શાસ્ત્રીય સંગીતનું લાવણ્ય ટ્રેડીશનલ ગરબામાં પાથરતા લાલિત્ય મુન્શા

PC: Lalitya Munshaw

શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતો ભાગ્યેજ કોઈ ગુજરાતી હશે જે લાલિત્ય મુન્શાનું નામ નહીં જાણતો હોય. લાલિત્ય મુન્શા એક અનુભવી શાસ્ત્રીય ગાયિકા હોવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલા સોલો પરફોર્મર પણ છે. લાઈવ પરફોર્મર તરીકે લાલિત્ય મુન્શાએ અત્યારસુધી દિગ્ગજ ગાયકો જેવાકે હરિહરન, અનૂપ જલોટા, સોનુ નિગમ, શિવમણી, લુઈ બેન્કસ અને રોનુ મજમુદાર સાથે સ્ટેજ શેર કર્યું છે.

શાસ્ત્રીય સંગીતમાં નામ કમાવવા ઉપરાંત તેમણે ન્યૂયોર્કના ઇન્ડિયન કાઉન્સિલ અને ભારતીય વિદ્યાભવન ખાતે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત લાલિત્ય મુન્શાએ 200થી વધુ શો અને 25 આલ્બમ્સ કર્યા છે.

લાલિત્ય મુન્શાનું ગાયન સાંભળીએ તો તેમાં આપણને લોકસંગીત, રાસ, ગરબા, ગઝલ, સૂફી, રોમાન્સ, બાળકોના હાલરડાં, રાજસ્થાની લોકસંગીત, બોલિવુડ તેમજ ભક્તિ સંગીતની વિવિધતાના ઊંડાણ જરૂર જોવા મળશે. ગીતોને ગાવા ઉપરાંત તેને રજૂ કરવાની લાલિત્ય મુન્શાની એક અલગજ સ્ટાઈલ છે. તેમના વિડિયોઝમાં ભરપૂર વિઝ્યુઅલાઈઝેશન જોવા મળશે. લાલિત્ય મુન્શાના કેટલાક આલ્બમનું શુટિંગ તો વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર અને મોઢેરાના સૂર્ય મંદિર ખાતે પણ કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી લાલિત્ય મુન્શાએ શાસ્ત્રીય સંગીત ઉપરાંત બે અન્ય મોટા કાર્યો પણ હાથ ધર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ અમદાવાદ તેમજ અન્ય સ્થળોએ નવરાત્રી દરમિયાન ગરબામાં પોતાના સંગીતના અજવાળાં પાથરે છે અને તેઓ વાઇબ્રન્ટ નવરાત્રીઓનો અતૂટ હિસ્સો પણ બની ગયા છે.

આ ઉપરાંત લાલિત્ય મુન્શાએ નામી અનામી ગુજરાતી ગાયકોને એક અદ્ભુત મંચ પૂરો પાડ્યો છે જેનું નામ છે રેડ રીબિન મ્યુઝિક કંપની.

આવા અનેરા, અનોખા, સંગીતસભર, જાજરમાન અને વિવિધતા ધરાવતા લાલિત્ય મુન્શાએ પ્રથમ નોરતાની પૂર્વ સંધ્યાએ Khabarchhe સાથે તેમના નિવાસસ્થાને એક્સક્લુઝિવ અને ખુલ્લા દિલે વાતો કરી હતી.

નવા આલ્બમ ‘એ... હાલો Vol. 2’

લગભગ ત્રણ વર્ષ પહેલા ‘એ... હાલો’ આલ્બમ રીલીઝ કરવામાં આવ્યું ત્યારે તેમાં ત્રણ કલાકનું મટીરીયલ હતું જેમાં એક CDમાં ગરબા,બીજીમાં રાસ અને ત્રીજીમાં ભાઈ ભાઈ અને આરતી-સ્તુતિ વગેરે હતું. આ આલ્બમને અદભૂત સફળતા મળી હતી અને દોઢ લાખ CDનો ઓર્ડર પણ મળ્યો હતો. એ વર્ષે નવરાત્રીમાં ઘણી જગ્યાએ એ જ આલ્બમ પર લોકોએ ગરબા ગાયા હતા જેમાં આપણા વાઈબ્રન્ટ ગરબા પણ સામેલ હતા.

આ સફળતાથી મને વિચાર આવ્યો કે હું ‘એ હાલો...’ નો બીજો પાર્ટ બનાવું જેમાં પાર્થિવ ગોહિલ, ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવી એ ત્રણેય જે આપણા ગુજરાતી સંગીતના મહારથીઓ છે એમને જો એક છત્ર નીચે લાવું તો કેવું? બસ પછી એ વિચાર અમલમાં આવ્યો અને આજે ‘એ હાલો..’ નો બીજો ભાગ આવી ગયો છે જેમાં આ ત્રણેય કલાકારોએ દસ-દસ ગીતો ગાયા છે.

સામાન્યતઃ આપણા ગરબાના આલ્બમ્સમાં જાણીતા અર્બન અને રૂરલ ગરબાઓ હોય છે પરંતુ આ આલ્બમમાં મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ગામોમાં કેટલાક ગરબા એટલા બધા પ્રચલિત હોય છે જેને શહેરોમાં આપણે એટલા નથી ગાતા હોતા તો એને તેમાં સામેલ કરવા.

મહારથીઓને એક છત્ર હેઠળ ભેગા કરવાનો અનુભવ

જ્યારે મહારથીઓને એક છત્ર હેઠળ લાવીએ ત્યારે તેમાં સમય જરૂર લાગતો હોય છે કારણકે તમામ કલાકારો પોતપોતાના કાર્યક્રમો માટે ભારતમાં અથવાતો વિદેશની મૂલાકાતે જતા હોય છે. પણ ત્રણેય કલાકારોએ ખૂબ સહકાર આપ્યો અને એક સુંદર આલ્બમ બનીને બહાર આવ્યું છે.

આ ત્રણેય કલાકારોને ગાતા જોવા એ પણ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. પાર્થિવ ગોહિલ, ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવી જ્યારે ગાતા હોય છે ત્યારે એ ગાયનમાં એટલા બધા ઓતપ્રોત થઇ જતા હોય છે કે ત્યારેજ આપણને ખ્યાલ આવે છે કે કેમ આ તમામ ગાયકોની ગાયકી આપણા બધાના હ્રદયને સ્પર્શે છે.

ગરબા ગાવાની પોતાની ગાયકી અંગે

જ્યારે હું ગરબા ગાવાની શરૂઆત કરું છું ત્યારે હું તેને સામાન્ય અને મીઠા અવાજમાં કરું છું, પણ જેમજેમ હું લોકગીતો તરફ વળું છું ત્યારે જાણેકે ગામડાની કોઈ સ્ત્રી ગાઈ રહી હોય તેવો મારો અવાજ થઇ જાય છે, જે સાંભળીને ઘણાબધાને ખૂબ નવાઈ લાગતી હોય છે.

શાસ્ત્રીય ગાયન થી ગરબા તરફની સફર અને પસંદગીનું ગાયન

શાસ્ત્રીય ગાયનથી હું જે જુદા જુદા જોનર તરફ વળી શકી છું તો તે કલ્યાણજીભાઇના કારણે. જ્યારે હું મુંબઈમાં એમની પાસે સંગીત શીખવા ગઈ ત્યારે તેમણે મને વોઈસ કલ્ચરની તાલીમ આપી અને મારી રેન્જ વધારી. ત્યારબાદ હું વિવિધ જોનર ટ્રાય કરતી ગઈ અને તેમાંથી એક છે આપણા ગરબા.

નવરાત્રીમાં મને ગાવાનું એટલે ગમે છે કારણકે જ્યારે હું ગાતી હોઉં છું જ્યારે દસ-પંદર હજાર લોકોનું ઓડિયન્સ મારી સામે હોય અને એ જે ગાવાનો મૂડ હોય તે કાંઈક અલગ જ હોય છે. આ દ્રશ્ય જ મને ખૂબ આનંદ આપે છે કારણકે માતાજીના ગરબા શરુ થાય, પછી રાસ અને ત્રણ તાળી. આમ ચાર કલાકની રમઝટમાં એટલું બધું ગાવા મળે કે મને પણ એ બધું માણવા મળે છે એટલે મને તો નવરાત્રી ખૂબ ગમે છે આથી જો મને ચોઈસ પૂછવામાં આવે તો હું નવરાત્રી જ પસંદ કરીશ.

પાશ્ચાત્ય અને ફિલ્મી સંગીત પર થતા ગરબા સામે ટ્રેડીશનલ ગરબા કેમ ટકી રહ્યા છે?

આપણે જૂના ફિલ્મી ગીતો પણ જોઈએ તો અત્યારે તેનું રિમિક્સ થાય છે અને આજે પણ તે એટલા જ લોકપ્રિય બને છે એની પાછળનું કારણ છે કે એ ગીતો જ એટલા મજબૂત હતા. તેવીજ રીતે આપણા ટ્રેડીશનલ ગરબાઓનું પોત એટલું મજબૂત છે કે તે આજે પણ એટલા જ લોકપ્રિય છે. યંગસ્ટર્સને જો કોઈ ગરબો ધીમો કે બોરિંગ લાગે તો તેને ફાસ્ટ કરીને કે તેમાં બીટ્સ ઉમેરીને તેને ગમતા કરી શકાય એટલા ફ્લેક્સીબલ આપણા ટ્રેડીશનલ ગરબાઓ છે અને એટલેજ તે હજી સુધી ટકી શક્યા છે અને આવનારા સમયમાં પણ ટકી રહેશે.

સતત નવ રાત ગરબા ગાયા બાદ રિફ્રેશ થવા અંગે

મારા બે પેટ્સ છે, જે કાયમ મારી જોડે હોય છે. તેમનો બિનશરતી પ્રેમ, તેમનું રમતિયાળપણું, તેમની મસ્તી સતત ચાલુ રહેતી હોય છે અને તે જ મારો થાક ઉતારી દેતા હોય છે અને મને ફરીથી રિચાર્જ કરી દેતા હોય છે. અમદાવાદમાં મારું પરિવાર છે, મારા મિત્રો છે એટલે અહીં હોઉં ત્યારે હું ફ્રેશ થઇ જાઉં છું. આ ઉપરાંત સારું સંગીત સાંભળવું એ પણ મારો થાક ઉતારી દે છે.

રેડ રિબીન અંગે

જ્યારે ગાયન નથી કરતી ત્યારે મારી રેડ રિબીન મ્યુઝિક કંપનીમાં બીઝી રહું છું. જો મારી જિંદગીને 100%માં વહેંચી દઉં તો રેડ રિબીન તેના 70%  સમય લઇ લે છે. અત્યારસુધી અમે પાંચ ગુજરાતી અને દસ હિન્દી આલ્બમ્સ રિલીઝ કર્યા છે. સમગ્ર વિશ્વના દરેક પ્લેટફોર્મ જેવાકે સાવન, રાગા, આઈ ટ્યુન, હંગામા, જીઓ પર અમે અમારું સંગીત રિલીઝ કરીએ છીએ.

રેડ રિબીનમાં અમે સંગીત રિલીઝ કરવા પુરતું નથી કરતા પરંતુ તે કેવીરીતે વધુને વધુ લોકો સુધી પહોંચે તેની આખી એક સ્ટ્રેટેજી અમે તૈયાર કરતા હોઈએ છીએ. આ મહિનામાં જ અમે બે ગુજરાતી ફિલ્મો કરી ‘તંબુરો’ અને ‘પપ્પા તમને નહીં સમજાય.’ પપ્પા તમને નહીં સમજાયનું ટ્રેલર યુટ્યુબ પર બીજા નંબરે પહોંચ્યું અને અન્ય તમામ પ્લેટફોર્મ પર પણ તે ખૂબ સારું ચાલ્યું.

રેડ રિબીન નવા ગાયકોને પ્લેટફોર્મ આપે છે અને લેજન્ડરી ગાયકો અને કલાકારોને પ્રિઝર્વ કરે છે. આ ઉપરાંત ડીસ્ટ્રીબ્યુશન અને માર્કેટિંગ એ પણ અમારું કામ છે. અમે આશા ભોંસલે, ઉસ્તાદ ઝાકીર હુસૈન થી લઈને ઉસ્તાદ રાશીદ ખાન સાહેબ થી આજના ગાયકો સોનુ, અરિજિત શ્રેયા આ તમામના આલ્બમ બહાર પાડ્યા છે.

ગુજરાતીમાં પુરષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, હેમા દેસાઈ, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજોના આલ્બમ્સ પણ રેડ રિબીન દ્વારા રિલીઝ કરાયા છે. 

આ કાર્ય માટે મેં મારી કરિયરને પણ થોડી સાઈડમાં મૂકી છે પણ મને આ કામ કરવામાં ખૂબ આનંદ આવે છે. મુંબઈમાં મારો એક રે એન્ડ રાગા રેકોર્ડિંગ સ્ટુડિયો છે જેમાં આધુનિક સાધનો વડે સંગીત રેકોર્ડ થાય છે અને આ સાધનો એક ફ્રેંચ ટીમ દ્વારા અહીં લાવવામાં આવ્યા છે. અહીં ‘મેરી કોમ’, ‘જવાની દીવાની’, ‘કોકટેલ’, ‘જોલી LLB’ અને ‘હવાઈઝાદા’ અને ‘ખૂબસુરત’ જેવી હિન્દી ફિલ્મોના કામ થયા છે. અહીં એટલા બધા આર્ટિસ્ટ આવતા જતા  હોય છે કે એક અલગ જ એનર્જીથી કામ ચાલતું હોય છે.

આમ, ટ્રેડીશનલ ગરબામાં પોતાની ગાયકીથી લાખો ખેલૈયાઓને ડોલાવનાર લાલિત્ય મુન્શા ગુજરાતી સંગીતની રેડ રિબીન દ્વારા પણ સેવા કરી રહ્યા છે તે જાણીને કોઇપણ ગુજરાતીની છાતી ગજગજ ફૂલે જ.

આજથી શરુ થતી નવલી નવરાત્રીની શુભકામનાઓ સાથે લાલિત્ય મુન્શા સાથેની આ સંગીતમય સફર આપણે અહીંજ પૂર્ણ કરીએ.

 (સિદ્ધાર્થ છાયા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp