વર્ષમાં ફક્ત 24 કલાક માટે ખુલે છે ‘નાગચંદ્રેશ્વર મંદિર’, આ છે કારણ

PC: hindi.webdunia.com

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિના રોજ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. તિથિ અનુસાર, આ વખતે નાગ પાંચમ 2જી ઓગસ્ટના રોજ આવે છે. નાગ પાંચમના દિવસે સ્ત્રીઓ નાગ દેવતાની પૂજા કરે છે અને સાપને દૂધ પીવડાવવામાં આવે છે. સનાતન ધર્મમાં સર્પને પૂજનીય માનવામાં આવે છે. નાગ પાંચમના દિવસે નાગોની પૂજા કરવામાં આવે છે અને તેમને ગાયના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે લોકો નાગ પાંચમના દિવસે નાગ દેવતા સાથે જ ભગવાન શિવની પૂજા કરે છે અને રૂદ્રાભિષેક કરે છે, તેમના જીવનમાંથી કાળસર્પ દોષ ખતમ થઇ જાય છે. સાથે જ રાહુ અને કેતુની અશુભતા પણ દૂર થાય છે.

મહાકાલની નગરી ઉજ્જૈનને મંદિરોનું શહેર પણ કહેવાય છે. આ શહેરની દરેક ગલીમાં એક શિવ મંદિર તો હોય જ છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના ત્રીજા ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે. નાગચંદ્રેશ્વર મંદિરનું પોતાનું આગવું મહત્વ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, મંદિરના કપાટ વર્ષમાં એક વખત નાગ પાંચમના દિવસે 24 કલાક માટે જ ખુલે છે.

ભગવાન નાગચંદ્રેશ્વરની મૂર્તિ ઘણી જૂની છે અને તેને નેપાળથી લાવવામાં આવી છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં જે અદભૂત પ્રતિમા બિરાજમાન છે તેના વિશે કહેવાય છે કે, તે 11મી સદીની છે. આ પ્રતિમામાં શિવ પાર્વતી પોતાના આખા પરિવાર સાથે આસન પર બેઠા છે અને તેમના ઉપર નાગ દેવતા તેમની ફેણ કાઢીને બેઠા છે. કહેવાય છે કે, આ પ્રતિમાને નેપાળથી લાવવામાં આવી છે. ઉજ્જૈન સિવાય ક્યાંય પણ આવી પ્રતિમા નથી. આ વિશ્વભરનું એક માત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શંકર પોતાના પરિવાર સાથે સાપોની શૈયા પર બિરાજમાન છે.

માન્યતાઓ અનુસાર, ભગવાન નાગચંદ્રેશ્વરની ત્રિકાળ પૂજાની પરંપરા છે. ત્રિકાળ પૂજાનો મતલબ ત્રણ અલગ અલગ સમયની પૂજા. પહલી પૂજા મધ્યરાત્રિમાં મહાનિર્વાણી થાય છે, બીજી પૂજા નાગ પાંચમના દિવસે બપોરે શાસન દ્વારા થાય છે અને ત્રીજી પૂજા નાગ પાંચમની સાંજે ભગવાન મહાકારની પૂજા બાદ મંદિર સમિતિ કરે છે. ત્યાર બાદ રાતે 12 વાગે ફરી એક વર્ષ માટે મંદિર બંધ થઇ જાય છે.

માન્યતાઓ અનુસાર, સાપોના રાજા તક્ષકે ભગવાન શિવને મનાવવા માટે તપસ્યા કરી હતી જેનાથી, ભોલેનાથ પ્રસન્ન થયા અને સર્પોના રાજા તક્ષક નાગને અમરત્વનું વરદાન આપ્યું. વરદાન બાદથી રાજા તક્ષકે પ્રભુના સાનિધ્યમાં જ વાસ કરવાનું શરૂ કર્યું. પણ મહાકાલ વનમાં વાસ કરવા પહેલા તેમની ઇચ્છા હતી કે, તેમને એકાંતમાં વિઘ્ન ન પડે. તેથી આ પ્રથા ચાલતી આવી છે કે, ફક્ત નાગ પાંચમના દિવસે જ તેમના દર્શન થાય છે. બાકી પરંપરા અનુસાર, મંદિર બંધ રહે છે. શેષ સમયના સમ્માનમાં પરંપરા અનુસાર મંદિર બંધ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp