સત્યનારાયણની કથા કેટલી જૂની છે, ક્યારે શરૂ થઇ? કેમ આખા દેશમાં આટલી પ્રચલિત છે

PC: jayshreenidhi.com

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની 4 વર્ષ જૂની એક વીડિયો ક્લિપે ભારે વિવાદ પેદા કર્યો છે. તેમાં તેઓ સત્યનારાયણની કથા બાબતે એલફેલ બોલે છે. જોકે, રાજકારણમાં આવ્યા પછી બધાએ બદલાવું પડે છે કારણ કે મતનો સવાલ છે. એટલે ગોપાલ ઇટાલિયાએ પણ પલટી મારી દીધી. માફી માગી લીધી અને પોતે ધાર્મિક હોવાની જાહેરાત પણ કરી દીધી. છતાં તે વિવાદ શમતો દેખાતો નથી. જગ્યા જગ્યાએ ગોપાલ ઇટાલિયા સામે પગલા લેવાની રજૂઆતો થઇ રહી છે. પરંતુ અહીં સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયાના કહેવાથી સત્યનારાયણની કથા લોકો બંધ કરી દેશે. કોઇ નહીં કરે. કારણ કે સત્યનારાયણની કથાના મૂળ વેદો કરતા પણ જૂના હોવાનું જાણકારો કહે છે.

ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિના ઉંડા જાણકાર દેવદત્ત પટનાયક તેમના એક લેખમાં લખે છે કે સત્યનારાયણની કથાનો સ્કંદ પૂરાણનો ભાગ છે. પુરાણો વેદો પછી લખાયા છે. પુરાણમાં વાર્તાઓ છે. સ્કંદ પુરાણ દેશમાં આવેલા ધાર્મિક સ્થાનોને લગતી જુદી જુદી વાર્તાઓનો સંગ્રહ છે. તેમાં કોઇ વિધિનો ઉલ્લેખ નથી. એટલે સત્યનારાયણની કથા આપણે જે કરાવીએ છીએ તેમાં કહેવાતી કથા અને કથા વખતે જે વિધિ કરાય છે તે બન્ને જુદી બાબતો છે. એટલે તેને સત્યનારાયણની કથા જ નહીં પરંતુ સત્યનારાયણ વ્રત કથા કહીએ છીએ. વેદોના સમયમાં જે વિધિ કરાવાતી હતી તેમાં અગ્નિનો મહિમા છે. તેમાં યજ્ઞ કરાવવામાં આવે છે. યજ્ઞ કરવા માટે વિશેષ વસ્તુઓની જરૂર પડે છે. તે માટે મંડપથી લઇને યજ્ઞવેદી બનાવવી પડે છે. 

જ્યારે સત્યનારાયણની વ્રત કથામાં કોઇ યજ્ઞ નથી. તેમાં માત્ર સામાન્ય વસ્તુઓ છે. એક લોટા પાણી ઉપર નારિયેળ મૂકીને તે કરાવાય છે. વિધિમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ ઘરમાં સામાન્ય રીતે ઉપયોગમાં આવતી વસ્તુઓ જ છે.  આ વિધિ વેદો કરતા પણ જૂની હોવાનું મનાય છે. કારણ કે તે વધારે સરળ છે. જો કે આજે જે રીતે કથા કરાય છે તેમાં સમય જતાં ઘણી બધી બાબતો ઉમેરાઇ હોઇ શકે છે. કેટલીક દૂર થઇ હોઇ શકે છે. પરંતુ તેની ખાસિયત એ છે કે દરેક જ્ઞાતિ કે વર્ગમાં તે કરાવાય છે. તેમાં ઉચ્ચવર્ગ કે નિમ્ન વર્ગ જેવું નથી. તેમાં આવતી કથાઓમાં પણ બધા જ વર્ગોની વાત છે. એટલે માટે જ તે પ્રચલિત પણ છે.

પટનાયક કહે છે કે સત્યનારાયણની કથા આખા દેશમાં પ્રચલિત છે. તે ક્યારે શરૂ થઇ તે કહી શકાય તેમ નથી. કેટલાકનું માનવું છે કે તે બંગાળથી શરૂ થઇ. ઘણા માને છે કે તે બદ્રીનાથથી શરૂ થઇ. પરંતુ એક વાત ચોક્કસ છે કે બંગાળથી લઇને આંધ્રપ્રદેશ કે કર્ણાટક કે પછી ઉત્તરભારત બધે જ કથા થાય છે. તેમનું તો કહેવું છે કે બાગ્લાદેશના મુસ્લિમોમાં સત્ય પીરની કથા કરવામાં આવે છે. 

તમે ભગવાનમાં માનો કે ન માનો. તમે કથાની વિષયવસ્તુ પર સવાલ કરો પરંતુ એક સાંસ્કૃતિક પરંપરા તરીકે તો તેનું મહત્વ છે જ એટલે જ વર્ષોથી તે ચાલી આવી છે. કથા કરાવવાનો ઉદ્દેશ્ય ઘરમાં સુખ શાંતિ અને સદ્ભાવ રહે તો હોય છે. કથા વખતે પરિવાર, મિત્રો અને બીજા લોકો ભેગા થાય છે. તેને સામાજિક દૃષ્ટિએ જૂઓ તો પણ તે બધા લોકોને એકબીજા સાથે મળવાનો મોકો આપે છે. કોઇ સમાજ કે ધર્મ તેની પરંપરાઓ અને વિધિઓ થી જ બને છે. દુનિયાના તમામ દેશોના ધ્વજ છે. તેને બધા જ સન્માન આપે છે. કાલે ઉઠીને કોઇ કહેશે કે તે તો કાપડનો ટુકડો છે. તેને સન્માન આપવાની શી જરૂર છે. તે કાપડનો ટુકડો નથી. દેશ છે. આપણે જે રૂપિયા વાપરીએ છીએ તે પણ એક રીતે તો કાગળનો ટુકડો જ છે. પરંતુ તેનું મૂલ્ય છે. કારણ કે તેને આપણે બધાએ મળીને માન્યતા આપી છે. તે જ રીતે દરેક ધર્મનું અસ્તિત્વ તેની વિધિઓથી જ છે. આ વિધિઓને સમાજે માન્યતા આપી છે. તેમાં કોઇ તર્ક આવી શકે નહીં. તે શ્રદ્ધાનો સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp