આરોગ્યકર્મીએ ગીતા રબારીના ઘરે જઇને કોરોના વેક્સીન આપતા થયો વિવાદ

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, સમય આવે એટલે કોરોના વેક્સીન લો. કોરોના વેક્સીન લેવા માટે વ્યક્તિને ઓનલાઇન પોર્ટલ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશનમાં વ્યક્તિનો વારો આવે એટલે તેને રસી લેવા માટે નજીકના વેકસીનેશનને સેન્ટર પર જવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વેક્સીનેશન સેન્ટર પર જઈને કોરોના વેક્સીન લીધી હતી પરંતુ, ગુજરાતની ગાયક કલાકાર ઘરે જ વેક્સીન લઈને વિવાદમાં આવી છે. કારણકે આ ગાયક કલાકારના ઘરે જઈને આરોગ્યકર્મીઓની કોરોના વેક્સીન આપી હતી. હવે આ બાબતે વિવાદ છેડાયો છે.

કચ્છની કોયલ તરીકે ઓળખાતી અને દેશ-વિદેશમાં ગુજરાતી ગીતને લઈને જાણીતી ગાયક કલાકાર ગીતા રબારી દ્વારા શનિવારના રોજ તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર કેટલાક ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, તેણે પોતાના ઘરે કોરોનાની વેક્સીન લીધી છે. આ સાથે ઘરે આરોગ્યકર્મી દ્વારા ગીતા રબારીને વેક્સીન આપવામાં આવતી હોય તેવા ફોટા પણ ગીતા રબારીએ અપલોડ કર્યા હતા.

લોકો વેક્સીનેશન સેન્ટર પર જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને કોરોના વેક્સીન નથી મેળવી શકતા તેવામાં ગીતા રબારીના ઘરે જઈને આરોગ્યકર્મી વેક્સીન આપવા માટે આવે તે કેટલું યોગ્ય કહેવાય. આ બાબતે વિવાદ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આરોગ્યકર્મીને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે માધાપર હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ આરોગ્ય અધિકારીને જવાબ આપવો પડશે. બીજી મહત્ત્વની વાત છે કે, સામાન્ય વ્યક્તિને કોરોના વેક્સીન લેવા માટે અલગ-અલગ વેક્સીનેશન સેન્ટર પર ધક્કા ખાઇને પણ વેક્સીન મળતી નથી. તેવામાં સેલિબ્રિટી અને ગાયક કલાકારને પોતાના ઘરે કોરોના વેક્સીન મળે છે તે કેટલું યોગ્ય કહેવાય. મહત્ત્વની વાત છે કે. કોરોનાની મહામારી વચ્ચે ગીતા રબારી અગાઉ કાર્યક્રમોમાં લોકોની ભીડને લઈને પણ વિવાદમાં આવી હતી. પણ આ ઘટનામાં તંત્ર દ્વારા માત્ર આરોગ્યકર્મી સામે જ પગલાં લેવામાં આવશે કે, પછી ગીતા રબારી સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp