ભાવનગરના સાદીકને દુબઈમાં રહેતી શેઠાણી સાથે પ્રેમ થઈ ગયો હતો

PC: khabarchhe.com

ઈન્સપેકટર તરૂણ બારોટ જેને ટેરેરીસ્ટ માની રહ્યા હતા, તેનું નામ સાદીક જમાલ મ્હેતર હતું. તે મુળ રહેવાસી ભાવનગરનો હતો. એકદમ રખડુ અને ટપોરીગીરી કરતો છોકરો હતો. ભણ્યો નહીં, માટે સારૂ કામ મળ્યુ નહીં. ગેરેજમાં કામે લાગ્યો, પણ મજા આવી નહીં. તેના ઘરવાળા પણ પરેશાન હતા. કામ ધંધો કરે નહીં અને આખો દિવસ રખડયા કરે. ગામના નવરા છોકરાઓ સાથે પત્તા રમ્યા કરે, ખીસ્સામાં પૈસા પડયા હોય તો તેનો જુગાર પણ રમી નાખે. એક દિવસ તે આવી જ રીતે પૈસા લગાડી જુગાર રમી રહ્યો હતો, ત્યારે પોલીસ આવી ગઈ અને પોલીસ સાદીક સહિત તેના મિત્રો સામે જુગારધારાની કલમ લગાડી ગુનો નોંધ્યો હતો, પણ તેની જીંદગીનો આ પહેલો અને છેલ્લો ગુનો હતો. ઘરવાળા તો ઠીક પણ ખુદ સાદીક પણ આવી જીંદગીની કંટાળી ગયો હતો. તેણે સાંભળ્યુ હતું કે સાઉદીમાં સારી નોકરી મળી શકે છે, માટે તેણે કાયદેસર પોતાના પાસપોર્ટ કઢાવ્યો અને તે દુબઈ નોકરી કરવા જતો રહ્યો હતો.

દુબઈમાં પહોંચી ગયેલા સાદીક પાસે શિક્ષણ તો હતુ નહીં, તેના કારણે સારી કંપનીમાં ટેબલ ખુરશીનું તો તેને કામ મળવાનું ન હતું, પણ દુબઈમાં વર્ષોથી સ્થાઈ થયેલા મુંબઈના એક શેઠને નોકરની જરૂર હતી. જે ઘરના તમામ કામકાજ સંભાળે. દુબઈની એક પ્લેસમેન્ટ કંપની મારફતે સાદીકના શેઠને ત્યાં નોકર તરીકેને નોકરી મળી ગઈ. શેઠનો કારોબાર મોટો હતો. શેઠ મહિનામાં 25 દિવસ ઈન્ટરનેશનલ ટુર કરતા હતા. જેના કારણે દુબઈમાં ઓછા અને વિદેશમાં વધારે રહેતા હતા. એકદમ સરળ સ્વભાવનો સાદીક શેઠના ઘરની અને પરિવારનું ધ્યાન રાખતો હતો. એક દિવસ શેઠના ધ્યાનમાં આવ્યુ કે સાદીક અને પોતાની પત્ની વચ્ચે નિકટતા વધી છે. શેઠને ખબર પડી તેની સાથે શેઠનો પિત્તો ફાટયો અને તેમણે સાદીકને ખુબ ફટકાર્યો હતો. હવે સાદીકને ઘરમાં રાખી શકાય તેમ ન હતો. તેના કારણે તેને ભારત મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ સાદીક દુબઈમાં રહેતો બીજા કોઈને પોતાના ઘરની વાત કરે અને તેન કારણે આબરૂ પણ જાય.

સાદીકનો શેઠ હવે વેપારી થઈ ગયો હતો, પણ પહેલા તે દાઉદ સાથે વ્યાપાર કરતો હતો. જેના કારણે તેને સંબંધ ભારતના અનેક પોલીસ અધિકારીઓ સાથે હતો. સાદીકને મુંબઈ જતા પ્લેનમાં બેસાડી દીધા બાદ શેઠે મુંબઈ એસઆઈબી ઓફિસરને ફોન જોડી કહ્યુ સાદીક આવી રહ્યો છે, તેનું કામ તમામ કરજો. તમારી તમામ માગણી પુરી થશે, સાદીક તમામ વાતોથી અજાણ હતો. તે જેવો મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો તેની સાથે એસઆઈબી ઓફિસરોએ તેની ઉપાડી લીધો અને તેને સીધો પોતાની ઓફિસમાં લઈ આવ્યા. સાદીકને તો ખબર જ પડતી ન હતી કે પોતાનો વાંક શું છે, પણ તેને અંદાજ આવી ગયો કે આ પોલીસવાળા છે. હવે એસઆઈબીએ પોતાનું કામ શરૂ કર્યુ, પોલીસની ભાષામાં જેને ઈનપુટ કહે છે, તેવો ઈનપુટ તૈયાર કરવામાં આવ્યો જેમાં તેમણે ભારતની પોલીસને એલર્ટ કરી કે સાદીક જમાલ નામનો લશ્કર એ તોઈબાનો ટેરેરીસ્ટ ભારતમાં એન્ટર થયો છે. તે કોઈ પણ રાજકીય નેતાને નિશાન બનાવી શકે છે.

મુંબઈ સ્પેશિયલ બ્રાન્ચને પણ આ ઈનપુટ મળ્યો હતો. એસઆઈબીના પ્લાન પ્રમાણે દયા નાયક એન્ડ મંડળી પાસે જ સાદીકનું એન્કાઉન્ટર કરાવવાનું હતું, પણ સાદીકની જીંદગીમાં ઉપરવાળા થોડાક વધુ દિવસો લખ્યા હતા. તેના કારણે સાદીકને જયારે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો ત્યારે દયા નાયકે સાદીકને મારતા પહેલા તેની પુછપરછ કરી ત્યારે દયાને સમજાઈ ગયું, કે આ તો સીધું સાદું પ્રેમ પ્રકરણ છે. અને એસઆઈબી તેને ટેરેરીસ્ટ બનાવી પતાવી દેવામાં આવે છે. વર્ષો પોલીસમાં રહેલા દયાને ખ્યાલ આવી ગયો કે મામલો પૈસાનો હોઈ શકે છે, માટે તેણે સાદીકને મારવાની ના પાડી. એસઆઈબીને પાછો સોંપી દીધો હતો. સાદીકની મુળ આ વાત હતી પણ ગુજરાત પોલીસમાં તરૂણ બારોટ સહિતના અધિકારીઓ સાદીકની આ સચ્ચાઈથી વાકેફનો ન હતા. તેઓ માની રહ્યા હતા કે સાદીક એક ખુખાંર આતંકવાદી છે.

સાદીક જેને ડીજી વણઝારા આતંકવાદી જાહેર કરવાના હતા, તે સાદીક તો ક્રાઈમ બ્રાન્ચના બંગલા નંબર 15માં છુટો ફરતો હતો, તે જાણે પાણી પીવા જતો, એકલો બાથરૂમ જતો હતો, તે એવુ માની રહ્યો હતો કે દુબઈના શેઠથી પોલીસ તેને બચાવી રહી છે, કારણ એસઆઈબી ઓફિસરોએ તેને આવુ જ કહ્યુ હતું. રાત પડે અને અધિકારીઓ ઘરે જતા રહે ત્યારે નાઈટ ડયુટીમાં રહેલા પોલીસવાળા પત્તા રમવા બેસતા હતા, સાદીકને પત્તાનો ખુબ શોખ તે પણ પોલીવાળાને વિનંતી કરી, તેમની સાથે પત્તા રમવા બેસી જતો હતો, પોલીસવાળાને પણ ખબર ન હતી કે આપણી જેની સાથે પત્તા રમી રહ્યા છીએ તેને વણઝારા સાહેબ ત્રાસવાદી જાહેર કરવાના છે. એક રાતે અચાનક પોલીસનો કાફલો ખાનગીમાં ગાડીમાં બંગલા નંબર 15 ઉપર આવ્યો. જોકે, પોલીસ ખાનગી સુમો કારમાં આવી હતી.

(ક્રમશ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp