એક મહિલા પોલીસને જોઇને ભરબપોરે ધૂણવા લાગી, આ હતુ કારણ

PC: Dainikbhaskar.com

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાનું સંક્રમણ કાબૂમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્યોની સરકાર પણ બનતા તમામ પ્રયાસો કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સામાજિક અંતરનું પાલન કરવાનું અને ફરજિયાત માસ્ક પહેરવાનું કહી રહ્યા છે પરંતુ હજી પણ કેટલાક લોકોને કોરોનાની ગંભીરતા સમજાઈ હોય એવું લાગે છે.

કારણ કે અવાર નવાર લોકો માસ્ક વગર ઘરની બહાર નીકળતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા લોકોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. માસ્ક વગર ફરતા લોકોને પાસેથી પોલીસ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવે છે. તો કેટલીક વખત લોકોએ માસ્કનો દંડ ન ભરવા માટે પોલીસની સાથે ઘર્ષણ કર્યું હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે.

ત્યારે માસ્કનો દંડ ન ભરવા માટે ઉત્તરાખંડમાં એક મહિલા બપોરના સમયે પોલીસની સામે અજીબ હરકત કરવા લાગી હતી. ઉત્તરાખંડના પૌડીમાં એક મહિલા રસ્તા પર માસ્ક વગર ફરી રહી હતી. ત્યારે પોલીસ દ્વારા બપોરના સમયે માસ્ક વગર ફરતી આ મહિલાને રોકવામાં આવી હતી અને માસ્ક ન પહેર્યું હોવાના કારણે દંડ ભરવા માટે કહેવા આવ્યું હતું. દંડ ન ભરવા મહિલા રસ્તા પર ઘૂણવા લાગી હતી અને માતાજી આવ્યા હોય તેવી એક્ટિંગ કરવા લાગી હતી.

આ મહિલા ઘૂણવાની સાથે સાથે અલગ-અલગ માતાજીના નામ પણ બોલી રહી હતી. રસ્તા પરથી પસાર થતાં કોઈ વ્યક્તિએ માસ્કનો દંડ ન ભરવા માટે ધુણતી મહિલાના કેટલાક ફોટા અને વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા અને હવે આ મહિલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની મહામારી વચ્ચે લોકોને માસ્કના દંડ બાબતે પોલીસ સાથે ઘર્ષણ થતું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે બે દિવસ પહેલા જ માસ્કના દંડ બાબતે એક યુવકને પોલીસ સાથે બોલાચાલી થઈ હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો. મોપેડ પર જતાં યુવકે માસ્ક પહેર્યું ન હોવાના કારણે પોલીસ દ્વારા તેને અટકવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવકે પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને અંતે આ યુવક માસ્કનો દંડ ન ભરવા માટે રડી પડ્યો હતો. આ ઉપરાંત યુવક દંડ ન ભરવા માટે યુવક રસ્તા વચ્ચે બેસી ગયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp