આ તારીખે પ્રક્ષાલન વિધિ માટે અંબાજી મંદિર બંધ, જાણો કેમ કરાય છે આ વિધિ?

PC: divyabhaskar.co.in

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીની પ્રક્ષાલન વિધિ હોવાથી મંદિર 24મી સપ્ટેમ્બર બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય દેવસ્થાન ટ્રસ્ટે લીધો છે. ભાદરવી પુનમ પછી મંદિરમાં પ્રતિવર્ષ પ્રક્ષાલન વિધિ રાખવામાં આવે છે.

ભાદરવી પૂનમ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે. જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે. આ સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે.

આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માણસ ગૌત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. મા અંબાના ગર્ભગૃહ સહિત સોના-ચાંદીના આભૂષણોને ગંગાજળ અને સરસ્વતીના નીર સહીત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ માટે સાત નદીઓના જળ લાવવામાં આવે છે. ત્યાર બાદ શુભ મુર્હુતમાં તેને માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરાય છે.

કહેવાય છે કે, પ્રક્ષાલન વિધિ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તેથી જ આ વિધિમાં ભાગ લેવા અને યાત્રાધામને પવિત્ર કરવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે 24 સપ્ટેમ્બર શુક્રવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ રાત્રિના 9.00 વાગે નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર મંગલ કરવામાં આવશે. 25 સપ્ટેમ્બરથી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબ રહેશે.

ભારદવી પૂનમનો મેળો સરકારે છેલ્લી ઘડીએ રદ કર્યો હોવાથી આ વર્ષે અંબાજી મંદિરમાં માત્ર આઠ લાખ ભક્તો આવ્યા હતા જે પ્રતિવર્ષ 25 લાખથી વધારે હોય છે. આ વખતે અંબાજી મંદિરની આવકમાં પણ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે મંદિરમાં માતાજી માટે ચઢાવવામાં આવેલા ચાંદીના દાગીના પૈકી 90 ટકા નકલી નિકળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp