26th January selfie contest

કુંભમેળોઃ આ વખતે 12ને બદલે 11 વર્ષે યોજાઇ રહ્યો છે, હરિદ્વારમાં 14 જાન્યુઆરીથી

PC: zee news

હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન અંતિમ ચરણમાં છે. દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે, પણ  આ વખતે કુંભ મેળાનું આયોજન એક વર્ષ પહેલાં 2021માં કરવામાં આવ્યું છે. તેનું કારણ એવું છે કે 2022માં ગુરુ, કુંભ રાશિમાં નહી હોય એટલે 11મા વર્ષે કુંભ મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ વખતે 14 જાન્યુઆરી 2021 એટલે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનું આયોજન થઇ રહ્યું છે. આ વખતે પહેલું કુંભ શાહી સ્નાન 11 માર્ચ શિવરાત્રીના દિવસે થશે, બીજું શાહી સ્થાન 12 એપ્રિલ સોમવતી અમાવસ્યાના દિવસે,ત્રીજું મુખ્ય શાહી સ્નાન 14 એપ્રિલ મેષ સંક્રાતિના દિવસે અને ચોથું શાહી સ્થાન 27 એપ્રિલ વૈશાખી પૂર્ણિમાના દિવસે થશે. તો શાહી સ્નાનનો ઇતિહાસ, તેનું મહત્ત્વ અને એની સાથે જોડાયેલી પરંપરા વિશે અમે તમને જણાવીશું.

હિંદૂ ધર્મમાં કુંભ શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. કુંભ સ્નાન કરવાથી બધા પ્રકારના પાપમાંથી મુકિત મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિંદૂ ધર્મમાં પિતૃનું બહું મહત્ત્વ દર્શાવાયું છે. એવું કહેવાય છે કે કુંભ સ્નાન કરવાથી પિતૃ આત્મા શાંત થઇ જાય છે અને આશીર્વાદ વરસાવતા રહે છે.

કુંભનું શાહી સ્નાન તેના નામ મુજબ એકદમ શાહી અંદાજમાં થતું હોય છે. શાહી દરમ્યાન સાધુ-સંત પોતાના અદભુત રૂપમાં હાથી-  ઘોડા અને સોના-ચાંદીની પાલખીઓમાં બેસીને સ્નાન કરવા પહોંચે છે. શાહી સ્નાનના ખાસ મુહૂર્ત પહેલાં સાધુઓ કિનારે ભેગા થાય છે અને જોર શોરથી નારા લગાવે છે.શાહી સ્નાનના મુહૂર્તના દિવસે કુંભ એકદમ આકર્ષક લાગે છે. 13 અખાડાઓના સાધુ-સંત ડુબકી લગાવે છે અને પવિત્ર નદીના કિનારે આરાધના કરે છે.

આ વખતે શાહી સ્થાન હરિદ્વારમાં ગંગાના પાવન તટ પર થશે. 13 અખાડાના સાધુ-સંત મુહૂર્ત પહેલાં નદી કિનારે એકઠા થઇ જાય છે અને તેમના શાહી સ્નાનનો ક્રમ પણ પહેલાંથી નક્કી થયેલો હોય છે. એ પહેલાં કોઇ પણ નહાવા માટે નદીમાં ઉતરી શકતા નથી. સાધુઓ સ્નાન કરે પછી જ સામાન્ય પ્રજાને સ્નાન કરવાનો અવસર મળે છે. શાહી સ્નાનનું મુહૂર્ત મળસ્કે 4 વાગ્યાથી શરૂ થઇ જાય છે. હવે તમે વિચારો કડકડતી ઠંડીમાં વહેલી સવારે નદીના ઠંડા પાણીમાં ડુબકી લગાવવાનું કેટલું કપરૂ કામ હશે.

શાહી સ્નાનની પરંપરા સદિયો જૂની છે. એવી માન્યતા છે કે શાહી સ્નાનની પરંપરા 14મી અથવા 16મી સદીની વચ્ચે થઇ હતી. તે વખતે દેશમાં મોગલોનું રાજ હતું. તે વખતે સાધુઓ મોગલો સામે ઉગ્ર થઇને સંઘર્ષ કરતા હતા. મોગલ શાસકોએ તેમની સાથે બેઠક કરીને તેમના કામ અને ઝંડાનું વિભાજન કર્યું હતું. તે વખતે સાધુઓને સન્માન આપવા માટે તેમને પહેલાં સ્નાન કરવાની તક આપવામાં આવતી હતી. આ સ્નાન વખતે સાધુઓનું સન્માન રાજશાહી ઠાઠમાઠ અંદાજથી થતું હતું એટલે ત્યારથી શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.

શાહી સ્નાનને કારણે અખાડાઓ વચ્ચે સંઘર્ષ થતો હતો અને ઘણી વખત સંઘર્ષ એટલી ચરમસીમા પર પહોંચતો હતો કે નદીનું પાણી લાલ દેખાવા માંડતું હતું. મતલબ કે  મારામારી કે હત્યાને કારણે નદીમાં લોહીની ધારા વહેતી હતી. પરંતું ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે બધા અખાડાના ક્રમ નક્કી કરવામાં આવ્યા હતા અને એ પરંપરા હજુ ચાલી રહી છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp