સરકાર નિર્ણય કરી શકી નહીં અને અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઇ ગયો

PC: chitralekha.com

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજવો કે નહીં તેની પૃછા કરવામાં આવી હતી પરંતુ સરકારે કોઇ નિર્ણય નહીં કરતાં દેવસ્થાન ટ્રસ્ટે મેળો શરૂ કરી દીધો છે. દેવસ્થાન ટ્રસ્ટે સરકારના પ્રત્યુત્તરની રાહ જોઇ પરંતુ સરકાર બદલાઇ જતાં નિર્ણય લઇ શકાયો નહીં અને પગપાળા ભક્તો ઉમટી પડતાં બઘાંને દર્શન કરવા દેવાની છૂટ આપી દેવામાં આવી છે.

યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોના સંક્રમણની ત્રીજી લહેરની શક્યતાના કારણે મેળો યોજવા પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના આગેવાનોએ સરકારના નિર્ણયની રાહ જોઇ હતી પરંતુ પ્રત્યુત્તર નહીં મળતાં ટ્રસ્ટ અને કલેક્ટરે કોરોના સંક્રમણની ગાઇડલાઇન સાથે મેળો યોજવાની તૈયારી કરી દીધી હતી.

અંબાજી મંદિરના મેળામાં દૂર દૂરથી 20 થી 25 લાખ ભક્તો દરવર્ષે આવતા હોય છે. ગયા વર્ષે લોકો આવી શક્યા ન હતા પરંતુ આ વર્ષે સરકારનો નિર્ણય આવે તે પહેલાં પગપાળા પ્રવાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રસ્તામાં ક્યાંય રાહત છાવણી નહીં હોવા છતાં ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ શરૂ કર્યું હતું જેના કારણે ટ્રસ્ટને અંબાજીમાં ભક્તોની ભીડને પહોંચી વળતા તેમજ તેમના માટેની સુવિધાની તૈયારી કરવી પડી હતી.

હવે અંબાજી મંદિરમાં વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પોલીસ અને વ્યવસ્થાપકોએ ભક્તોને સાચવવાની તેમજ તેમની સલામતી માટેની વ્યવસ્થા કરી છે. જોકે અંબાજી મેળો અને મંદિર બંધ રાખવું કે ચાલુ રાખવું તે બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી. તેમ છતાં મેળાની શરૂઆત થઇ છે તે પૂર્વે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો અંબાજીમાં તૈનાત કરી દેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે.

બીજી તરફ અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp