્યાં સુધી કોરોના વધતો ન હોતો પણ હવે ચૂંટણી ગઈ એટલે બીજા જ દિવસે કેસમાં વધારો થવા લાગ્યો.

સુરતની વાત કરવામાં આવે તો ચૂંટણી પછી જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સુરતમાં એક દિવસના 45થી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે જે જગ્યા પરથી વધારે કેસ આવતા હતા તે રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પાલિકા દ્વારા દંડની કાર્યવાહી પણ કડક કરવામાં આવશે. ચૂંટણી પહેલા 20થી 25 કેસો સામે આવતા હતા અને હવે 40થી 45 કેસ સામે આવી રહ્યા છે. કેસો વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધવાની દહેશત છે. ચૂંટણી પછી કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ મહાનગરપાલિકાએ 7માંથી 4 ઝોનમાં ટેસ્ટીંગ સેન્ટર શરૂ કર્યા છે. લોકો કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે આ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 66 કેસ નોંધાવાની સાથે એક જ દિવસમાં કેસમાં લગભગ 47% વધારો થયો છે. 

રાજકોટમાં પણ ચૂંટણી પૂર્ણ થયા પછી તરત જ કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. શું નેતાઓની રેલી અને જનસભાઓ આ કોરોના વધવા પાછળ જવાબદાર છે? અલગ-અલગ વિસ્તારની અંદર ટેસ્ટીંગ માટે ડોમ પણ ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, ચૂંટણી છે એટલે કેસ ઘટી ગયા અને ચૂંટણી જશે એટલે ફરીથી કેસ વધવા લાગશે અને આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. ચૂંટણીના એક દિવસ પછી જ તાત્કાલિક કોરોના વધવા લાગ્યો. આ બાબતે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પહેલા દરરોજના એવરેજ 30થી 40 કેસ સામે આવતા હતા અને હવે તેમાં 40થી 45 કેસ સામે આવી રહ્યા છે. ક્યાંકને ક્યાંક તહેવારો અને પ્રસંગ દરમિયાન ગાઈડલાઈનનો ભંગ થવાના કારણે કોરોના વધવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકના સમયમાં 283 નવા કેસ સામે આવ્યા છે અને 284 દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થયા છે. ચૂંટણી પહેલા સારવાર લઇને સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો પણ હવે ચૂંટણી પછી જ તરત જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. એટલે જ ચૂંટણીના મતદાનના બીજા દિવસે સુરત, રાજકોટ અને અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp