ઈન્સપેકટર તરૂણ બારોટની દેશપ્રેમની આગમાં હવે રોટલા શેકાવાના હતા

PC: khabarchhe.com

મુંબઈ એસઆઈબી ઓફિસરને સવાલ સાંભળી સાંભળી વણઝારા ચુપ થઈ ગયા તેમને સમજાતુ ન હતું, કે તેમને જવાબ હામાં આપુ કે ના પાડું. એસઆઈબી ઓફિસરે કહ્યું 'વણઝારાજી એકદમ એન્કાઉન્ટર કા મટીરીયલ હૈ. મુસલમાન હે, ગુજરાતી હૈ. દંગો મેં ઉસકા ઘર જલા દીયા થા, ઔર સાઉદી જા કે આયા હૈ.' આ સાંભળી વણઝારાના કાન ઉંચા થઈ ગયા. એસઆઈબી અધિકારી પણ પોતાની જેવુ વિચારી રહ્યા હતા. ઓફિસરે જે કહ્યું કે તેમાં માત્ર એક જ મુદ્દો ઉમેરવાનો હતો કે નરેન્દ્ર મોદી કો મારને આયા થા, એટલા કથા પુરી થઈ જાય. વણઝારા ખુશ થઈ ગયા. ઘણા દિવસથી તેઓ કામ શોધી રહ્યા હતા, અને કામ મળી ગયું. ઓફિસર ફોન ઉપર વણઝારાના શ્વાસચ્છોશ્વાસનો અવાજ સાંભળી સમજી ગયો કે વણઝારા તૈયાર છે. તેણે કહ્યુ તો 'આપ કા કોઈ ઓફિસર ભેજ દો, કસ્ટડી દે દેતે હે.' ફોન મુકતા ડીજી વણઝારાએ બેલ વગાડી પોલીસવાળાને બોલાવી કહ્યું 'તરૂણને બોલાવો.'

તરૂણ બારોટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું એક એવુ પાત્ર જેણે સબઈન્સપેકટરથી લઈ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સુધીની નોકરી ક્રાઈમ બ્રાન્ચમાં જ કરી. બીજા પોલીસવાળા કરતા જરા જુદો માણસ. પૈસા કમાવવાની લાલસા ઓછી, પણ નામ કમાવવાની ખુબ. તે પોતાની તમામ કામગીરીને દેશપ્રેમ સાથે જોડી દે. 1993માં અમદાવાદના વેજલપુરમાં મોટા હથિયારો સાથે આવેલા ખાલિસ્તાન લિબ્રેશન ફ્રન્ટના આતંકવાદી લાલસિંગનો હથિયારનો મોટો જથ્થો પકડી પાડયો હતો, જેના કારણે રાજય સરકાર દ્વારા સબઈન્સપેકટરમાંથી બઢતી આપી ઈન્સપેકટર બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી લતીફના એન્કાઉન્ટરમાં પણ તરૂણ બારોટની બહુ વાહ વાહી થઈ. બસ આ જ તરૂણ બારોટનો નશો હતો. હમણાં સુધી ડીસીપી એકે સુરાલીયાના ખાસ માણસ તરીકે તે જાણીતા હતા. પણ હવે વણઝારા તરૂણ બારોટના મનમાં પડેલા દેશ સેવા અને દેશ પ્રેમની આગની વધુ પ્રજવલીત કરી પોતાના રોટલા શેકવાના હતા. જોકે, બારોટ તે રમતથી સાવ અજાણ હતા.

તરૂણ બારોટ વણઝારાને મળવા આવતા, વણઝારાએ કહ્યુ તરૂણ તરત મુંબઈ જવાનું છે. એસઆઈબીએ એક ગુજરાતનો ટેરેરીસ્ટ પકડયો છે. તેને લઈ આવવાનો છે. ટેરેરીસ્ટ શબ્દ કાને પડતા, બારોટનો દેશપ્રેમનો આત્મા એકદમ જાગૃત થયો, અને તે મુંબઈ જવાના રવાના થયા. ક્રાઈમ બ્રાન્ચમાં વણઝારાની એન્ટ્રી પછી તમામ પોલીસ અધિકારીઓને એક સુચના હતી, કે પોતાના કેસ સિવાય અન્ય કોઈ પોલીસ અધિકારીના કેસમાં માથું મારવુ નહીં. તે અંગેની કોઈ જાણકારી પણ મેળવવાનો પ્રયત્ન પણ કરવો નહી. અને સુચના ન મળે ત્યાં સુધી કોઈ પણ આરોપીની પણ પણ પુછપરછ કરવી નહીં. બારોટ મુંબઈ પહોંચ્યા અને એસઆઈબી ઓફિસરે એક છોકરો બતાડતા કહ્યું તમારે આને લઈ જવાનો છે. બારોટે તે છોકરા સામે જોયુ માંડ 22-23 વર્ષનો હતો. પાતળા બાંધાનો. આવો ટેરેરીસ્ટ? તેવો વિચાર પણ આવ્યો, પણ બીજી જ ક્ષણે સાહેબનો આદેશ યાદ આવતા બારોટે પોતાના તમામ વિચાર ખંખેરી તેને પોતાની ગાડીમાં બેસાડી ગાડી અમદાવાદ તરફ રવાના થઈ.

ગાડી અમદાવાદ તરફ દોડી રહી હતી, ત્યારે બારોટે પોતાની સાથે બેઠેલા ટેરેરીસ્ટ સામે જોયુ. એકદમ સરળ અને નાનો છોકરો. કેવી રીતે ટેરેરીસ્ટ થઈ ગયો હશે? કોણે આ છોકરાના મનમાં ઝેર ભરી દીધુ હશે? એક તબક્કે તો બારોટને લાગ્યુ કે તેની સાથે વાત પણ કરે, પણ તરત પાછો સાહેબનો હુકમ યાદ આવ્યો. બારોટને આધાત તો ત્યારે લાગ્યો ગાડીમાં એકાદ બે વખત પેલો છોકરાએ કંઈક વાત કરી ત્યારે તે એકદમ સારી ગુજરાતી ભાષામાં બોલ્યો. ગુજરાતી ટેરેરીસ્ટ. તેની ગુજરાતીમાં કાઠીયાવાડી લહેકો પણ હતો. બારોટનુ મગજ ચક્કર ખાઈ ગયું. કંઈ જ સમજાય નહીં તેવી સ્થિતિ હતી. કોઈ ગુજરાતી માણસ ટેરેરીસ્ટ હોય તેવુ તેણે પોતાની નોકરી દરમિયાન પહેલી વખત જોયુ હતું. પણ આ વિચારોમાં અમદાવાદ આવી ગયું. બારોટે ફોન કરી તેઓ અમદાવાદમાં આવી રહ્યા છે તેવી વણઝારાને જાણકારી આપતા તેમણે કહ્યુ તેને બંગલા નંબર 15 ઉપર લઈ જાવ ક્રાઈમ બ્રાન્ચ લાવતા નહીં.

વણઝારા જે બંગલા નંબર 15ની વાત કરતા હતા, તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના સરકારી બંગલાઓનો વિસ્તાર છે. તેમાં એક બંગલો ખાલી હતો. જે ક્રાઈમ બ્રાન્ચને વધારાની કામગીરી માટે ફાળવવામાં આવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો બે નંબરના તમામ કામ બંગલા નંબર 15માંથી થતા હતા. જેનો અર્થ તરૂણ બારોટ જે છોકરાને લઈ આવ્યા હતા, તેની હજી ધરપકડ બતાડવાની ન હતી. માટે જ તેને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવ્યા વગર બંગલા નંબર 15 ઉપર લઈ જવાનો હતો. તરૂણ બારોટ, તેને બંગલા નંબર 15 ઉપર લઈ આવ્યા. ત્યાં હાજર પોલીસ વાળાને છોકરો સોંપી તેઓ રવાના થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓ આવી રીતે અનેક લોકોને આ બંગલા ઉપર લાવતા. તેમને દિવસો સુધી રાખતા. તેમની સિનિયર અધિકારીઓ પુછપરછ કરતા, અને પછી જરૂર પડે તેની ધરપકડ બતાડતા અથવા છોડી દેતા. આવું બધું ચાલ્યા જ કરતુ હતું, જેના કારણે ત્યાં રહેલા પોલીસવાળાને બારોટે સોંપેલા છોકરા અંગે કઈ વિચાર આવ્યો જ નહીં. તેમના માટે રોજનું કામ હતું, પણ ખરેખર આ છોકરો હતો કોણ ?

(ક્રમશ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp