રાજ્યમાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થયા, આ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું

PC: financialexpress.com

રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તે લોકોના પરિવારના સભ્યોને 50 હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે દર્દીના પરિવારના સભ્યોએ ફોર્મ ભરવાનું રહેશે. સરકાર દ્વારા ફોર્મ વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સહાયની રકમને લઇને રાજ્યમાં રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ દ્વારા મૃતક વ્યક્તિના પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, માહિતી અધિકારમાંથી આંકડા મળ્યા છે, કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય યાત્રામાં જઈને લોકોના ઘરે-ઘરે જઈને જે માહિતી મેળવવામાં આવી છે. જે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પરિવારને મળીને તેમના દુઃખમાં ભાગીદાર થઇને જે સત્ય હકીકતો મેળવી છે. હાવર્ડ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા માહિતી વિભાગમાંથી મળેલા આંકડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર મોતના આંકડા છૂપાવે છે. સરકાર 10 હજાર લોકોના મોતની વાત કરે પણ ખરા અર્થમાં 3 લાખ કરતા વધારે લોકોના મોત થયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે ગત મેં મહિનાથી માગણી કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુચના અનુસાર મૃતકના પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. પણ આ સરકારની પાસે તેમના મુખ્યમંત્રી અને વડાપ્રધાન માટે મોંઘા પ્લેન ખરીદવાના પૈસા છે. ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરવા માટે બજેટ છે. તેમના ઉત્સવો અને તાયફા પાછળ કરોડો રૂપિયા બગાડવા માટેનું બજેટ છે. પણ આ ગુજરાતના મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવા માટેનું બજેટ નથી. દુઃખને શરમ તો ત્યારે આવે કે જે જનતાએ 25 વર્ષથી સત્તાનું સુકાન સોંપ્યું હોય અને તે ગુજરાતના કોઈ પરિવારમાંથી કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વળતર આપવાનું હોય ત્યારે આ સરકાર 50 હજાર રૂપિયા આપવાની વાત કરે છે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, એક તરફ સરકાર પરિપત્ર બહાર પાડે કે કોઈ પશુનું મોત થયું હોય તો તેને 50 હજારની સહાય મળશે અને બીજી બાજુ કોર્ટમાં એફિડેવિટ કરે કે કોઈ પરિવારના સ્વજનનું અવસાન થયું હોય તો તેને પણ 50 હજાર રૂપિયા મળશે. આ કેવી સરકાર કે જેના મન એક પશુ અને મનુષ્યની કિંમત એક સમાન આંકવાની ગુસ્તાખી કરે. અમારા નેતા રાહુલજીએ ગુજરાતના લોકોના દિલની વાતને ઉજાગર કરી છે. ખૂબ તકલીફ થાય છે. લોકો સરકારના અણઘણ વહિવટનો ભોગ બન્યા છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે 3 લાખ લોકોના મોત થયા છે અને આ મૃતકના પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp