સુરતની સીટી-BRTS બસોમાં નિયમોની ઐસીતૈસી, ઘેંટા-બકરાની જેમ લોકો મુસાફરી કરે છે

PC: Khabarchhe.com

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટયું છે અને તેથી જ હવે રાજ્ય સરકાર દ્વારા લોકોને વધારેમાં વધારે છૂટછાટ આપવામાં આવી રહી છે પરંતુ કેટલીક જગ્યાઓ પર લોકો અને કેટલી જગ્યાઓ પર રાજનેતાઓ નિયમોનું પાલન ન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. બીજી તરફ કોરોનાની ત્રીજી રહેવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી જ લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. વેક્સીનેશનને પણ વધારે વેગ આપવામાં આવ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાની બસ સેવામાં જ મોટી બેદરકારી સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS અને સીટી બસમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે.

એક બસની અંદર 50થી 60 જેટલા લોકોને ભરવામાં આવી રહ્યા છે. જેમ કોઇ ટ્રકમાં ઘેટા બકરાને ભરીને લઇ જવામાં આવતા હોય તે રીતે લોકો આ બસમાં મુસાફરી કરે છે. બે વ્યક્તિ વચ્ચેથી કોઈ ત્રીજા વ્યક્તિને પસાર થવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેટલી ભીડ આ બસમાં જોવા મળે છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, જો કોઈ વ્યક્તિ તેના ઘરે કોઈ પણ પ્રસંગ કરે તેમાં તેને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવું પડે છે અને નિયમનો ભંગ થાય તો પાલિકાના અધિકારીઓ અથવા તો પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને લોકોને દંડ કરાશે પરંતુ મહાનગરપાલિકાની બસમાં જ આવી ઘોર બેદરકારી સામે આવી છે તો દંડ કોને થશે?

BRTS અને સિટી બસમાં લોકોની ભીડ થતી હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સુરતમાં હવે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે પરંતુ જો કોઈ એક બસમાં સંક્રમિત હોય તો તે બસમાં રહેલા અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. કારણ કે બસની અંદર એવી પરિસ્થિતિ હોય છે કે, એક વ્યક્તિ વચ્ચે બે ફૂટનો તો શું પરંતુ બે ઇંચનું પણ અંતર જળવાતું નથી અને લોકો ખીચો-ખીચ આ બસમાં મુસાફરી કરે છે. એટલે સુરત મહાનગરપાલિકા લોકોને નિયમ પાળવાની અપીલ કરે છે૦. પણ બીજી તરફ તેમની જ બસોમાં નિયમોનો ભંગ થઇ રહ્યો છે.

આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારી કમલેશ નાયકનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, અત્યારે હું મીટીંગમાં છું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp