Notification

Favourite List

વર્લ્ડ લેફ્ટી ડે: વિશ્વના શ્રેષ્ઠ લેફ્ટ હેન્ડેડ ટેસ્ટ બેટ્સમેન

13 Aug, 2017
10:31 AM
PC: khabarchhe.com

આજે વર્લ્ડ લેફ્ટી ડે છે. સમાજના અન્ય ક્ષેત્રોની જેમ ક્રિકેટમાં પણ ઘણા બધા લેફ્ટ હેન્ડર્સ રમતા જોવા મળ્યા છે. બેટિંગ અને બોલિંગ બંને ડિપાર્ટમેન્ટમાં લેફ્ટ હેન્ડર્સને આપણે જોઈ ચૂક્યા છીએ. આપણી આસપાસ પણ લેફ્ટ હેન્ડર્સની સંખ્યા રાઈટ હેન્ડર્સ કરતાં ઓછી ભલે હોય, પરંતુ તે ખાસી એવી સંખ્યામાં જરૂર જોવા મળે છે, આવી જ રીતે એક ક્રિકેટ ટીમમાં મોટેભાગે રાઈટ હેન્ડર્સ જ હોય છે, પરંતુ લેફ્ટ હેન્ડર્સ પણ પોતાની નોંધનીય હાજરી જરૂર પૂરાવે છે. આજે આપણે વિશ્વના પાંચ લેજેન્ડરી ટેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેનો વિષે ચર્ચા કરીએ.

બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ)

જો લેફ્ટ હેન્ડર્સની વાત કરીએ અને તેમાં બ્રાયન લારાનું નામ ન હોય તો જ નવાઈ. આક્રમક છતાં સ્ટાઈલીશ બેટ્સમેન તરીકે બ્રાયન લારા અત્યંત લોકપ્રિય લેફ્ટ હેન્ડ બેટ્સમેન સાબિત થયો હતો. ટેસ્ટ મેચોમાં 52.88ની એવરેજે 11, 953 રન બનાવનાર બ્રાયન લારા વિશ્વનો સૌ પ્રથમ એવો બેટ્સમેન બન્યો હતો, જેણે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં 400 રન અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 500 રન બનાવ્યા હોય. SCG ખાતે લારાએ બનાવેલા 277 અને કેનસિંગ્ટન ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી 153* એ બે ઈનિંગ્સ લારાની કારકિર્દીની હાઈલાઈટ સમાન બની રહી છે. લારા તેના સમયનાં શ્રેષ્ઠ સ્પિનરો શેન વોર્ન અને મુથૈયા મુરલીધરનને રમવા માટે સમર્થ લેફ્ટ હેન્ડ બેટ્સમેન પણ હતો.

સર ગેરી સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ)

એક હરફનમૌલા ખેલાડી તરીકે સર ગેરી સોબર્સને કાયમ યાદ કરવામાં આવે છે. આકર્ષક લેફ્ટ હેન્ડ બેટિંગ કરવા ઉપરાંત સર ગેરી લેફ્ટ આર્મ સ્પિન, લેફ્ટ આર્મ ઓફ સ્પિન તેમજ લેફ્ટ આર્મ સ્વિંગ બોલિંગ પણ કરી શક્તા હતા. ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર્સમાંથી એક એવા સર ગેરીની બેકફૂટ ડ્રાઈવના કેટલાય લોકો દીવાના હતા. રિટાયર થતી વખતે સર ગેરી સોબર્સે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કરી દીધો હતો. 93 ટેસ્ટ મેચોમાં 57.78ની એવરેજે સર ગેરીએ કુલ 8032 રન બનાવ્યા હતા, જેમાં 26 સેંચુરી શામેલ હતી.

એલન બોર્ડર (ઓસ્ટ્રેલિયા)

ઓસ્ટ્રેલિયાને ફર્શ પરથી અર્શ પર પહોચાડનાર કેપ્ટન કૂલ એટલે એલન બોર્ડર. 1980ના દાયકામાં જ્યારે કેરી પેકરના ક્રિકેટને લીધે ઓસ્ટ્રેલિયાની સંપૂર્ણ ટીમ સાફ થઈ ગઈ હતી, ત્યારે બોર્ડરે ટીમને ભેગી કરીને તેનામાં જીતની આદત નાખી હતી. એલન બોર્ડર માટે એવું કહેવાતું કે તે તેની વિકેટ આપવા માટે બોલરો પાસે તનતોડ મહેનત કરાવતો. એનો મતલબ એમ કે એલન બોર્ડરને આઉટ કરવો એ બોલરો માટે બિલકુલ સહેલું કાર્ય ન હતું. કારકિર્દીને અંતે એલન બોર્ડરે પોતાની બેટિંગ એવરેજ 50થી પણ ઉપર જાળવી રાખી હતી. જે સંજોગોમાં બોર્ડરે કપ્તાની સાંભળી હતી, તેને જો ધ્યાનમાં લેવામાં આવે તો તેની આ સિદ્ધિ જરાય નાની સુની ન કહેવાય.

ડેવિડ ગોવર (ઇંગ્લેન્ડ)

ઇંગ્લેન્ડના આ બેટ્સમેનને ક્રિકેટ ઈતિહાસના ‘મોસ્ટ સ્ટાઈલિશ બેટ્સમેન’ તરીકે નવાજવામાં આવે છે. ઇંગ્લેન્ડ તરફથી 100થી પણ વધુ ટેસ્ટ મેચ રમવી એ પોતે એક મોટી સિદ્ધિ ગણાય છે. જ્યારે ડેવિડ ગોવરે ઇંગ્લેન્ડ તરફથી માત્ર 117 ટેસ્ટ રમી જ નહીં, પરંતુ ટીમની કપ્તાની પણ કરી. 44.25ની એવરેજે ડેવિડ ગોવરે ઇંગ્લેન્ડ માટે 8231 રન પણ બનાવ્યા. 1980ના દાયકામાં ડેવિડ ગોવરને ઇંગ્લેન્ડનો સૌથી કન્સિસ્ટંટ બેટ્સમેન ગણવામાં આવતો હતો. એવું કહેવાતું કે ગોવરના ઓફ સાઈડના શોટ્સ જાણે કે નદીનું જળ ખળખળ વહેતું હોય એવી સહેલાઈથી બાઉન્ડ્રી લાઈનની બહાર જતા રહેતા.

ગ્રેહામ સ્મિથ (સાઉથ આફ્રિકા)

એલન બોર્ડરની જેમ જ 2003ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકન ટીમની તળીયે ગયેલી ઈમેજને ઉપર સુધી લઈ આવવામાં ગ્રેહામ સ્મિથનો ફાળો અતુલ્ય છે. કપ્તાન તરીકેનો કોઈપણ અનુભવ ન હોવા છતાં સ્મિથે એકદમ નાની ઉંમરે સાઉથ આફ્રિકાને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ સિરીઝમાં વિજય અપાવ્યો હતો. ગ્રેહામ સ્મિથની મહાનતા એટલે યાદ રાખવામાં આવશે, કારણ કે તેની ચોથી ઈનિંગની એવરેજ તેની બાકીની ત્રણ ઈનિંગ કરતાં સૌથી વધુ છે.

કુમાર સંગાકારા (શ્રીલંકા)

ટીમમાં મહત્ત્વના બેટ્સમેન હોવા ઉપરાંત વિકેટકીપિંગની પણ જવાબદારી ઉપાડવી એ બિલકુલ સરળ કાર્ય નથી. પરંતુ સંગાકારાએ આ બંને જવાબદારીઓ સુપેરે નિભાવી અને આજે એના નિવૃત્તિ સમયે તે શ્રીલંકાના મહાનતમ બેટ્સમેનોમાં સ્થાન પામી ચૂક્યો છે. અત્યારે સંગાકારાએ શ્રીલંકા વતી ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન કર્યા છે. પોતાના યુવાનીના કાળના મિત્ર મહેલા જયવર્દને સાથે સંગાકારાએ ટેસ્ટ મેચોમાં ઘણી બધી યાદગાર ઈનિંગ્સ રમી છે. એક વિકેટકીપર બેટ્સમેન માટે જ્યારે 25થી 30ની એવરેજ શ્રેષ્ઠ ગણાતી હોય, ત્યારે સંગાકારાની 57.79 રનની એવરેજ વિશે આપણે વધુ તો શું કહી શકીએ?