26th January selfie contest

BJP ધારાસભ્યએ CM કેજરીવાલને કહ્યા આતંકી અને પાકિસ્તાની સેનાના પ્રવક્તા

PC: deccanherald.com

પશ્વિમ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા બાદ BJPના ધારાસભ્ય ઓ. પી. શર્માએ બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ એક ભ્રષ્ટ નેતા છે અને તેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. વિશ્વાસ નગરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા ઓ. પી. શર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલ એક ભ્રષ્ટ નેતા છે, તેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તેઓ પાકિસ્તાની સેનાના પ્રવક્તા છે. કેજરીવાલ ભારતીય સેના પર સવાલો ઊભા કરે છે અને ટુકડે-ટુકડે ગેંગનો સાથે આપે છે, એટલે તેમને આતંકવાદી કહેવા એકદમ યોગ્ય છે. આ પહેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા. જે બાબતે ઘણો વિવાદ થયો હતો. કેજરીવાલને આતંકવાદી કહેવા પર આમ આદમી પાર્ટીએ પ્રહારો કરતા BJPના નેતાના શબ્દોને અનુચિત ગણાવ્યા હતા.

જણાવી દઈએ કે, પ્રવેશ વર્માએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલ પર સંગીન આરોપ લગાવ્યો હતો અને તેમને આતંકવાદી કહ્યા હતા. જોકે આ નિવેદન બાદ ચૂંટણી કમિશને તેમને નોટિસ આપીને જવાબ પણ માંગ્યો હતો. તેમણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ આવેલા ચૂંટણીના પરિણામો બાદ BJP નેતાઓ સતત અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહ્યાં છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 તો BJPને 8 સીટો પર જીત મળી છે.

બુધવારે અરવિંદ કેજરીવાલના આવાસ પર પાર્ટીના નવા બનેલા ધારાસભ્યોની બેઠક થઇ હતી. બેઠકમાં કેજરીવાલને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠક બાદ મનીષ સિસોદિયાએ સંવાદાતા સંમેલનમાં કહ્યું હતું કે, 16 તારીખે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હીના ચૂંટણી પ્રભારી સંજય સિંહ અને બધા ધારાસભ્યો બેઠકમાં સામેલ થયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp